બોટાદ જિલ્લામાં ઇલેકશન મેસ્કોટ ‘બોટરોન’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

બોટાદ જિલ્લામાં ઇલેકશન મેસ્કોટ ‘બોટરોન’ બન્યું આકર્ષણનું કેન્દ્ર
બોટાદ જિલ્લામાં ઇલેકશન મેસ્કોટ ‘બોટરોન’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

ઈલેક્શન મેસ્કોટ બોટરોન મતદાનલક્ષી સમગ્ર માહિતી સાથે બોટાદવાસીઓનું સ્વાગત કરે છે. હાથમાં ટેબ્લેટ, સરળ અને તમામ લોકોને સમજાય તેવી આપણી જ ગુજરાતી ભાષામાં મતદાનલક્ષી તમામ માહિતી આપતું ઈલેક્શન મેસ્કોટ બોટરોન બોટાદ જિલ્લામાં નાના-મોટાં સૌ કોઈ માટે અનોખું આકર્ષણ બન્યું છે. રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેન્ડ… શોપિંગ મોલ હોય કે પછી અન્ય જાહેર જગ્યા, જ્યાં નાગરિકોની વધુ અવરજવર રહેતી હોય તેવા તમામ વિસ્તારોમાં જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ઈલેક્શન મેસ્કોટથી લોકોને મતદાનની સમગ્ર પ્રક્રિયાથી વાકેફ કરાવવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયની પ્રેરણા અને માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત બોટાદ જિલ્લામાં લોકસભા ચૂંટણી 2024માં વધુમાં વધુ નાગરિકો મતદાન કરે અને લોકશાહીનાં મહાપર્વમાં જોડાઇ તે માટે BOTRON નામક મેસ્કોટ દ્વારા મતદાન જાગૃતિનો આ નવતર પ્રયોગ બોટાદ જિલ્લામાં કરવામાં આવ્યો છે. આ મેસ્કોટ જિલ્લાના વિવિધ સ્થળે મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડી રહ્યો છે. બોટાદ જિલ્લામાં ચૂંટણીમાં તમામ નાગરિકો જોડાઇ અને મતદાન કરે તે માટે સ્વીપ પ્રવૃતિ અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. ફ્લેશમોબ કાર્યક્રમ, સિગ્નેચર કેમ્પેઇન સહિતનાં કાર્યક્રમોની સાથે અનોખા પ્રયોગનાં ભાગરૂપે જિલ્લામાં સૌપ્રથમ વખત મેસ્કોટ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ મેસ્કોટ સેન્સર બેઇઝ્ડ છે. જેનાથી કોઇ વ્યક્તિ તેની સામેથી પસાર થાય તો તુરંત જ તેમાં રેકોર્ડ કરેલો મતદાન જાગૃતિને લગતો ઓડિયો-વીડિયો પ્રદર્શિત થવા લાગે છે. જે લોકોને મતદાન માટે અનોખી પ્રેરણા પૂરી પાડે છે. તો હવે, બોટાદ જિલ્લામાં તમે જો સફેદ રંગે રંગાયેલું અને ટેક્નોલોજીના માધ્યમથી મતદાનલક્ષી સંપૂર્ણ માહિતી આપતું કોઈ ગેજેટ જુઓ તો નવાઈ ન પામશો.. એ તો ચોક્કસથી આપણાં જિલ્લાનો ઈલેક્શન મેસ્કોટ બોટરોન હશે… અને હવે મેસ્કોટ પણ મહત્તમ મતદાન કરવાની અપીલ કરી રહ્યું છે.