બોર્ડના પેપરો તપાસવામાં શિક્ષકોએ કરી મોટી ભુલ

બોર્ડના પેપરો તપાસવામાં શિક્ષકોએ કરી મોટી ભુલ
બોર્ડના પેપરો તપાસવામાં શિક્ષકોએ કરી મોટી ભુલ

ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના પેપર ચેક કરવામાં શિક્ષકોએ ભૂલ કરી હોય તેવી ઘટનાઓ વધતી જાય છે. આવી ભૂલ બદલ શિક્ષકોને દંડ કરવામાં આવતો હોય છે અને છેલ્લા ૪ વર્ષમાં શિક્ષકોને લગભગ ૨.૩૦ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્‍યો છે. ગુજરાત હાયર સેકન્‍ડરી બોર્ડ દ્વારા કુલ ૧૮,૭૭૮ શિક્ષકો પાસેથી આ દંડની રકમ વસુલ કરવામાં આવી છે.

ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ જ્‍યારે બોર્ડની પરીક્ષામાં ઓછા માર્ક મેળવે ત્‍યારે દોષનો ટોપલો તેમના પર જ નાખવામાં આવે છે. પરંતુ કેટલાક કિસ્‍સામાં શિક્ષકોની ભૂલ પણ જવાબદાર હોય છે, જેમણે પેપર ચેક કરતી વખતે બેદરકારી રાખી હોય છે. પેપરની આકારણી દરમિયાન શિક્ષકોની ભૂલો બહાર આવે ત્‍યારે દંડ કરવામાં આવતો હોય છે.

વર્ષ ૨૦૧૮થી ૨૦૨૩ સુધીનો ગાળો જોવામાં આવે તો તેમાં ૨૦૨૦ અને ૨૦૨૧માં કોવિડના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળી ગયા હતા. આમ છતાં ચાર વર્ષમાં ૧૮,૭૦૦થી વધારે શિક્ષકોને પેપર ચેકિંગમાં ભૂલ કરવા બદલ ૨,૩૪,૪૭,૨૧૨ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્‍યો છે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા જણાવે છે.

કોઈ પણ શિક્ષક પેપર ચેક કરવામાં એક ભૂલ કરે ત્‍યારે તેને ૧૦૦ રૂપિયા દંડ થાય છે. તેમણે આ દંડ રોકડમાં ચૂકવવો પડે છે અથવા ગુજરાત સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી એજ્‍યુકેશન બોર્ડના નામે ચેક અથવા ડિમાન્‍ડ ડ્રાફ્‌ટ દ્વારા દંડ ભરવો પડે છે. ગુજરાતમાં SSC અને HSCની પરીક્ષા સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી એજ્‍યુકેશન બોર્ડ દ્વારા લેવાય છે.

પેપર ચેકિંગ દરમિયાન શિક્ષકો જે ભૂલો કરે તેમાં પણ એક ટ્રેન્‍ડ જોવા મળે છે. લગભગ ૩૦ ટકા જેટલી ભૂલો દરેક પ્રશ્‍નના ગુણનો સરવાળો કરતી વખતે થતી હોય છે. નવાઈની વાત એ છે કે મેથ્‍સ અને સાયન્‍સના શિક્ષકોમાં આવી ભૂલોનું પ્રમાણ વધારે છે. એટલે કે તેઓ દરેક પ્રશ્‍ન કે સેક્‍સનના ગુણોનો સરવાળો કરતી વખતે ભૂલ કરે છે અને તેના કારણે વિદ્યાર્થીઓ ભોગવવાનું આવે છે. ગુજરાતમાં પેપર ચકાસણીમાં ભૂલો કરતા કુલ શિક્ષકોમાંથી ૧૫ ટકા શિક્ષકો ગણિત અને સાયન્‍સ વિષયના હોય છે.

વિદ્યાર્થીઓને જ્‍યારે પોતાના ગુણ ઓછા લાગે અને પેપરના રિચેકિંગ માટે અરજી કરે ત્‍યારે આ ભૂલો બહાર આવે છે. આ વર્ષે લગભગ ૭૫,૦૦૦ શિક્ષકોએ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની એક્‍ઝામની લગભગ ૮૧ લાખ આન્‍સર શીટની ચકાસણી કરી હતી. બોર્ડ દ્વારા રેન્‍ડમ રીતે રિવ્‍યૂ કરવામાં આવે ત્‍યારે શિક્ષકોની ભૂલો બહાર આવતી હોય છે.

ગુજરાત સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી એજ્‍યુકેશન બોર્ડના વાઈસ ચેરમેન દિનેશ પટેલ કહે છે કે પેપર ચકાસણીમાં ભૂલો કરનારા શિક્ષકોને બોલાવવામાં આવે છે અને તેમને દંડ કરાય છે. તેમનો દાવો છે કે શિક્ષકો દ્વારા આ ભૂલો ઈરાદા વગર થયેલી હોય છે. સારી વાત એ છે કે ગયા વર્ષે આવી ભૂલોનું પ્રમાણ ઘટયું હતું.