ઝુલતા પુલ દુર્ઘટના કેસ: જયસુખ પટેલ સામે ‘કોર્ટ કન્ટેમ્પ્ટ’ કાર્યવાહીની નોટીસ

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસ: જયસુખ પટેલ સામે ‘કોર્ટ કન્ટેમ્પ્ટ’ કાર્યવાહીની નોટીસ
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસ: જયસુખ પટેલ સામે ‘કોર્ટ કન્ટેમ્પ્ટ’ કાર્યવાહીની નોટીસ

મોરબીનો ઝુલતો પુલ તૂટતા 135 નિર્દોષ લોકોના મૃત્યુના કેસની સુઓમોટો રીટની સુનાવણીમાં હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ અનિરૂધ્ધ પી.માયીની ખંડપીઠે ઓરેવા ગ્રુપ અને તેના એમ.ડી.જયસુખ પટેલની ભારે ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, પીડીતોને કાયમી નાણાકીય સહાય અને તેમનાં વિવિધ મુદાના નિવારણ માટે ટ્રસ્ટનાં ગઠન સંદર્ભે ઓરેવા કંપનીએ કંઈ જ કર્યું નથી. જે દર્શાવે છે કે કંપની અને તેનાં ડીરેકટર બદઈરાદા પુર્વક અને જાણી જોઈને કોર્ટના આદેશોને અવગણી રહ્યા છે. તેથી કંપનીનાં એમ.ડી.ને નોટીસ પાઠવવામાં આવે છે કે શા માટે કોર્ટના આદેશોની અવગણના કરવાનાં મામલે તેમની સામે કાર્યવાહી ન કરવામાં આવે. આ કેસની વધુ સુનાવણી 26મી એપ્રિલે મુકરર કરાઈ છે.

મોરબી હોનારતનાં કેસમાં શુક્રવારે સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટીસ સુનિલા અગ્રવાલની ખંડપીઠે ઓરેવા કંપનીનો ભારે ઉધડો લેતાં ટકોર કરી હતી કે ‘તમારે લીધે જ દુર્ઘટના ઘટી હતી અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, બાળકો અનાથ થયા, લોકો કાયમી દિવ્યાંગ થયા આ જાહેર હીતની અરજીનો હાઈકોર્ટે સ્વત: સંજ્ઞાન લીધુ હતુ અને તમને કોઈ અધિકાર નથી કે તમે કોઈ રજુઆત કરો.ઉલટાનું તમે જાણે પીડીત હોવ એવી રીતે અહી રોકકળ કરો છો.હકીકતમાં તો તમારા લીધે જ નિર્દોષ લોકો નિરાધાર બન્યા છે.

સમગ્ર ઘટના માટે એકમાત્ર તમે જ જવાબદાર છો. તમને કેસમાં પાર્ટી તરીકે જોડયા હોઈ શકે. પરંતુ આ જાહેર હીતની અરજીમાં વારંવાર હાઈકોર્ટે આદેશ કર્યો છે અને તમે તેની અમલવારી કરતા નથી. તમે કોઈ સમાધાન સાથે કોર્ટમાં આવ્યા નથી. દરેક વખતે કોર્ટ સાથે સંતાકુકડી રમો છો શું પીડીતોને પાંચ હજાર કે 12 હજાર રૂપિયા મહીને આપવાના મામલે દલીલ કરવાનો તમને કોઈ પણ અધિકાર છે.

શુક્રવારે રાજય સરકાર વતી કલેકટરે વિવિધ પ્રકારની શારીરીક અને માનસીક ઈજા પામનાર પીડીતો, અનાથ, વિધવા, વગેરેને જયાં સુધી તેઓ સ્વસ્થ ન થયા ત્યાં સુધી અમુક પ્રકારની નાણાંકીય મદદ ઓરેવા ગ્રુપ કરે એ પ્રકારનું સોગંદનામું કર્યુ હતું. ઓરેવા ગ્રુપ તરફથી પાંચ હજાર જેટલી નાણાકીય મદદનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. જોકે કલેકટર દ્વારા 12 હજાર રૂપિયા મહીને આપવાનો નિર્ણય કર્યો છે.

આ હકીકત સામે આવતા ખંડપીઠે ટકોર કરી હતી કે પાંચ હજાર ક 12 હજાર રૂપિયા એ મામલે કંપની નેગોશીએશન કોર્ટ સમક્ષ કરી શકે નહિં. કંપનીએ નાગરીકોનાં જીવનને ભારે નુકશાન પહોંચાડયુ છે. ત્યારે કંપની એવી દલીલ ન કરી શકે કે તેઓ પાંચ હજાર આપશે કે 12 હજાર આપશે કલેકટરનો પ્રસ્તાવ એમણે ગ્રાહ્ય રાખવો જ પડે. 

અમારી સમક્ષ આ કેસમાં જે રીપોર્ટ સામે આવ્યો હતો તે દર્શાવે છે કે કંપનીની ભારે બેદરકારીના કારણે જ બ્રિજ તૂટયો હતો અને કંપની જ દુર્ઘટના માટે જવાબદાર છે. અને હવે કંપની સુનાવણી કરવાની દલીલ કરી રહી છે. જે વ્યકિત 40 ટકા વિકલાંગ થઈ ગઈ તેવી વ્યકિતને પાંચ હજાર કે 12 હજાર આપવા મામલે તમારે દલીલ કરવી છે? કલેકટરે જે પ્રસ્તાવ રજુ કર્યો છે.તે મુદે તમારે કંપની પાસેથી સુચના લઈને કોર્ટને જણાવી દેવી જોઈએ.

તમારે એવી દલીલ ન કરવી જોઈએ કે અમને રજુઆત કરવાની તક આપો.આ મામલે ઓરેવા ગ્રુપ સંપૂર્ણપણે દોષી છે અને એ ભુલનુ કોઈ જસ્ટીફીકેશન કંપની આપી શકે નહિં. વિકલાંગ, વિધવા, વૃદ્ધોને સહાય આપવાના મામલે તમે કોઈ જસ્ટીફીકેશન આપી શકો નહિં. હવે આ મામલે હાઈકોર્ટે 26 મી એપ્રિલના રોજ વધુ સુનાવણી રાખી છે. અને જયસુખ પટેલને શા માટે તેમની સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી ન કરી તેની સ્પષ્ટતા કરવાનો આદેશ કર્યો છે.  

શું 14 કરોડ સહાયની ચુકવણી પુરતી છે? હાઈકોર્ટ
ઓરેવા તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે અમે 14 કરોડ રૂપિયાથી વધુની સહાય પીડીતોને આપી છે. આ દલીલથી નારાજ થઈ કોર્ટે ટકોર કરી હતી કે શું 14 કરોડ રૂપિયાની સહાયની ચુકવણી તમારા હિસાબે પુરતી છે? મહેરબાની કરીને આવી દલીલ ન કરો. સમગ્ર દુર્ઘટનાનાં જવાબદાર તમે છો અને આ ઘરતી પર બીજી કોઈપણ વ્યકિત મોરબી પુલ તૂટવા માટે જવાબદાર નથી. તમારી કંપની ચાલી રહી છે અને તમે રૂપિયા કમાઈ રહ્યા છો. ત્યારે સહાય આપવાના મામલે બિનજરૂરી દલીલો ન કરો.

કોઈ કામગીરી કરતા નથી અને માફી પણ માંગતા નથી:હાઈકોર્ટ
હાઈકોર્ટે ઓરેવા ગ્રુપના એડવોકેટને વેધક ટકોર કરી હતી કે અમે દરેક બાબત રેકોર્ડ પર લઈ રહ્યા છીએ અને તે અમારા આદેશમાં આવશે તમે ટ્રસ્ટના ગઠન મુદે કંઈ કર્યુ નથી અને જે કામગીરી કરતા નથી તેના માટે માફી પણ માંગતા નથી. આ કોર્ટનાં આદેશની અવગણના નથી તો શુ છે? તમે આ મામલે કન્ટેમ્પ્ટમાં છો અમે તમારી સામે કન્ટેપ્મ્ટ કાર્યવાહી કરીશુ.

ટ્રસ્ટનુ ગઠન કેમ કર્યું નથી? કોર્ટ સાથે સંતાકુકડી રમો છો:હાઈકોર્ટે ઓરેવાને ઝાટકી
ટ્રસ્ટનું સંગઠન કરવાના હાઈકોર્ટનાં આદેશ મામલે પણ ઓરેવા ગ્રુપની ઝાટકણી કાઢવામાં આવી હતી અને હાઈકોર્ટે કહ્યું હતું કે આ દુઘર્ટના માત્ર ને માત્ર તમારા કારણે થઈ છે અને તમારે હાઈકોર્ટનાં દરેક આદેશની અમલવારી તૈયાર રહેવુ જોઈએ. અમે જે સુનાવણીમાં ટ્રસ્ટના ગઠનનો આદેશ કર્યો હતો પરંતુ તમે એ મામલે હજુ સુધી કંઈ કર્યું જ નથી. તમે ટ્રસ્ટના ગઠન માટે કોઈ પગલા લીધા હોય તો બતાવો.

આ રીતે કોર્ટ સાથે સંતાકુકડી રમવાનું બંધ કરો અમે તમારા પર શા માટે ગુસ્સે થઈ રહ્યા છીએ તે તમે સમજી જ ગયા હશો.કંપનીએ જે કામ કરવુ જોઈએ એ યોગ્ય રીતે નથી થઈ રહ્યું આ કોઈ કોર્પોરેટ કેસ નથી તેથી કોર્પોરેટ કેસ જેવી દલીલ ન કરો.અમે તમારી વર્તણુંક સામે ફકત વાંધો ઉઠાવશો અને ચુકાદામાં તેની નોંધ લેશુ. ઓરેવા ગ્રુપ અને તેના ડીરેકટર કોર્ટનાં આદેશોની અવગણના કરી રહ્યા છે. તમે આ ગેમ રમી ન શકો કે અમે સરકારના જવાબની રાહ જોઈ રહ્યા હતા. અમે કંપનીનાં બેંન્ક ખાતા પણ ટાંચમાં લઈ શકીએ છીએ. તમે અમને હળવાશથી ન લો.