વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ બંનેમા ઉમેરાઈ રહ્યું છે એઆઈ ચેટિંગ

વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ બંનેમા ઉમેરાઈ રહ્યું છે એઆઈ ચેટિંગ
વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ બંનેમા ઉમેરાઈ રહ્યું છે એઆઈ ચેટિંગ

એક તરફ વોટ્સએપના ભારતમાંના કરોડો યૂઝર્સ, ખાસ કરીને વડીલો, આ જબરી ભીડવાળી એપ પર ફેક ન્યૂઝને કેમ પારખવા અને જોખમી લિંક્સ તરફ દોરી જતા મેસેજથી કેમ સાવધ રહેવું તેની મથામણમાં છે, ત્યાં બીજી તરફ મેટા કંપની વોટ્સએપમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત ચેટિંગ ઉમેરવાની તૈયારીમાં છે.

વાસ્તવમાં ભારત સહિત અમુક દેશોમાં, વોટ્સએપના બીટા વર્ઝનમાં અમુક યૂઝર્સને તેમની એપમાં મેટા એઆઇ મોડેલ આધારિત ચેટબોટ એક્ટિવેટ કરવાનું બટન દેખાવા લાગ્યું છે. મેટા કંપની વોટ્સએપ ઉપરાંત ઇન્સ્ટાગ્રામમાં પણ આવી સુવિધા ઉમેરી રહી છે.

હાલ પૂરતી, સારી વાત એ છે કે આ ચેટબોટને સીધો ચેટમાં ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યો નથી. મતલબ કે આપણું પોતાના ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે વન-ટુ-વન કે ગ્રૂપમાંના મેસેજિંગમાં આ ચેટબોટને સાંકળવામાં આવ્યો નથી, તેથી એ પ્રકારના વોટ્સએપના આપણા ઉપયોગમાં કોઈ ફેરફાર થવાનો નથી. હાલમાં આ સુવિધાનું બહુ મર્યાદિત પ્રમાણમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. એ મુજબ, આઇઓએસ અને એન્ડ્રોઇડ બંને પ્રકારની વોટ્સએપ એપમાં અમુક યૂઝર્સને સર્ચ બારમાં જ એઆઇ ચેટિંગની સુવિધા મળી રહી છે. ઇન્સ્ટાગ્રામમાં પણ સર્ચ બારમાં મેટા એઆઇ ચેટિંગની સુવિધા ઉમેરાઈ રહી છે. બંનેમાં મેટા એઆઇની બ્લુ રિંગ જોવા મળશે. જોકે વોટ્સએપમાં અમુક યૂઝર્સને એપના હોમ સ્ક્રીન પર, ઉપર જમણી તરફ મેટા એઆઇની બ્લુ રિંગ જોવા મળી રહી છે.  બંને એપમાં, હાલ પૂરતું એઆઇ ચેટિંગ, આ પ્રકારના અન્ય ચેટબોટ જેવું જ છે. આપણે તેને કંઈ પણ પૂછી શકીશું અને ચેટબોટ, તેને ઉપલબ્ધ ડેટામાંથી આપણને જવાબ આપશે. ઇન્સ્ટાગ્રામના કિસ્સામાં આપણે તેને કોઈ ચોક્કસ પ્રકારના રીલ કે પોસ્ટ બતાવવા સૂચવી શકીએ એવું પણ બનશે.