વડોદરામાં ઐતિહાસિક લાલ કોર્ટ બિલ્ડીંગમાં 29.52 કરોડના ખર્ચે સીટી મ્યુઝિયમ બનાવાશે

વડોદરામાં ઐતિહાસિક લાલ કોર્ટ બિલ્ડીંગમાં 29.52 કરોડના ખર્ચે સીટી મ્યુઝિયમ બનાવાશે
વડોદરામાં ઐતિહાસિક લાલ કોર્ટ બિલ્ડીંગમાં 29.52 કરોડના ખર્ચે સીટી મ્યુઝિયમ બનાવાશે

 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક લાલ કોર્ટ બિલ્ડીંગ પરિસરને મ્યુઝિયમ તરીકે વિકસાવવા અગાઉ નિર્ણય લીધો હતો. આ કામગીરી માટે કોર્પોરેશન દ્વારા એન પ્રોક્યુર પર ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. અગાઉ તારીખ 16 સુધીમાં ટેન્ડરો મોકલી દેવાના હતા પરંતુ હવે તારીખ 24 સુધીમાં મોકલી દેવા જણાવ્યું છે, અને હાર્ડ કોપીમાં ડોક્યુમેન્ટ સબમીટ કરવાની છેલ્લી તારીખ 20 ને બદલે 30 એપ્રિલ કરવામાં આવી છે. વડોદરા શહેરની મધ્યમાં આવેલી આ ઐતિહાસિક લાલ કોર્ટની બિલ્ડીંગ હવે ખાલી થતા અહીં 29.52 કરોડના ખર્ચે સીટી મ્યુઝિયમ બનાવવામાં અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું. લાલ કોર્ટ બિલ્ડીંગ અત્યાર સુધી સરકાર હસ્તક હતું અને હવે તે કોર્પોરેશનને પ્રાપ્ત થયું છે.

આ મ્યુઝિયમમાં શિલ્પો અને ચિત્રો સહિત ગાયકવાડ યુગની માહિતી રજૂ થશે. સાથે સાથે કલાકારો લાઈવ પરફોર્મન્સ પણ આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. સીટી મ્યુઝિયમમાં ન્યુ થીમેટીક કાફેટેરીયા, સુરક્ષા માટે સીસીટીવી, ફાયર સિસ્ટમ, થીમ આધારિત મ્યુઝિયમ અને પ્રદર્શન પ્રદર્શિત કરવામાં આવશે. ગાયકવાડનો યુગ, મહર્ષિ અરવિંદ, રાજા રવિ વર્મા, સયાજીરાવ ગાયકવાડ અને ડો.આંબેડકરના ચિત્રો ભીંત ચિત્રો, સિંનેમોટોગ્રાફી સેટ, થ્રીડી પ્રોજેક્શન, મેપિંગ વગેરેનું આયોજન કરવામાં આવશે. કોર્પોરેશન લાલ કોર્ટની સામે આવેલા ન્યાયમંદિર ઐતિહાસિક ઇમારતમાં પણ 51 કરોડના ખર્ચે રીસ્ટોરેશનની કામગીરી કરશે. જેમાં પ્રથમ તબક્કામાં સેન્ટ્રલ હોલનું રિસ્ટોરેશન કરાશે.