મેઘાલયની ૨૪ કિમી લાંબી આ ગુફાનું તાપમાન બારેમાસ ૧૬ ડિગ્રી રહે છે

મેઘાલયની ૨૪ કિમી લાંબી આ ગુફાનું તાપમાન બારેમાસ ૧૬ ડિગ્રી રહે છે
મેઘાલયની ૨૪ કિમી લાંબી આ ગુફાનું તાપમાન બારેમાસ ૧૬ ડિગ્રી રહે છે

શિયાળામાં કાંતિલ ઠંડી અને ઉનાળામાં કાળઝાળ ગરમીથી પરેશાન થઇ જવાય છે પરંતુ પૂર્વોત્તરના મેઘાલય રાજયમાં આવેલી એક ગુફામાં કોઇ પણ ઋતુ હોય બારેમાસ સરેરાશ તાપમાન ૧૬ ડિગ્રી જ રહે છે. યાદ રહે તાપમાનનો આ માપ એર કન્ડીશનરના લઘુતમ તાપમાન જેટલું છે. એટલે કે ગુફામાં કુદરતી રીતે એસી હોય તેવો અનુભવ થાય છે કારણ કે બહારના તાપમાનની કોઇ જ અસર થતી નથી.

ગુફાની અંદર નાની મોટી તિરાડો અને પ્રવેશદ્વારથી હવાનું આવન જાવનથતી રહેતી હોવાથી ઓકસીજનની પણ અછત જણાતી નથી. ૨૦૧૬માં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, રોમાન્યા, હોલેન્ડ સહિતના ૮ દેશના ૩૦ વિજ્ઞાાનીઓએ આ ગુફા શોધી હતી.  ગુફાની શોધ માટે જળવિજ્ઞાાનીઓ, પુરાતત્વ નિષ્ણાતો, ભૂવિજ્ઞાાનીઓ અને જીવ વિજ્ઞાાનીઓ મેઘાલયમાં મહિનાઓ સુધી રોકાયા હતા. માસિનરામની પર્વતમાળાઓ વચ્ચે આવેલી આ ગુફા  ૨૪૫૮૩ મીટર લાંબી છે જે માઉન્ટ એવરેસ્ટ કરતા ત્રણ ગણી વધારે છે.

આ ગુફામાં જવા માટે ભૂલ ભૂલૈયા જેવા અનેક માર્ગ હોવાથી બહાર નિકળવું મુશ્કેલ બની જાય છે. ૨૦૧૬માં મેઘાલય એડવેન્ચર એસોશિએશને ગુફાનું નામ ક્રેમપુરી રાખ્યું હતું. ખાસી ભાષામાં ક્રેમ નો અર્થ ગુફા થાય છે ક્રેમપુરી બલુઆ પથ્થરોથી બનેલી વિશ્વની સૌથી મોટી ગુફા ગણવામાં આવે છે.મેઘાલયની ક્રેમપુરી ગુફામાં દેડકા, ચામાચીડિયા અને વિશાળકાય હન્ટર માછલીઓ રહે છે.

ગુફામાંથી વિશાળ કાય શાર્કના દાંત અને દરિયાઇ ડાયનાસોરના અશ્મીઓ પણ મળ્યા છે. આ પ્રાણીઓ ૬ કરોડ વર્ષ પહેલા સમુદ્રમાં જોવા મળતા હતા. મેઘાલયમાં ૧૫૮૦ જેટલી ભૂમિગત ગુફા હોવાનું માનવામાં આવે છે જેમાંથી નાની મોટી ૯૦૦ જેટલી ગુફાની શોધ થઇ શકી છે.  ક્રેમપુરી અગાઉ વિશ્વમાં વેનેઝુએલાની ૧૬ કિલો મીટર લાંબી કયુવા ડેલ સમનને રેતાળ પથ્થરની સૌથી લાંબી ગુફા ગણવામાં આવતી હતી.