સારવાર માટે પીએફ ખાતામાંથી હવે એક લાખ રૂપિયા ઉપાડી શકશે

સારવાર માટે પીએફ ખાતામાંથી હવે એક લાખ રૂપિયા ઉપાડી શકશે
સારવાર માટે પીએફ ખાતામાંથી હવે એક લાખ રૂપિયા ઉપાડી શકશે

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં પોતાના ખાતા ધારકોને મોટી રાહત આપી છે. હવે પીએફ ખાતાધારક પોતાના કે પોતાના પર આશ્રીત કોઈ સભ્યની સારવાર માટે પોતાના ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપાડી શકશે.

પહેલા આ અધિકતમ મર્યાદા 50 હજાર રૂપિયા હતી. કેન્દ્રીય ભવિષ્ય નિધિ પંચ પાસેથી મંજુરી મળ્યા બાદ 16 એપ્રિલથી નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. 10 એપ્રિલે ઈપીએફઓએ આવેદન માટે સોફટવેરમાં પણ ફેરફાર કર્યો છે.

પૈસા ઉપાડવા માટે ખાતાધારકોએ જોગવાઈ 68 જેકે અંતર્ગત દાવો કરવાનો છે જે અંતર્ગત ખાતાધારક સ્વાસ્થ્ય સંબંધીત પરીસ્થિતિઓમાં અગાઉથી દાવો કરીને પૈસા ઉપાડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત ફોર્મ 31 અંતર્ગત અગાઉથી અનેક પરીસ્થિતિમાં આંશિક રીતે પૈસા ઉપાડવાની જોગવાઈ છે. જે અંતર્ગત લગ્ન, લોનની ચૂકવણી, ફલેટ કે મકાનનું નિર્માણ વગેરે સ્થિતિમાં રકમ ઉપાડી શકાય છે.

કઈ પરીસ્થિતિમાં દાવો કરી શકાય: આનો ઉપયોગ ખાતાધારક માત્ર જીવલેણ બીમારીના સમયે જ કરી શકે છે. કર્મચારી કે પછી તેના દર્દીએ સરકારી હોસ્પિટલ કે પછી સરકાર સાથે જોડાયેલ હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે. દર્દી જો ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હોય તો આ બારામાં તપાસ બાદ જ દાવો થઈ શકે છે.