રમતગમતનો યાદગાર સામાન હરરાજીમાં વેચાયો

રમતગમતનો યાદગાર સામાન હરરાજીમાં વેચાયો
રમતગમતનો યાદગાર સામાન હરરાજીમાં વેચાયો

તાજેતરમાં, બોક્સિંગ લિજેન્ડ મોહમ્મદ અલી દ્વારા તેની 1975ની ’થ્રીલા ઇન મનિલા’ મુકાબલા દરમિયાન પહેરવામાં આવેલી બોક્સિંગ ટ્રંક્સ ન્યૂયોર્કમાં હરાજી માટે મૂકવામાં આવી છે, જેની બોલી 
રૂા. 31 કરોડથી વધુ સુધી પહોંચી છે. 

►સ્પોર્ટ્સ મેમોરેબિલિયા માર્કેટ 2032 સુધીમાં રૂા. 2270 કરોડ સુધી પહોંચી શકે 

►માઈકલ જોર્ડનના સ્નીકર્સ

બાસ્કેટબોલ લિજેન્ડ માઈકલ જોર્ડનના 6 એર જોર્ડન સ્નીકર્સ (સુઝ) ફેબ્રુઆરી 2024માં રૂ. 66 કરોડથી વધુમાં વેચાયા હતા. ઓક્શન હાઉસ દ્વારા આને ‘ડાયનસ્ટી કલેક્શન’ નામ આપવામાં આવ્યું હતું, અને રમતમાં પહેરવામાં આવતા સ્નીકરની (બુટ) સૌથી વધુ કિંમતનો રેકોર્ડ બનાવ્યો હતો. શિકાગો બુલ્સે 1991 અને 1998 વચ્ચે છ એનબીએ ચેમ્પિયનશિપ જીતી ત્યારે જોર્ડને આ શૂઝ પહેર્યા હતા.

►ડિએગો મેરાડોનાનો ‘હેન્ડ ઓફ ગોડ’ જર્સી

1986 ફૂટબોલ વર્લ્ડ કપ ડિએગો મેરાડોનાને ફૂટબોલના મહાન ખેલાડીઓની યાદ અપાવે છે. લગભગ 36 વર્ષ પછી, વિવાદાસ્પદ ’હેન્ડ ઑફ ગોડ’ ગોલ કરતી વખતે તેમના દ્વારા પહેરવામાં આવેલી જર્સી 2022માં એક હરાજીમાં રૂ. 77 કરોડથી વધુમાં વેચાઈ હતી. કોઈપણ ફૂટબોલ મેમોરેબિલિયા માટે 
ચૂકવવામાં આવેલી આ સૌથી વધુ કિંમત છે.

►રોજર ફેડરરનું ગ્રાન્ડ સ્લેમ વિજેતા રેકેટ અને પોશાક

કહેવાય છે કે રોજર ફેડરર જેના અડયા તે સોનું બની ગયું. ટેનિસના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરે ચેરિટી હરાજી માટે તેમની વ્યક્તિગત રીતે ઉપયોગમાં લેવાતી લગભગ 300 ટેનિસ વસ્તુઓ આપી દીધી છે. તેમની હરાજીમાંથી રૂ. 35 કરોડથી વધુની રકમ એકત્ર કરવામાં આવી હતી. વેચાયેલી સૌથી મોંઘી વસ્તુઓમાં 2009 ફ્રેન્ચ ઓપન અને 2007 વિમ્બલ્ડન ચેમ્પિયનશિપના તેના ચેમ્પિયન પોશાક અને રેકેટનો સમાવેશ થાય છે. જેને રૂ. 1.95 કરોડથી વધુમાં ખરીદવામાં આવ્યા હતા.

►શેન વોર્નની કારકિર્દીની ટોપી

ક્રિકેટની દુનિયામાંથી, હરાજીમાં વેચાતી સૌથી મોંઘી વસ્તુઓમાંની એક હતી કેપ! આ કોઈ સામાન્ય ટોપી નહોતી. વાસ્તવમાં, ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ સ્ટાર શેન વોર્ને તેની 15 વર્ષની કારકિર્દી દરમિયાન 145 ટેસ્ટ મેચોમાં આ કેપ પહેરી હતી. આ બેગી ગ્રીન કેપ 2020માં ઓસ્ટ્રેલિયન બુશફાયરના પીડિતો માટે ચેરિટી હરાજીમાં રૂ. 5 કરોડથી વધુમાં વેચાઈ હતી. રમતગમતની યાદગીરીઓ કેવી રીતે લાખો અને કરોડોમાં વેચાય છે તેના આ કેટલાક ઉદાહરણો છે. આ માત્ર ખેલાડીઓની સિદ્ધિઓનું પ્રમાણપત્ર નથી, પરંતુ લોકોના રમત પ્રત્યેના જુસ્સા અને તેમના મનપસંદ ખેલાડીઓ પ્રત્યેના પ્રેમને પણ પ્રતિબિંબિત કરે છે.

►લિયોનેલ મેસીની 2022 વર્લ્ડ કપની જર્સી

2022 ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સ સામે આર્જેન્ટિનાની જીત એ ઐતિહાસિક ક્ષણ હતી. તેથી, તે આશ્ર્ચર્યજનક નથી કે જ્યારે નવેમ્બર 2023માં લિયોનેલ મેસ્સી દ્વારા છ મેચોમાં પહેરવામાં આવેલી પટ્ટાવાળી આર્જેન્ટિનાની જર્સીનો સેટ હરાજી માટે મૂકવામાં આવ્યો હતો, ત્યારે તેનું વેચાણ 65 કરોડ રૂપિયાથી વધુ થયું હતું. આ સેટમાં ફાઈનલ મેચમાં પહેરવામાં આવેલ શર્ટ પણ સામેલ છે.