દુબઈના શારજાહથી કેરિયર મારફતે થતી સોનાની દાણચોરીનો થયો પર્દાફાશ, કસ્ટમ અને પોલીસથી બચવાની આ રહેતી મોડસ ઓપરેન્ડી

દુબઈના શારજાહથી કેરિયર મારફતે થતી સોનાની દાણચોરીનો થયો પર્દાફાશ, કસ્ટમ અને પોલીસથી બચવાની આ રહેતી મોડસ ઓપરેન્ડી
દુબઈના શારજાહથી કેરિયર મારફતે થતી સોનાની દાણચોરીનો થયો પર્દાફાશ, કસ્ટમ અને પોલીસથી બચવાની આ રહેતી મોડસ ઓપરેન્ડી

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શારજાહથી ગેરકાયદે સોનુ લઈને આવી રહેલા એક કેરિયર સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં કસ્ટમ અને પોલીસથી બચીને કઈ રીતે સોનુ અમદાવાદ આવતુ હતુ, તેના ચોંકાવનારા ખૂલાસા થયા છે.

આમ તો દુબઈમાં સોનું સસ્તુ હોવાથી અમુક લોકો દુબઈથી ભારતમાં સોનું લઈ આવતા હોય છે, પરંતુ હવે જાણે કે દુબઈથી ભારતમાં સોનું લઈ આવવાનો એક ધંધો શરૂ થઈ ગયો હોય તેવા સામે આવી રહ્યા છે. ભારતમાંથી ખાસ લોકોને કેરિયર તરીકે દુબઈ મોકલી ગેરકાયદે રીતે સોનું ભારતમાં લાવવામાં આવી રહ્યું છે. કસ્ટમ વિભાગ દ્વારા આવા કેરિયરોની અનેક વખત સોનાની હેરાફેરી સમયે ધરપકડ પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આવાજ એક કેરિયરની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. કેરિયર તરીકે કામ કરી રહેલા અને દુબઈ શારજાહથી સોનું લઇને અમદાવાદ પહોંચેલા આશિષ કુકડિયાની પોલીસે ધરપકડ કરી છે તો સાથે જ સોનું મંગાવનાર સોની અનંત શાહ અને તેના ત્રણ માણસોની પણ પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ દ્વારા કેરિયર તરીકે કામ કરી રહેલા આશિષ કુકડીયાની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આશિષ કુકડીયા મૂળ જુનાગઢમાં રહે છે અને બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે. આશિષ કુકડિય મિસ્ત્રી કામ કરે છે. આશિષ કુકડીયા એક વખત મિસ્ત્રી કામની શોધમાં દુબઈ ગયો હતો જ્યાં તેને દુબઈના રામજીભાઈ સાથે સંપર્ક થયો હતો. રામજીભાઈએ તેનો સંપર્ક અમદાવાદના સોની અનંત શાહ સાથે કરાવ્યો હતો અને કેરિયર તરીકે કામ કરવા જણાવ્યું હતું. જે બાદ અનંત શાહ દ્વારા આશિષ કુકડીયાને અગાઉ 10 થી 15 વખત દુબઈ સોનું લેવા માટે કેરિયર તરીકે મોકલ્યો હોવાનું સામે આવ્યું છે.

કેરિયર પર વૉચ રાખવા માટે પણ રાખ્યા હતા ભાડુતી માણસો

પોલીસ દ્વારા સોની અનંત શાહની પૂછપરછ કરતા સામા આવ્યું છે કે અનંત શાહ અમદાવાદમાં સોનુ અને જમીન લે વેચનું કામકાજ કરે છે અને તે અનેક વખત દુબઈથી રામજીભાઈ પાસેથી સોનુ કેરિયર મારફત મંગાવી ચૂક્યો છે. અનંત શાહ જ્યારે એરપોર્ટ પર કેરિયર તરીકે કામ કરતા આશિષ કુકડીયાને રિસીવ કરવા જતો હતો.  ત્યારે તેની સાથે ત્રણ થી ચાર માણસો રાખતો હતો. કેરિયર સોનુ લઈને ભાગી ન જાય અથવા તો એરપોર્ટ પર કસ્ટમ, પોલીસ કે અન્ય કોઈ એજન્સીઓ તેને પકડી ન લે તેનું ધ્યાન રાખવા ત્રણથી ચાર માણસોને અલગ અલગ જગ્યા પર વોચમાં રાખતો હતો. પોલીસે કેરિયર આશિષ કુકડીયા અને મુખ્ય આરોપી અનંત શાહ સિવાય અનંત શાહના ભાડુઆતી માણસો તરીકે રાખેલા કલ્યાણ પટેલ, નવઘણ ઠાકોર અને નિલેશ દેસાઈની પણ ધરપકડ કરી છે. અનંત શાહ આ માણસોને 5000 રૂપિયા આપી ઍરપોર્ટ પર વોચ રાખવા માટે સાથે લઈ આવતો હોવાનો ખુલાસો પણ થયો છે.

 કેમિકલયુક્ત પેસ્ટ અને પાઉડરના સ્વરૂપમાં લવાતુ હતુ સોનુ

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે દુબઈ બેઠેલા રામજીભાઈ નામનો વ્યક્તિ અમદાવાદથી આવેલા કેરિયરને કેમિકલયુક્ત પેસ્ટ અને પાઉડરના સ્વરૂપમાં સોનું આપતો હતો. કેમિકલયુક્ત પેસ્ટ કે પાઉડર સ્વરૂપ આવેલું સોનું એરપોર્ટ કે અન્ય કોઈ જગ્યા પર ડિટેક્ટ થતું નથી જેથી તેને મેડિકલના ઉપયોગમાં લેવાતી સર્જીકલ ટેપમાં વીંટાળી આંતરવસ્ત્રોમાં છુપાવી સોનાની દાણચોરી કરવામાં આવતી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 48 લાખનું સોનુ કર્યુ કબ્જે

હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કેરિયર આશિષ કુકડીયા, મુખ્ય સોની આનંદ શાહ તેમજ તેના ત્રણ માણસોની ધરપકડ કરી તેમની પાસેથી પાવડર સ્વરૂપમાં 701.41 ગ્રામ એટલે કે 48 લાખથી વધુની કિંમતનું સોનુ તેમજ મોબાઈલ, કાર સહિત 52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે અગાઉ ખરેખર કેટલી વખત સોનાની દાણચોરી કરવામાં આવી છે અને કેરિયર દ્વારા અન્ય કોઈ વ્યક્તિ સાથે મળીને દુબઈ થી સોનું અમદાવાદ લાવવામાં આવ્યું છે કે કેમ સહિતના તમામ મુદ્દાઓ પર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.