તાપી નદીમાં બે પિસ્તોલ-ચાર કાર્ટીઝ શોધી કાઢયા

તાપી નદીમાં બે પિસ્તોલ-ચાર કાર્ટીઝ શોધી કાઢયા
તાપી નદીમાં બે પિસ્તોલ-ચાર કાર્ટીઝ શોધી કાઢયા

મુંબઈમાં ગત તા.14 એપ્રિલનાં રોજ ફિલ્મ અભિનેતા સલમાનખાનના ઘર ઉપર ફાયરીંગ કરી બાઈકમાં નાસી ગયેલા અને કચ્છમાંથી ઝડપાયેલ બંને આરોપીઓનો મુંબઈ ક્રાઈમ બ્રાંચે કબ્જો લીધા બાદ પુછપરછમાં બંને આરોપીઓએ સુરત તાપી નદીમાં બે પિસ્તોલ ચાર કાર્ટીઝ મોબાઈલ ફેંકી દીધાની કબુલાત આપતા તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરી પિસ્તોલ-કાર્ટીઝ મોબાઈલ કબ્જે લેવાયા છે.

મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરીંગ કરનારા આરોપીઓ સુરત આવી તાપી નદીમાં બે પિસ્તોલ ફેંકી દીધી હતી. આ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બે દિવસથી સુરતમાં ધામા નાખ્યા છે. અને તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધયુર્ં છે. જેમાં એક દિવસની શોધખોળમાં એક પિસ્તોલ મળી હતી. જયારે બીજી પિસ્તોલ પણ આજે મળી આવી છે.

સાથે 4 કાર્ટીઝ અને 1 મોબાઈલ મળ્યો છે. આરોપીઓએ અનમોલ બિશ્નોઈને વીડિયો કોલ કરી, ચાલુ રાખીને બંને પિસ્તોલ અને મોબાઈલ તાપી નદીમાં ફેંકયો હતો. બે બોટ અને બે મરજીવાની મદદથી તાપી નદીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. મરજીવા પર કેમેરો પણ સાથે ઉતારવામાં આવ્યા હતા. જેનું મોનિટરિંગ બોર્ડ પરથી કરવામાં આવ્યું હતું.

આરોપીઓ મુંબઈથી સુરત આવ્યા બાદ સુરત રેલવે સ્ટેશન પર ગયા હતા. ટ્રેન મારફતે ભુજ જવું હતું. જોકે તેમને ટ્રેન મળી નહોતી. રેલ્વે સ્યેશન બહાર એક રિક્ષાચાલકને તાપી નદી સુધી પહોંચવા માટે હતું. રીક્ષાચાલકને ખાસ કહ્યું હતું કે, કોઈ બ્રિજ એવો જણાવો જયાંથી ઓછી અવરજવર હોય અને નદીની વચ્ચોવચ્ચ સુધી પહોંચી શકાય. રીક્ષાચાલક અશ્વિનીકુમાર સ્મશાન પાસે આવેલા રેલવે ટ્રેક પાસે લઈ આવ્યો હતો.

અશ્વિનીકુમાર સ્મશાનની પાસે આવેલા રેલ્વે ટ્રેક બાજુમાં ચાલી શકાય તે રીતે એક રસ્તો છે. રેલ્વે ટ્રેકની બાજુમાં ચાલીને ત્રીજા પીલર પાસે આવીને બંને આરોપીઓ ઉભા રહી ગયા હતા. નદીની વચ્ચે પહોંચ્યા બાદ અનમોલને વીડિયો કોલ કરવામાં આવ્યો હતો. ચાલુ વીડિયો કોલમાં બંને પિસ્તાલને તાપી નદીમાં ફેંકવામાં આવી હતી.

પશ્ચિમ કચ્છ એલસીબીએ માતાના મઢમાં સામાન્ય યાત્રાળુઓની માફક આરામ કરી રહેલા વિકી ગુપ્તા અને સાગર પાલને પકડી મુંબઈ ક્રાઈમ બ્રાંચને સોંપ્યા હતા. મુંબઈ ક્રાઈમ બાંચે બન્નેની રિમાન્ડ મેળવી રિમાન્ડ દરમિયાન સુરત તાપી નદીમાં ફેંકી દીધેલ બે પિસ્તોલ ચાર કાર્ટીઝ અને મોબાઈલ શોધી કાઢવા બોટ અને મરજીવાની મદદથી તાપી નદીમાં સર્ચ ઓપરેશન પાર પાડી હથિયાર-મોબાઈલ કબજે કર્યા છે.