રાજકોટના યુવકને ફસાવી 25 લાખનું લખાણ કરાવી લીધું

રાજકોટના યુવકને ફસાવી 25 લાખનું લખાણ કરાવી લીધું
રાજકોટના યુવકને ફસાવી 25 લાખનું લખાણ કરાવી લીધું

રાજકોટના યુવાનને જૂનાગઢની યુવતીએ ફોન કરી જૂનાગઢ મળવા બોલાવી રૂમમાં લઈ ગઈ હતી. ત્યારે યુવતીના ભાઈ તેમજ તેના મિત્રએ આવી નગ્ન ફોટા પાડી બેટ વડે મારવાનો પ્રયાસ કર્યો હતો અને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવા ધમકી આપી વિટી કાઢી લીધી હતી પછી સમાધાન કરવા 7 લાખ માંગ્યા હતા. ત્યારબાદ યુવતીની માતા હોવાનો દાવો કરનાર એક મહિલા આવી હતી, તેણે 25 લાખ આપવા પડશે તેમ કહી આ અંગેનું લખાણ કરાવી આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાયન્સસ બળજબરીથી કઢાવી લીધુ હતું. બાદમાં યુવકને મુક્ત કર્યો હતો. આ અંગે ફરિયાદ થતા બી ડિવિઝન પોલીસે યુવતી, એક મહિલા સહિત પાંચ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા અને કન્ટ્રક્શનનું કામ કરતા ધર્મેશ પ્રવિણભાઈ પંડયા(ઉ.વ. 38) તા.8ના ગુંદાવાડી વિસ્તારમાં સાઈટ પર જતો હતો ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જે રિસવ કર્યો ન હતો. થોડીવાર પછી ધર્મેશે આ નંબર પર ફોન કર્યો હતો જેમાં સામેથી મહિલા બોલતી હતી. તેણે ભૂલથી ફોન લાગ્યાનું કહ્યું હતું. તમે કોણ બોલો છો, ક્યાંથી બોલો છો તેમ કહી નામ અને શું કરો છો તેમ પુછ્યું હતું. ધર્મેશે પોતાનું નામ અને ધંધા વિશે કહ્યું હતું. યુવતીએ પોતાનું નામ રૂહી પટેલ હોવાનું અને જૂનાગઢના એક બાઈકના શોરૂમમાં નોકરી કરતી હોવાનું જણાવ્યું હતું. તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો મારી સાથે ફ્રેન્ડશીપ કરો તેમ વાત કરી હતી. સાંજે રૂહીએ વ્હોટસએપ પર મેસેજ કર્યા હતા. 

તા. 10ના ધર્મેશે રૂહીને ફોન કરતા તેને જૂનાગઢ મળવા આવવાની વાત કરી હતી. શુક્રવારે તેના પરિવારજનો પ્રસંગમાં જવાના છે એવી વાત કરી જૂનાગઢ મળવા આવશો એમ કહ્યું હતું. આથી ધર્મેશે ના પાડી હતી. બાદમાં રૂહીએ મેસેજ કરતા ધર્મેશે જૂનાગઢ મળવા આવવાની હા પાડી હતી. તા. 11ના રૂહીએ ફોન કરી મળવા બોલાવ્યો હતો. ધર્મેશ એસટી બસમાં રાજકોટથી જૂનાગઢ આવ્યો હતો અને મજેવડી દરવાજા નજીક ઉતરતા રૂહી તેને સ્કુટર પર લેવા આવી હતી અને જોષીપરામાં સુભાષનગરમાં લઈ ગઈ હતી. જ્યાં રૂમમાં લઈ જઈ રૂહીએ ધર્મેશનો શર્ટ કાઢી તેના કપડા કાઢ્યા હતા. ત્યારે બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. જેમાંથી એક શખ્સે કહેલું કે રૂહી મારા મિત્ર સાગરની બહેન છે, મારૂ નામ રવિ છે. જ્યારે અન્ય એક શખ્સે પોતાનું નામ જયસુખ રબારી હોવાનું કહ્યું હતું. 

આ દરમ્યાન રૂહીનો ભાઈ સાગર હોવાનો દાવો કરનાર શખ્સ બેટ લઈનેઆવ્યો હતો. સાગરે તે મારી બહેન સાથે શું અજુગતું કર્યું છે તેનું શુટીંગ ઉતારી લીધુ છે, તારા પર દુષ્કર્મનો કેસ થશેે, સમાધાન કરવું હોય તો બોલ આથી ધર્મેશે 10,000 રૂપીયા આપવાની વાત કરી હતી. ત્યારે રવિએ કહ્યું કે ૭ લાખ આપ તો પુરૂ કરાવી દઈશ. થોડીવાર બાદ એક મોટી ઉંમરની મહિલા આવી હતી તેને તેનું નામ મંજુબેન હિરપરા હોવાનું કહી 7 લાખમાં સમાધાન ન થાય, 25  લાખ આપવા પડશે તેમ કહી ત્રણેય વિટી કઢાવી લીધી હતી અને 25 લાખ રૂપીયા આપવા અંગેનું લખાણ કરાવી લીધુ હતું. તેમાં 7 લાખ સોમવારે અને બીજા ત્રણ માસમાં આપવાના રહેશે. બીજા લખાણમાં રૂહી સાથે સબંધ હતો, બંનેના સમાધાન પેટે રપ લાખ કોઈ ધાકધમકી વિના આપું છું આ લખાણનું જયસુખ રબારીએ રેકોર્ડીંગ કર્યું હતું. બાદમાં યુવકને મુક્ત કર્યો હતો.

યુવાને રાજકોટ જઈ તેના મિત્ર તથા પિતાને સમગ્ર ઘટના અંગે જાણ કરતા તેઓએ પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. આજે ધર્મેશ પ્રવિણભાઈ પંડયાએ રૂહી પટેલ, રવિ, સાગર, જયસુખ રબારી અને મંજુલાબેન હિરપરા સામે ફરિયાદ કરતા બી ડીવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.