શાળાઓમાં તા.6થી ઉનાળાના વેકેશનનો પરિપત્ર અંતે સ્થગિત કરાયો

શાળાઓમાં તા.6થી ઉનાળાના વેકેશનનો પરિપત્ર અંતે સ્થગિત કરાયો
શાળાઓમાં તા.6થી ઉનાળાના વેકેશનનો પરિપત્ર અંતે સ્થગિત કરાયો

 રાજયની પ્રાથમિક સ્કૂલોમાં જાહેર કરવામાં આવેલા ઉનાળા વેકેનનો પરિપત્ર સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયની પ્રાથમિક સ્કૂલોમાં 6 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવાનો પરિપત્ર કરવામાં આવ્યા બાદ ચૂંટણીના પગલે શિક્ષકો કામગીરીમાં જોડાયેલા હોવાના લીધે પરિપત્ર સ્થગિત કરવામાં આવ્યો છે.

 જેથી હવે આગામી દિવસોમાં ઉનાળુ વેકેશનને લઈને નવી તારીખ જાહેર કરવામાં આવશે. જોકે, આ પરિપત્રના પગલે માત્ર શિક્ષકોને જ અસર થશે, વિદ્યાર્થીઓ તો પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્કૂલે જતાં ન હોવાના લીધે તેમનું વેકેશનનો પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ થઈ જતુ હોય છે, પરંતુ શિક્ષકોને આ પરિપત્રની અસર થશે.

 પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા ઉનાળુ વેકેશન જાહેર કર્યાના બીજા જ દિવસે પરિપત્ર સ્થગિત કરી દેવામાં આવ્યો છે.  પ્રાપ્ત માહિતી અનુસાર, રાજયની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેનું શૈક્ષણિક કેલેન્ડર શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતું હોય છે.

આ કેલેન્ડર અનુસાર ઉનાળું વેકેશન એક સમાન રહે તે માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પણ શિક્ષણ બોર્ડે નકકી કરેલી તારીખોમાં જ ઉનાળું વેકેન આપવામાં આવતું હોય છે. જેથી શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડરમાં આ વર્ષે ઉનાળુ વેકેન 6 મેથી 9 જુન સુધીનું જાહેર કરવામાં આવ્યું હતું અને 10 જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે તેવી સત્તાવાર જાહેરાત કરાઈ હતી.

 જોકે, પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ઉનાળુ વેકેશનની જાહેરાત કરતો પરિપત્ર કરવામાં આવ્યા બાદ ધ્યાને આવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીને લઈને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકોને કામગીરી સોંપવામાં આવેલી છે.

જેમાં 7મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું હોવાથી શિક્ષકોને 9મે સુધીની કામગીરીના ઓર્ડર ઈશ્યુ કરવામાં આવેલા છે, આમ, એક બાજુ ચૂંટણીની કામગીરીના ઓર્ડર ઈશ્યૂ કરેલા છે અને જો તે દરમિયાન વેકેન જાહેર કરી દેવામાં આવે તો મુશ્કેલી સર્જાય તેવી શકયતા હોવાનું જણાતા ઉનાળુ વેકેશન જાહેર કરવા માટે કરાયેલો પરિપત્ર હાલ પુરતો સ્થગિત કરવાનું નકકી કરાયું છે. રાજય ચૂંટણીપંચના આદેશના પગલે આ ફેરફાર કરાયો છે.