‘મૈદાન’માં અજય દેવગનની જોરદાર કિક!

‘મૈદાન’માં અજય દેવગનની જોરદાર કિક!
‘મૈદાન’માં અજય દેવગનની જોરદાર કિક!

સ્પોર્ટસ ડ્રામા બોલિવુડમાં લોકપ્રિય વિષય છે. ભૂતકાળમાં ‘ચક દે ઈન્ડિયા’, ‘ભાગ મિલખા ભાગ’, ‘મેરી કોમ’, ‘દંગલ’, ‘યંગા’ જેવી ફિલ્મોને ટિકીટબારી પર દર્શકોએ વધાવી છે. આ વિષય પર વધુ એક ફિલ્મ નિર્દેશક અમિત શર્માએ બનાવી છે.

અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘મેદાન’ ભારતના લિજેન્ડરી ફુટબોલ કોચ સૈયવ અબ્દુલ રહિમના ઉદય અને ભારતના ફુટબોલના સુવર્ણ યુગની કહાની રજૂ કરે છે. આ ફિલ્મ ઈદના પર્વે રજુ થઈ રહી છે.

ફિલ્મની કથા મુજબ ભારતીય ફુટબોલ ટીમના કોચ સૈયદ અબ્દુલ રહીમ (અજય દેવગન) 1950ના સમયમાં ફુટબોલ એસોસીએશનમાં પોતાના વિરોધીઓની વાતોને નજર અંદાજ કરીને ભારતના ખુણા ખુણામાંથી નવોદીત ફુટબોલ ખેલાડીઓને પસંદ કરીને એક નવી ફુટબોલ ટીમ બનાવે છે જેથી આ રમતમાં ટીમ વિશ્વ સ્તર પર ભારતનો ઝંડો લહેરાવી શકે.

આ ટીમમાં સુન્ની ગોસ્વામી, પી.કે.બેનર્જી, પીટર થંગરાજ જેવા હોનહાર ખેલાડી છે. રહીમની પત્ની સાયરા (પ્રિયામણી) છે. 1960માં રોમ ઓલિમ્પિકસમાં ટીમમાં શાનદાર પ્રદર્શન છતા તે લોકો કવોલિફાઈ નથી કરી શકતા. આથી રહીમના વિરોધીઓ અને રમતગમત પત્રકાર (ગજરાજ રાય)ની રાજનીતિનો શિકાર રહીમ બનતા તેને કોચ પદથી હટાવી દેવાય છે.

નિર્દેશક અમિત શર્માના નિર્દેશનની ખૂબી એ છે કે, ફિલ્મમાં રહીમનું મહિમામંડન નથી કરાયું કે ફિલ્મને મેલો ડ્રામેટિક નથી બનાવાઈ. પહેલા હાફમાં પાત્રો અને વાર્તાને સ્થાપિત થવામાં સમય લાગે છે. સેકન્ડ હાફમાં રસપ્રદ બને છે. ત્રણ કલાકનો ફિલ્મનો સમય વધારે લાંબો છે.

કેટલાક દ્દશ્યો ફલેટ છે પણ ડાયરેકટર સહજતાથી રહીમની ઈનોવેટીવ રમત નીતિ અને ક્રાંતિકારી એપ્રોચ દર્શાવવામાં સફળ રહ્યા હતા. તુષાર કાંતિ રે અને ફયોડોર લિયાસની સિનેમેટોગ્રાફી કાબીલે દાદ છે.

1950-60ના કોલકાતાને સુંદરતાથી ફિલ્મમાં દર્શાવાયું છે. ફિલ્મમાં રિયલ ફુટેજનો સુંદરતાથી ઉપયોગ થયો છે. એ.આર.રહેમાનનું સંગીત વાર્તાને આગળ વધારે છે. અજય દેવગનની એકટીંગ કાબિલે દાદ છે. નકારાત્મક સ્પોર્ટસ પત્રકાર તરીકે ગજરાજ રાવે યાદગાર ભૂમિકા ભજવી છે. નવોદીત કલાકારોએ પણ સુંદર ભૂમિકા ભજવી છે.