નાપાસ થાય તો પણ બોર્ડના વિદ્યાર્થીનું વર્ષ નહીં બગડે..!

નાપાસ થાય તો પણ બોર્ડના વિદ્યાર્થીનું વર્ષ નહીં બગડે..!
નાપાસ થાય તો પણ બોર્ડના વિદ્યાર્થીનું વર્ષ નહીં બગડે..!

ગુજરાતમાં ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાના પરિણામ જાહેર કરવાની તૈયારી છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સુકતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છે તે પૂર્વે જ શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ખાસ કરીને ધો.12ના વિજ્ઞાનપ્રવાહના પરિણામો હવે ગમે તેટલા વિષયની ફેર પરીક્ષા આપી શકશે જયારે ધો.12 સામાન્ય પ્રવાહમાં એકને બદલે બે વિષયની ફેર પરીક્ષા આપી શકાશે. ધો.10માં બેને બદલે ત્રણ વિષયમાં ફેર પરીક્ષા આપી શકાશે. આ સંજોગોમાં નાપાસ થતા વિદ્યાર્થીઓનું વર્ષ નહીં બગડે અને પૂરક પરીક્ષાના આધારે વર્ષ બગાડયા વિના શિક્ષણ ચાલુ રાખી શકશે. 

રાજયમાં બોર્ડ પરીક્ષાના પરિણામ પૂર્વે જ શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધો.10 અને 12ની પરીક્ષાના પરિણામો વહેલા જાહેર કરવાનું આયોજન ગોઠવાયું હતું હવે કયારે જાહેર થાય છે તેના પર વિદ્યાર્થીઓની મીટ છે. સાથોસાથ પૂરક પરીક્ષા પણ વહેલી યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવા સમયે જ શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાપાસ થતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષના બદલે એવા ઉદ્દેશ્ય સાથે નાપાસ વિદ્યાર્થીઓને વધુ તક આપવાનું નકકી કરવામાં આવ્યું છે. 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે ધો.12 વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ હવે ગમે તેટલા વિષયની ફેર પરીક્ષા આપી શકશે. મુળ પરીક્ષામાં નાપાસ થયા હોય તો પણ ગમે તેટલા  પેપર આપી શકશે. આખી પરીક્ષા નવેસરથી આપનાર વિદ્યાર્થીના બંને પરીક્ષામાં જે સર્વોચ્ચ ગુણ કે ટકાવારી હોય તેને  ધ્યાને લેવામાં આવશે. અર્થાત વિદ્યાર્થીઓને ‘બેસ્ટ ઓફ ટુ’નો લાભ મળશે. 

ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પણ આ પ્રકારે રાહત આપવામાં આવી છે. અત્યાર સુધી એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીને જ ફેર પરીક્ષાની તક આપવામાં આવતી હતી. હવે બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકશે. 

ધો.10માં પણ આ રીતે છુટછાટ આપવામાં આવી છે. ધો.10માં અત્યાર સુધી બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીને પૂરક પરીક્ષાની છુટ આપવામાં આવતી હતી તેના બદલે હવે ત્રણ વિષયમાં પરીક્ષાર્થી નાપાસ થાય તો પણ પૂરક પરીક્ષા આપી શકશે. 

ગુજરાત શિક્ષણ બોર્ડના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ઘણો મોટો લાભ થશે અને શૈક્ષણિક વર્ષ બગડતું અટકી શકશે.  અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે 39 લાખથી વધુ વિદ્યાર્થીઓએ જુદી જુદી બોર્ડ પરીક્ષા આપી હતી અને તેના પરિણામની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે. બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવે તે પૂર્વે જ આ નિર્ણય વિદ્યાર્થીઓને ઘણી રાહત આપે તેમ માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. શિક્ષણ બોર્ડે અગાઉ ચૂંટણી પૂર્વે જ પરિણામ આપી દેવાની તૈયારી કરી હતી અને અગાઉના વર્ષની સરખામણીએ વધુ શિક્ષકોને ગોઠવીને પેપર ચકાસણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. એપ્રિલ મહિનાના અંત સુધીમાં ત્રણેય પરિણામ જાહેર કરવાની રાખવામાં આવી હતી.

પરંતુ પરિણામ વહેલા આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ વેકેશનમાં  નીકળી જાય અને મતદાનને અસર થાય તેવી ગણતરીએ પરિણામ મતદાન પછી જાહેર થશે તેવી અટકળો કેટલાક દિવસોથી પ્રવર્તી રહી છે. જોકે શિક્ષણ બોર્ડ દ્વારા હજુ સુધી પરિણામ વિશે કોઇ જાહેરાત કરવામાં આવી નથી.