માત્ર ૨૫ હજારમાં એપલ ૧૩-પ્રો…ફેસબૂકમાં જાહેરાત વાંચી ફોન કર્યો ને નાણા ગુમાવ્‍યા

માત્ર ૨૫ હજારમાં એપલ ૧૩-પ્રો...ફેસબૂકમાં જાહેરાત વાંચી ફોન કર્યો ને નાણા ગુમાવ્‍યા
માત્ર ૨૫ હજારમાં એપલ ૧૩-પ્રો...ફેસબૂકમાં જાહેરાત વાંચી ફોન કર્યો ને નાણા ગુમાવ્‍યા

સસ્‍તામાં એપલ ફોનની લાલચ આપી એક કંપનીના પ્‍લાન્‍ટ મેનેજર સાથે ઠગાઇ થઇ છે. આ બનાવમાં તાલુકા પોલીસે ગુરૂપ્રસાદ ચોક જુની પપૈયાવાડી શેરી નં. ૪ પિતૃ વંદના ખાતે રહેતાં અને કુવાડવા જીઆઇડીસીમાં કંપનીમાં પ્‍લાન્‍ટ મેનેજર તરીકે નોકરી કરતાં કોૈશિકભાઇ પ્રતાપભાઇ રાઠોડ (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી અલગ અલગ મોબાઇલ ફોન નંબરના ધારકો વિરૂધ્‍ધ આઇપીસી ૪૦૬, ૪૨૦, આઇટી એક્‍ટ મુજબ ગુનો નોંધ્‍યો છે.

કોૈશિકભાઇએ જણાવ્‍યું છે કે મારા ફેસબૂક આઇડી પર થોડા સમય પહેલા એક જાહેરાત મેં વાંચી હતી. જેમાં એપલ કંપનીનો ૧૩-પ્રો ૨૫૬ જીબીનો મોબાઇલ ફોન માત્ર રૂપિયા ૨૫૦૦૦માં મળશે તેવી નોંધ હોઇ મેં સામેના ફેસબૂક આઇડીમાંથી મેસેજ કરતાં મને ફોન આવ્‍યો હતો. ફોન કરનારે પોતાનું નામ કરણસિંહ જણાવ્‍યું હતું અને કહ્યું હતું કે ફોન લેવો હોય તો કેકેવ ચોકમાં ફોનબૂક નામની મોબાઇલની દૂકાને આવો. જેથી હું તા. ૧૧/૯/૨૩ના રોજ ત્‍યાં ગયો હતો અને મેં ઓનલાઇન મોબાઇલ સિલેક્‍ટ કર્યો છે તેવું કહેતાં દુકાનવાળાએ કહેલું કે ઓનલાઇન સિલેક્‍ટ કર્યો હોય તો તેનો ભાવ જે તે વ્‍યક્‍તિ પાસે જાણવો પડે.

દૂકાનવાળાએ મોબાઇલ ડીલરોના ગ્રુપમાંથી નંબર શોધી આપતાં અને ફોનથી વાત કરતાં તેણે જણાવેલ કે ૧૩ પ્રો એપલ મોબાઇલ પડયો છે જે મને આપવાની વાત કરતાં દૂકાનવાળાએ પેમેન્‍ટ કરી રીતે કરશો તેમ કહેતાં મેં કરણસિંહને ઓનલાઇન રૂપિયા મોકલીશ તેમ કહ્યું હતું. આથી મેં તુરત ગૂગલપેથી ૨૫ હજાર કરણસિંહને મોકલ્‍યા હતાં. એ પછી કરણસિંહે દૂકાનવાળા સાથે વાત થઇ ગઇ છે તમે મોબાઇલ લઇ જઇ શકો છો તેમ કહ્યું હતું.

પરંતુ દૂકાનવાળાએ હજુ સુધી મને પૈસા મળ્‍યા નથી તેમ કહી રાહ જોવડાવી હતી. અડધો કલાક બાદ ફરી કરણસિંહને ફોન કરતાં તેણે હમણા જ રૂપિયા ટ્રાન્‍સફર કરુ છું તેમ કહેી બાદમાં દુકાનવાળાને પૈસા આપ્‍યા નહોતો અને પોતાનો ફોન બંધ કરી દીધો હતો. જે ફેસબૂક આઇડીમાં મેં જાહેરાત જોઇ હતી એ આઇડી પણ બંધ થઇ ગયું હતું. બાદમાં તપાસ કરતાં ખબર પડી હતી કે ફેસબૂક આઇડી ખોટી હતી. મને છેતરીને સસ્‍તામાં આઇફોન આપવાના બહાને પચ્‍ચીસ હજારની ઠગાઇ થઇ હોઇ ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ પી. એચ. નાઇ અને કિરીટભાઇ રામાવત સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.