સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત પર છેલ્લા 4 દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા હોવાથી સંખ્યાબંધ ડેમ ઓવરફલો થયા છે અને 36 જેટલા ડેમોમાં નવા નીરની આવક થતા 16-16 ફૂટ જેટલું નવું પાણી આવ્યું છે. હજુ ભારે વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. કચ્છમાં બારે મેઘ ખાંગા થતા લખપતમાં 11 ઇંચ પાણી ખાબક્યું છે. જેના કારણે કચ્છનાં 7 ડેમ ઓવરફલો થઇ ગયા છે. ફોફળ-1, આજી 2-3, ભાદર-2, લખપતનો ગોધાતડ ડેમ, કંકાવટી ડેમ ઓવરફલો થઇ ગયા છે. હજુ નવા નીરની આવક ચાલુ છે. મેઘરાજાએ કૃપા વરસાવીને અષાઢનાં પ્રારંભે જ જોરદાર કૃપા વરસાવી હોવાથી કચ્છનો પાણી પ્રશ્ર્ન હલ થઇ ગયો છે અને સૌરાષ્ટ્રમાં પણ જળસંકટ દૂર થવાની આશા જાગી છે. ગુજરાતના 10 જળાશયો પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંખ્યાબંધ ડેમો છલકાયા છે અને નાની સિંચાઈનાં પણ અનેક ડેમ છલોછલ થઇ ગયા છે.
Visit Saurashtra Kranti Homepage here
હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સંખ્યાબંધ જિલ્લાઓમાં આવનારા ત્રણ કલાક મધ્યમ વરસાદની આગાહી કરી છે. કચ્છ, પોરબંદર, દ્વારકા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ વગેરે જિલ્લાઓમાં તોફાની પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જયારે રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓ અને દીવમાં છુટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. શનિવારે સવારથી રવિવાર સવાર સુધી તમામ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આજના દિવસ માટે નવસારી, વલસાડ, દમણ અને સૌરાષ્ટ્રનાં જૂનાગઢ જિલ્લા માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય આજે અન્યત્ર છુટાછવાયા સ્થળે ભારે વરસાદ થઇ શકે છે.
છેલ્લા 24 કલાક દરમ્યાન રાજ્યનાં 215 તાલુકાઓમાં મુશળધાર જોરદાર વરસાદ થયો છે. સૌથી વધુ કચ્છનાં લખપતમાં 11 ઇંચ વરસાદ થયો છે. એ જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની હેલી બંધાઈ ગઈ હોય તેમ જોરદાર વરસાદ પડી રહ્યો છે. હજુ આગામી 4 દિવસ સુધી આવું વાતાવરણ રહેવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. આથી ગુજરાતનાં માછીમારોને દરિયામાં નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે. સાર્વત્રિક વરસાદથી હજુ સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી જોવા મળે છે. રાજકોટ જિલ્લાનાં 27 પૈકી 10 ડેમમાં અડધાથી પાંચ ફૂટ જેટલું નવું પાણી આવ્યું છે. 4 ડેમ ઓવરફલો થઇ ગયા છે. મોરબી જિલ્લાનાં ત્રણ ડેમમાં 1 થી પાંચ ફૂટ, જામનગર જિલ્લાનાં 12 ડેમોમાં અડધાથી 7 ફૂટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં 11 ડેમોમાં બે થી 16 ફૂટ જેટલું નવું પાણી ભરાયું છે.
નાની સિંચાઈનાં તો અનેક ડેમો ઓવરફલો થઇ ગયા છે. રાજકોટ જિલ્લાનાં મોટા ડેમ આજી-1, ભાદર-1, ન્યારી-1 સહિતનાં ડેમોમાં નવા નિરની આવક ચાલુ થઇ છે. આજી-1 માં અડધો ફૂટ નવું પાણી આવ્યું છે. એ જ રીતે જિલ્લાભરનાં ડેમોમાં પાણીની આવક ચાલુ છે. મોરબી જિલ્લામાં પણ ડેમી-2, બંગાવડી, મચ્છુ -3 માં પણ પાણીની સતત આવક ચાલુ છે. ભાવનગર જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે સસોઈ, ફૂલઝર અને વિજરખી ડેમો છલકાઈ ગયા છે. પન્ના ડેમ, ડાઈમીડસર, ફૂલઝર-1, આજી-4, ઊંડ-1, ઊંડ-2, વાડીસંગ, ઉમિયાસાગર ડેમ વગેરે ડેમોમાં 1 થી માંડીને 3 ફૂટ જેટલું પાણી આવ્યું છે.
Read About Weather here
દ્વારકાનાં ઘી ડેમ, વરતુ-1, ગઢકી, સોનમતી, કાબરકા, વેરાડી-2, મીણસાર ડેમોમાં બે થી માંડીને 7 ફૂટ નવા નીરની આવક થઇ છે. આ રીતે મેઘરાજાની અનરાધાર કૃપાથી રાજકોટ જિલ્લાનાં 27 ડેમોમાં જળસંગ્રહ 41.90 ટકા થયો છે. જામનગર જિલ્લાનાં 22 ડેમોમાં 26.34 ટકા જળરાશી થઇ છે. દ્વારકાનાં 12 ડેમોમાં 23.64 ટકા જળજથ્થો ભરાયો છે. દેવભૂમિ દ્વારકામાં સતત ભારે વરસાદ પડી રહ્યો હોવાથી ત્રણ સ્ટેટ હાઈ-વે બંધ થઇ ગયા છે. જયારે પંચાયતનાં 12 રસ્તા પણ બંધ થઇ ગયા છે. તેમ જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાએ લોકોને નીચાણવાળા વિસ્તારોમાં અને નદીનાં પટમાં અવર-જવર ન કરવા અપીલ કરી છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here