વહેલી સવારે ક્રિકેટ રમતા યુવાન બિઝનેસમેનનું કાર્ડિયાક એરેસ્ટથી મોત

વહેલી સવારે ક્રિકેટ રમતા યુવાન બિઝનેસમેનનું કાર્ડિયાક એરેસ્ટથી મોત
વહેલી સવારે ક્રિકેટ રમતા યુવાન બિઝનેસમેનનું કાર્ડિયાક એરેસ્ટથી મોત

કોવિડ પછી નાની વયના અને શારિરીક રીતે ફિટ લોકો પણ અચાનક હાર્ટ એટેક અથવા કાર્ડિયાક એરેસ્ટનો ભોગ બન્યા હોય તેવી ઘણી ઘટનાઓ જોવા મળી રહી છે. રવિવારે અમદાવાદમાં રાજપથ ક્લબમાં પણ આવી એક ઘટના બની હતી જેમાં 41 વર્ષના એક બિઝનેસમેનનું ક્રિકેટ રમતી વખતે કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ થયું છે.

પાલડી વિસ્તારમાં રહેતા બિઝનેસમેન અભિષેક શાહ નિયમિત ક્રિકેટ રમતા હતા અને ફિટનેસનો ખ્યાલ રાખતા હતા. છતાં ક્લબમાં ક્રિકેટ રમતી વખતે તેઓ કાર્ડિયાક એરેસ્ટનો ભોગ બન્યા છે. કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક બંને અલગ વસ્તુ છે. જોકે, બંનેના કારણો અલગ અલગ હોઈ શકે છે.

રવિવારે સવારે લગભગ 6.30 વાગ્યાની આસપાસ અભિષેક શાહ પોતાની ટીમ સાથે ક્રિકેટ રમતા હતા ત્યારે આ કમનસીબ ઘટના બની હતી. બીજા ખેલાડીઓ તરત તેમને મદદ કરવા દોડી આવ્યા હતા. ક્લબના મેડિકલ ઓફિસરને તરત બોલાવવામાં આવ્યા હતા અને અભિષેક શાહના પત્ની, જેઓ ક્લબમાં મોર્નિંગ વોક માટે આવ્યા હતા, તેમને પણ આ ઈમરજન્સી વિશે જાણ કરાઈ હતી.

સાથો સાથ મેડિકલ ઓફિસરને બોલાવ્યા, બીજા કેટલાક લોકોએ સીપીઆર આપીને શાહને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ શાહ ભાનમાં જ ન આવ્યા. ઈએમઆરઆઈ 108 એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી અને તેમને રાજપથ ક્લબની પાછળ આવેલી એક પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

અભિષેક શાહ રાજપથ ક્બના મેમ્બર હતા અને નિયમિત રીતે અહીં ક્રિકેટ રમતા હતા. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ક્રિકેટ અને બીજી ફિટનેસ એક્ટિવિટીમાં ભાગ લેતા હતા. છેલ્લા લગભગ બે વર્ષથી યુવાનોમાં કાર્ડિયાક એરેસ્ટની ઘટનાઓ વધી છે અને મોટા ભાગના કિસ્સામાં તત્કાળ મૃત્યુ થાય છે જે ચિંતાની વાત છે.