‘સાયલન્સ-2’: ઓટીટી પ્લેટફોર્મ પર શાનદાર મર્ડર મિસ્ટ્રી

‘સાયલન્સ-2’: ઓટીટી પ્લેટફોર્મ પર શાનદાર મર્ડર મિસ્ટ્રી
‘સાયલન્સ-2’: ઓટીટી પ્લેટફોર્મ પર શાનદાર મર્ડર મિસ્ટ્રી

ઓટીટી પ્લેટફોર્મ પર થ્રીલર ફિલ્મો જોનારો એક ખાસ વર્ગ છે. ઓટીટી પર રિલીઝ થયેલ મનોજ બાજપેયી સ્ટારર ક્રાઇમ થ્રીલર ફિલ્મ ‘સાયલન્સ’ને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. જેને લઇને નિર્માતાએ તેની સિક્વલ ‘સાયલન્સ-2’ બનાવી છે.

ફિલ્મ ‘સાયલન્સ-2’ની વાર્તા ત્યાંથી શરૂ થાય છે જ્યાં પહેલો ભાગ પૂરો થાય છે. ફર્ક માત્ર એટલો છે કે આ વખતે સ્પેશ્યિલ ક્રાઇમ યુનિટ ટીમને એક નવો કેસ મળે છે. એસીપી અવિનાશ વર્મા (મનોજ બાજપેયી)ને એક નાઇટ કલબમાં અડધી રાત્રે થયેલા એક શૂટ આઉટની તપાસ કરવાનો ટાસ્ક મળે છે.

ટાસ્ક એક હાઇપ્રોફાઇલ મિનિસ્ટરના સ્ટાફની હત્યાનો હોય છે પણ જ્યારે તે કેસના મુળ સુધી જાય છે તો કંઇક જુદી જ વસ્તુઓ બહાર આવે છે. તપાસ દરમિયાન મામલો સગીર બાળકીઓ પાસે જબરદસ્તીથી વેશ્યાવૃત્તિ કરનાર ગેંગ સુધી પહોંચે છે.

આગળ શું થાય છે તે જાણવા ફિલ્મ જોવી પડશે. ફિલ્મના ડાયરેક્ટર અને સ્ક્રીપ્ટ રાઇટર અબાન ભરુચા દેવહંસે અગાઉની ફિલ્મ ‘સાયલન્સ’થી થ્રીલર ફિલ્મના ચાહકોને ચોંકાવી દીધા હતા. આ વખતે તેમણે વધુ મોટા કેનવાસવાળી કથા પર ફિલ્મ બનાવી છે. ફિલ્મની કથા શરૂઆતથી જ રસપ્રદ લાગે છે પછી ક્લાયમેક્સ સુધી આપને જકડી રાખે છે. જો કે સવા બે કલાકની આ ફિલ્મ ક્યાંક લેખન અને પટકથામાં ફંટાય જાય છે. જો કે ઝડપથી પાટા પર આવી જાય છે. ફિલ્મના કેટલાક પાત્રો ખટકે છે તેમ છતાં આ ફિલ્મ મનોરંજન કરે છે.

મનોજ બાજપેયીએ ફિલ્મમાં શાનદાર એક્ટિંગ કરી છે. આ ફિલ્મ એક મહત્વનો સામાજિક સંદેશ પણ આપે છે. સિનેમેટોગ્રાફી અને બેક ગ્રાઉન્ડ સ્કોર ઠીક છે. આ ફિલ્મ એકવાર  તો જોવા જેવી છે.