ધન્વન્તરિ સ્કૂલના દિવ્યાંગ બાળકો માટે સ્કૂલ બસ અર્પણ

ધન્વન્તરિ સ્કૂલના દિવ્યાંગ બાળકો માટે સ્કૂલ બસ અર્પણ
ધન્વન્તરિ સ્કૂલના દિવ્યાંગ બાળકો માટે સ્કૂલ બસ અર્પણ

“આ બાળકો વિશિષ્ટ છે, કુદરતે તેમનામાં નિખાલસતા અને સરળતા બક્ષી છે, તેઓ સમાજના સામાન્ય પ્રવાહ સાથે ભળે તેના માટે ધન્વન્તરિ સ્કૂલ જેવી સંસ્થાઓની તાલીમ અને વાલીઓના ધીરજપૂર્વકના સંઘર્ષ સાથે સમાજનો સધિયારો આવશ્યક છે”  એવું કહેતા બીકેટી કંપનીના વરિષ્ઠ અધિકારી લાલજી બાંભણીયાએ સ્વરચિત બાળ કાવ્ય સાથે દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ભુજના પદ્ધર ગામ પાસે કાર્યરત બીકેટી કંપની દ્વારા ચાઈલ્ડ વેલ્ફર ટ્રસ્ટ સંચાલિત ધનવન્તરિ સ્કૂલને સ્કૂલ બસ, ફૂલ વોલ સ્ક્રીન સાથેના અદ્યતન સ્માર્ટ ક્લાસ,  શારિરીક મુશ્કેલી ધરાવતા બાળકોની કસરત માટે ફિઝિયોથેરેપીના સાધનો, સાંભળવા માટેના કાન ના મશીન સહિત કુલ રૂ. ૨૮.૬૫ લાખના સાધનો અર્પણ કર્યા હતા. આ અનુદાન માટે કંપની અને સ્કૂલ વચ્ચે કડીરૂપ બનનાર જિલ્લા કલેકટર અમિત અરોરા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં શ્રી બાંભણીયાએ વધુમાં જણાવ્યું હતું કે, કંપનીના ચેરમેન અને મેનેજમેન્ટ સામાજિક ઉત્તરદાયિત્વ માટે કટિબદ્ધ છે. અત્યારે સરકાર સાથે મળી મધ્યાન્હ ભોજન યોજના હેઠળ અક્ષયપાત્ર મારફતે ૧૯૩ શાળાઓના ૩૦ હજાર જેટલા બાળકોને પૌષ્ટિક આહાર અપાય છે. કંપનીની આજુબાજુના ૩૪ ગામોની શાળાઓમાં વિદ્યાર્થીઓના શિક્ષણ માટે જરૂરી શૈક્ષણિક સાધનો અપાયા છે. શાળાના ટ્રસ્ટી આરતીબા જાડેજાએ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ત્રણ દાયકા પૂર્વે દિવંગત ડો. શાંતુબેન પટેલ દ્વારા સ્થાપિત આ શાળા દિવ્યાંગ બાળકોને શાળાકીય શિક્ષણ, કોમ્પ્યુટર તાલીમ ઉપરાંત વોકેશનલ ટ્રેનિંગ આપી તેમને પગભર બનાવવા કાર્યરત છે. માનવીય સંવેદનાભર્યા આ સેવાકીય કાર્ય માટે બીકેટી કંપની જેવા સમાજના દાતાઓનો સહયોગ પ્રેરણારૂપ છે. અઢી દાયકાથી કાર્યરત ચાઈલ્ડ વેલ્ફેર ટ્રસ્ટ મારફતે દિવ્યાંગ બાળકોને શિક્ષણ ઉપરાંત ફિઝીયોથેરેપી સાથે વખતોવખત તબીબી માર્ગદર્શન અને વાલીઓ માટે તાલીમનું આયોજન કરાય છે. આચાર્ય ડિમ્પલ બેન શાહે દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટેની ખૂટતી કડીઓ પૂર્ણ કરવામાં કડીરૂપ બનવા બદલ જિલ્લા કલેકટર અમિત અરોરા અને આર્થિક અનુદાન આપવા બદલ બીકેટી કંપનીનો ઋણ સ્વીકાર કર્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના શુભેચ્છક વિનોદ ગાલા, બીકેટી કંપનીના અધિકારીઓ લાલજી બાંભણીયા, કર્નલ શુભેન્દુ અંજારિયા, ડી.બી. ઝાલા, ડી.ડી. રાણા, નટુભા પરમાર, પ્રત્યંચ અંજારિયા, શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.