LIC એજન્ટને જુગાર રમવા બોલાવી 2.70 લાખની લૂંટ

LIC એજન્ટને જુગાર રમવા બોલાવી 2.70 લાખની લૂંટ
LIC એજન્ટને જુગાર રમવા બોલાવી 2.70 લાખની લૂંટ

ભાવનગર જિલ્લાના મહુવામાં રહેતા એલ.આઈ.સી.એજન્ટને રાજાવદર ગામે જુગાર રમવા માટે બોલાવી જુગારમાં મોટી રકમ જીત્યા બાદ ઘરે પરત જઈ રહેલા એલ.આઈ.સી.એજન્ટને ગળથર ગામ નજીક આંતરી કારમાં આવેલા બે શખ્સે રૂ.2.70 લાખ રોકડાની લૂંટ કરી મોબાઈલ ફોન,પાકીટ અને બાઇકની ચાવી ઝૂંટવી લઈને રસ્તંમાં ફેંકી દઈ ફરાર થઈ જતા પોલીસે ત્રણ શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ડેગવડા ગામના વતની અને મહુવામાં આવેલ સૈતાનગર પ્લોટ નં.09 માં રહેતા એલ.આઈ..સી.એજન્ટ ભરતકુમાર લક્ષ્મીશંકર જાની છેલ્લા બે વર્ષથી રાજાવદર ગામના વાઘા પાંચાભાઈ લાફકા ( ભરવાડ ) ને ઓળખતા હોવાથી અગાઉ તેમના ઘરે જુગાર રમવા માટે જતા હતા.છેલ્લા બે દિવસથી વાઘાભાઈ તેમને અવારનવાર ફોન કરી જુગાર રમવા માટે બોલાવતા હોવાથી ગઈ કાલે ભરતભાઈ રૂ.1,40,000/- રોકડા લઈને વાઘાભાઈના ઘરે જુગાર રમવા માટે રાજાવદર ગયા હતા.

વાઘાભાઈના ઘરે બંને જુગાર રમતા ભરતભાઈ રૂ.1,30,000/- જીત્યા હતા.જુગાર રમ્યા બાદ ભરતભાઈ ઘરે જવા માટે નીકળતા હર ત્યારે કાળા કલરની સ્કોર્પિયો કારમાં બે વ્યક્તિ આવ્યા હતા.વાઘાએ બન્નેની ઓળખાણ કરાવી બન્ને તેમના મિત્રો લાલા હકાભાઈ મેર રહે.કાળાતળાવ,ભાવનગર અને પકો સિંધી રહે.ભાવનગર હોવાનું જણાવ્યું હતું.

ભરતભાઈ તેમનું મોટરસાઇકલ લઈને નીકળ્યા બાદ પાછળથી સ્કોર્પિયો કારમાં આવેલા લાલા મેર અને પકો સિંધીએ ગળથર ગામ નજીક કાર આગળ કરી ભરતભાઈને આંતરી છરી વડે ઇજા કરી રૂ.2,70,000/- રોકડાની લૂંટ કરી હતી અને ભરતભાઈનો મોબાઈલ ફોન,પાકીટ અને બાઇકની ચાવી ઝૂંટવી કારમાં ફરાર થઈ ગયા હતા.

આ ઘટના બાદ ત્યાંથી પસાર થતા બાઈક ચાલકની મદદથી તેઓ રાજાવદર વાઘાભાઈના ઘરે પહોંચ્યા હતા અને તેમને વાત કરી હતી.વાઘાભાઈ તેમને ફરિયાદ નોંધાવવા પ્રથમ ખૂટવડા અને ત્યાર બાદ બગદાણા લઈ ગયા હતા.

ત્યારે રસ્તામાં જી.ઇ.બી.ના કર્મચારીએ તેમને મળેલ મોબાઈલ ફોન અને પાકીટ પરત આપ્યા હતા. બગદાણા પોલીસ સ્ટેશન ખાતે વાઘા ભરવાડે લૂંટનું કાવતરૂ તેમણે રચ્યું હોવાનું જણાવતા ભરતભાઈ જાનીએ વાઘાભાઈ પાંચાભાઈ લાફકા (રહે.રાજાવદર,તા.મહુવા) લાલા હકાભાઈ મેર (રહે.કાળાતળાવ,તા.ભાવનગર) અને પકો સિંધી (રહે.ભાવનગર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા બગદાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જુગારમાં ભરતભાઈ વારંવાર રકમ જીતી જતા લૂંટનો પ્લાન ઘડ્યો
લૂંટનો ભોગ બનેલા ભરતભાઈ જાની વાઘાભાઈ સાથે બગદાણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે વાઘા ભરવાડે કબૂલાત કરી હતી કે,નંબર વગરની કાળા કલરની સ્કોર્પિયો કાર કે જેની પાછળ જય ઠાકર લખેલું છે તે કારમાં લાલા અને પકો સિંધીને તેમણે જ લૂંટના કામ માટે બોલાવ્યા હતા.ભરતભાઈ અવારનવાર જુગારમાં જીતી જતા હોવાથી વાઘા જ તેમને ફોન કરીને રૂ.પાંચ લાખ લઈને જુગાર રમવા બોલાવ્યા હતા અને લૂંટનો પ્લાન ઘડ્યો હતો.