એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદના વિસ્તારોમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃતિઓ રોકવાનું તો દુર નજર નાખવાનું પણ પોલીસને સુજતુ નથી, પોલીસ નિષ્ક્રિયતાનું કારણ જંગી હપ્તાખોરી!!

એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદના વિસ્તારોમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃતિઓ રોકવાનું તો દુર નજર નાખવાનું પણ પોલીસને સુજતુ નથી, પોલીસ નિષ્ક્રિયતાનું કારણ જંગી હપ્તાખોરી!!
એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદના વિસ્તારોમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃતિઓ રોકવાનું તો દુર નજર નાખવાનું પણ પોલીસને સુજતુ નથી, પોલીસ નિષ્ક્રિયતાનું કારણ જંગી હપ્તાખોરી!!

રાજકોટની ભાગોળે એરપોર્ટ પોલીસ સ્ટેશન અને અપરાધી તત્વો વચ્ચેની ‘મન કા મીત’ જેવી સાંઠગાંઠ??

રેતી, કપચી, બેલા અને કાળા પથ્થરોની વિના રોકટોક સરાજાહેર ચોરી છતાં હપ્તાખોર એરપોર્ટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ મરક- મરક, ગજવા તરબતર હોવાથી લહેરથી ગેરકાનૂની પ્રવૃતિઓ ચાલવા દેવાતી હોવાનું લોકોમાં ચર્ચા, એક ખટારા દીઠ રૂ.2500 થી રૂ.3 હજારની મલાઈ લેવાતી હોવાની ચર્ચા, એ નાણા કોના ખિસ્સામાં?

દરરોજ બેફામ, બેરોકટોક, ગેરકાયદે રેતી ખનન, અંદાજે 500 થી વધુ ખટારાની અવર-જવર

રાજકોટ શહેરની ભાગોળે જ્યાં હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે એ વિસ્તારમાં ગેરકાનૂની પ્રવૃતિઓ રોકવા અને અસામાજીક તત્વો પર કાયદાનો ડર બેસાડવા એરપોર્ટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બહાર આવી રહેલી ચોંકાવી દેનારી હકીકતો એવો નિર્દેશ કરી રહી છે કે, એરપોર્ટ પોલીસ સ્ટેશન ગુનાખોરોના મનમાં ધાક કે ડર જમાવવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. આવું શું કામ બન્યું છે તે પાછળના કારણોનું વિશ્ર્લેષણ કરતા વધુ ચોંકાવનારૂ તારણ નીકળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

એરપોર્ટ સ્ટેશન એટલે કે, આ વિસ્તારનું પોલીસ મથક ગુનાખોરો સાથેની મિલીભગત અને મેળાપીપણા માટે દિવસે- દિવસે વધુને વધુ કુખ્યાત બની ગયું છે. કહેવાય છે કે, આ પોલીસ મથક તાબાના વિસ્તારોમાં હદ વટાવી ગયેલી પ્રવૃતિઓ પાછળ આ પોલીસ મથકના આશીર્વાદ જ જવાબદાર છે. કેમકે આ મથક હપ્તાખોરીનું હબ બનીને રહી ગયું છે.!! અહીં દેશીદારૂના હાટડા તો ચાલે જ છે! પણ હવે એવું બહાર આવ્યું છે કે, ગેરકાયદે રેતી ખનન અને હેરફેરની અનૈતિક તથા ગેરકાયદે પ્રવૃતિઓ બેફામપણે ચાલી રહી છે.?! જેના પગલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બધાના ગજવા છલોછલ થઇ રહ્યા છે. એક-એક ખટારા દીઠ મોટી મલાઈ તારવીને જંગી રકમના હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાની લોકોમાં ગંભીર રીતે ચર્ચા ચાલી રહી છે. !!

અમે ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ના પાના પર ગુરૂવારે એ લખી ચુક્યા છીએ કે, એરપોર્ટ પોલીસ સ્ટેશનના તાબામાં 18 જેટલા ગામો છે. ઉપરાંત અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાનો અતિઆધુનિક એરપોર્ટ પણ બની રહ્યું છે. એરપોર્ટ અને એ પણ આવી કક્ષા અને કદનું હોય ત્યારે આખો વિસ્તાર સંવેદનશીલ ગણાતો હોય છે. એટલે સ્વાભાવિક છે કે, આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની પોલીસની જવાબદારીમાં અનેકગણો વધારો થઇ જાય છે. અહીં ગુનાખોર તત્વોનું ચકલું પણ ફરકવું ન જોઈએ. પરંતુ અહીં તો સાવ ઉલટી પરિસ્થિતિ જોવા મળી રહી છે કેમકે આખો વિસ્તાર જાતજાતની ગેરકાયદે પ્રવૃત્તિઓ અને અનૈતિક ધંધાઓથી ખદબદી ઉઠ્યો છે. એવી કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ નથી જે અહીં ન થતી હોય. તમામ પ્રકારના ગોરખધંધા કરનારા લોકો માટે આ વિસ્તાર રેઢું પડ બની ગયો છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય.

એરપોર્ટ પોલીસ સ્ટેશન તેની મૂળભૂત ફરજમાંથી હટીને કામગીરી કરી રહ્યાની આ વિસ્તારના જાગૃત નાગરિકો અવારનવાર ફરિયાદ કરતા રહે છે અને બળાપો કાઢતા રહે છે પરંતુ એમનો અવાજ રાજકોટ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાન સુધી પહોંચતો નથી અથવા તો પહોંચવા દેવામાં આવતો નથી. એ હકીકત દીવા જેવી ચોખ્ખી થઈને બહાર આવી છે કે, એરપોર્ટ પોલીસ સ્ટેશનને ગુનાખોર તત્વો સામે એક અજબ-ગજબ પ્રકારની ‘મન કા મીત’ જેવી સ્નેહગાંઠ રચાઈ ગઈ છે. જેના કારણે આ સ્નેહનો બદલો પણ મોટા પ્રમાણમાં અનૈતિક તત્વો તરફથી મળી રહ્યો હોવાથી એરપોર્ટ પોલીસ મથકને આંખે ઝાંખપ આવી ગઈ છે. જેના કારણે કોઈપણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃતિઓ નજરે ચઢતી નથી. ખરેખરો તાલ અહીં સર્જાયો છે.

પોલીસ બેડામાં લાંચ-રૂશ્ર્વતની બદી પ્રસરી ગઈ હોય એ જનતા માટે કોઈ નવા સામચાર હોતા નથી. પણ આ બદીમાં આખેઆખો સ્ટાફ સંડોવાયેલો હોતો નથી. તેનો ચેપ મુઠ્ઠીભર કર્મીઓને લાગેલો હોય છે. પણ એરપોર્ટ પોલીસ સ્ટેશનની વાત ન્યારી છે. આ પોલીસ સ્ટેશનની હદમાં તો ગુનાખોર તત્વોને મોકળું મેદાન આપવામાં આવ્યું છે. કોઈ કાર્યવાહી નહીં, કોઈ પગલા નહીં. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં જાણે કે અપરાધ જગતને એક મુક સંદેશો મળી રહ્યો છે કે, અમારી હદમાં જે ફાવે તે કરો દારૂ વેચો, દારૂ બનાવો, રેતી અને પથ્થરો ઉપાડી જાવ, જે કરવું હોય તે કરો અમે અહીં છીએ તમારું કોઈ કંઈ બગાડી નહી લ્યે. ?! આ વિસ્તારના નાગરિકોમાં ખુલ્લેઆમ આ પ્રકારના શબ્દો બોલાઈ રહ્યા છે. પરંતુ એમનો અવાજ દબાઈ એટલા માટે જાય છે કે, હપ્તાખોરીના બુલડોઝરની ધણધણાટીના અવાજમાં બાકીના તમામ વિધેયક અવાજ દબાઈ જાય છે. અહીં એક જ સુર અને એક જ મંત્ર મુજબ કામ ચાલે છે. હપ્તા દો ઔર તુમ્હારા કામ કરો. !

જાણકાર સૂત્રો અને અહીંના નાગરિકો એ એવી ચોંકાવનારી માહિતી આપી છે કે, આ વિસ્તારના ગામડાઓમાં અને હીરાસરની આસપાસ ખુલ્લેઆમ રેતીચોરીનો વેપલો કરવામાં આવી રહ્યો છે. દૈનિક લગભગ 500 જેટલા ખટારાઓ આ કાર્યમાં જોતરાયેલા હોવાનો અંદાજ છે. તેના પરથી કલ્પી શકાય છે કે, કૌભાંડનો વ્યાપ કેટલો મોટો હશે. કહેવાય છે કે, એક-એક ટ્રક દીઠ રૂ.2500 થી રૂ.3 હજારની મલાઈ મેળવવામાં આવે છે. આ જંગી મલાઈના નાણાં કોના ખિસ્સામાં જતા હોય તેની કલ્પના કરવાનું બિલકુલ મુશ્કેલ નથી. એટલે રોજની રૂ.15 લાખની મલાઈ ગજવામાં જતી હોય તો આ કૌભાંડ બંધ કરાવવાની તસ્દી એરપોર્ટ પોલીસ મથક શું કામ લ્યે એવું લોકોમાં રોષભેર બોલાઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ટ્રક ભરી ભરીને આ વિસ્તારમાંથી રેતી, કપચી, બેલા અને કાળા પથ્થરો ભરી ભરીને ગેરકાયદેસર હેરફેર કરવામાં આવે છે. પરંતુ મોટાપાયે આવડું મોટું કૌભાંડ કરનારા તત્વોને કાયદાની કોઈ બીક નથી કેમકે તેઓ પહેલેથી જ કાયદાના હાથ ગરમ કરી ચુક્યા હોય છે. રાજકોટના પોલીસ બેડામાં ટોચના અનેક અધિકારીઓ મોજુદ છે. ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબી જેવી શાખાઓ છે. છતાં રાજકોટ શહેરના પાદરમાં ગુનાખોરીનું સ્વર્ગ ખડું થઇ ગયું છે અને એ નરીઆંખે જોઈ પણ શકાય છે. છતાં આવી પ્રવૃતિઓ ડામી દેવાની દિશામાં પોલીસ એક ડગલું પણ આગળ ન વધે ત્યારે સમજવું કે રાજકોટ શહેરમાંથી કાયદાના તંત્રએ હિજરત કરી લીધી છે. હજુ પણ સમય બગડ્યો નથી કે મોડું થયું નથી. એરપોર્ટ તૈયાર થઇ જાય એ પહેલા આ વિસ્તારની ગેરકાનૂની પ્રવૃતિઓ પર પોલીસે હલ્લાબોલ કરવું જ જોઈએ અને જો એ ન થાય તો એરપોર્ટ પોલીસ સ્ટેશનના જવાબદારો સામે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ લાલઆંખ કરીને તે બધાને કારકુનના ટેબલ પર બેસાડી દેવા જોઈએ એવી પ્રચંડ લોકમાંગણી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here