‘બડે મિયા છોટે મિયા’ એકશનના હવાઈ કૂદકામાં વાર્તા જ પાટા પરથી ઉતરી ગઈ!

‘બડે મિયા છોટે મિયા’ એકશનના હવાઈ કૂદકામાં વાર્તા જ પાટા પરથી ઉતરી ગઈ!
‘બડે મિયા છોટે મિયા’ એકશનના હવાઈ કૂદકામાં વાર્તા જ પાટા પરથી ઉતરી ગઈ!

 ઈદના પર્વે રિલીઝ થયેલી અક્ષયકુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર ‘બડે મિયા છોટે મિયા’ ખાસ છાપ નથી પાડી શકી, આ ફિલ્મને 1998માં આવેલી અમિતાભ બચ્ચન- ગોવિંદાની ફિલ્મ ‘બડે મિયા છોટે મિયા’ સાથે કંઈ લાગતું વળગતું નથી, હાલની ફિલ્મમાં એક સીનમાં ટીવી પર ચાલતી એક ફિલ્મનો સીન જોવા મળે છે જે જૂની ફિલ્મ ‘બડે મિયા ઔર છોટે મિયા’નો છે, બસ આટલું જ જૂની ફિલ્મ સાથે આ ફિલ્મને લાગે વળગે છે!

ફિલ્મની વાર્તા કંઈક એવી છે કે ભારતીય સેનાના ટોપ સિક્રેટ હથિયાર દુશ્મનોના હાથમાં લાગી જાય છે. કર્નલ આઝાદ (રોનિત રોય) તેને પાછા લાવવાની જવાબદારી જાંબાઝ ઓફિસર રહેલા ફિરોઝ ઉર્ફે ફ્રેડી (અક્ષયકુમાર) અને રાકેશ ઉર્ફે રોકી (ટાઈગર શ્રોફ)ને આપે છે.

આ મિશનમાં તેમને કેપ્ટન મિશા (માનુષી છિલ્લર), ઓફિસર પ્રિયા દીક્ષિત (સોનાક્ષી સિંહા) અને આઈટી સ્પેશિયલ પ્રેમ (અલાયા એફ)નો સાથ મળે છે. શું બડે મિયા છોટે મિયા દેશના મહત્વપૂર્ણ હથિયારને દુશ્મનના હાથમાં પડતા બચાવવામાં સફળ રહે છે તે જાણવા સિનેમાહોલમાં ફિલ્મ જોવી રહી.

‘સુલતાન’ અને ‘ટાઈગર જિંદા હૈ’ જેવી સુપરહિટ ફિલ્મ આપનાર ડાયરેકટર અલી અબ્બાસ ઝફરે જયારે 350 કરોડના બજેટમાં આ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી ત્યારે ઘણી આશા હતી પણ તે સફળ નથી થયા. ફિલ્મની શરૂઆત નબળી કથાથી થાય છે. અડધી કલાક પછી પ્રેક્ષકને કથા સમજ પડે છે, ઈન્ટરવલ સુધી થોડી રસપ્રદ લાગે છે પણ ફિલ્મની કથા અને પટકથા ઈન્ટરવલ બાદ પાટા પરથી ઉતરી જાય છે.

ફિલ્મને હોલીવુડની સ્તરની બનાવવામાં એટલા જબરદસ્ત એકશન બતાવ્યા છે. કયારેક એકશન સીન વિડીયો ગેમ જેવા લાગે છે. એકટીંગમાં અક્ષય-ટાઈગર જામે છે, તો પરાણે કોમેડી કરે છે. સાઉથના પૃથ્વીરાજ સુકુમારન જેવા કલાકાર અહી વેસ્ટ થયો છે. લોકેશન સુંદર છે, સિનેમેટોગ્રાફી જામે છે.