ભરઉનાળે પણ શરદી-ઉધરસના 741 નવા કેસ

ભરઉનાળે પણ શરદી-ઉધરસના 741 નવા કેસ
ભરઉનાળે પણ શરદી-ઉધરસના 741 નવા કેસ

રાજકોટ શહેરમાં ઉનાળાના કાળઝાળ તાપ વચ્ચે પણ મચ્છરોનો ઉપદ્રવ દુર કરવા આરોગ્ય વિભાગ દોડાદોડી કરી રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં મેલેરીયાનો નવો એક નોંધાયો હતો. 

મેેલેરીયા વિભાગે જાહેર કરેલા રિપોર્ટ મુજબ તા.29-4 થી 5-5 દરમ્યાન મેલેરીયાના એક દર્દીની નોંધ થઇ હતી. તો ડેંગ્યુ અને ચીકનગુનીયાના કોઇ કેસ ચોપડે ચડયા ન હતા. આ ઉપરાંત સપ્તાહમાં સિઝનલ રોગચાળાના 1315 કેસ નોંધાયા છે. તેમાં શરદી-ઉધરસના 741, સામાન્ય તાવના 345 અને ઝાડા-ઉલ્ટીના 229 કેસ છે. લોકોને ગરમીમાં બહારના ખાનપાનમાં તકેદારી રાખવા અનુરોધ કરાયો છે. તો ગરમીમાં પણ શરદી-ઉધરસના કેસ ચાલુ રહ્યા છે તે ઉલ્લેખનીય છે. 

મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા. 29 થી 5 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર સહિત ની 319 ટીમો દ્વારા 1,13,737 ઘરોમાં પોરાનાશક અને  ફિલ્ડવર્કરો દ્વારા 435 ઘરોમાં ફોગીંગ કામગીરી કરાઇ હતી.

મચ્છરોના ત્રાસ અંગે સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવ સમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

તો બેદરકારી બદલ  બાયલોઝ અંતર્ગત આસામી વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 625 પ્રીમાઇસીસમાં તપાસ કરી  મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 356 અને કોર્મશીયલ 145 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.