કેરીનો ભાવ ૨ હજારથી ૨૪૦૦ રૂપિયા જેટલો બોલાઈ રહ્યો છે

કેરીનો ભાવ ૨ હજારથી ૨૪૦૦ રૂપિયા જેટલો બોલાઈ રહ્યો છે
કેરીનો ભાવ ૨ હજારથી ૨૪૦૦ રૂપિયા જેટલો બોલાઈ રહ્યો છે

ગુજરાતમાં કદાચ એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને કેરીનો સ્વાદ પસંદ ન હોય. ઉનાળો આવ્યો છે તો કેસર કેરીના શોખીનો કેરીનો સ્વાદ માણવા તલપાપડ હશે. બજારમાં કેરીનું આગમન પણ થઈ ગયું છે. પરંતુ કેરીના ભાવ તમે બજારમાં સાંભળ્યા હશે પરંતુ આ ભાવમાં ઘટાડો થાય તેમ લાગતું નથી. કારણ કે ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી માવઠાને કારણે કેરીના પાકને ખરાબ અસર થઈ છે.

સૌ કોઈ આકરો ઉનાળો આવ્યો છે તો કેરીનો સ્વાદ માણવા આતુર હશે. બજારમાં કેરીનું આગમન પણ થઈ ગયું છે. પરંતુ જ્યારે કેરીના ભાવ પૂછીએ તો લેવાનું મન થતું નથી. આભને આંબે તેવા ભાવથી કેરીનો સ્વાદ માણી શકાય તેમ નથી. સૌ કોઈ એ ઈન્તજારમાં છે કે થોડા સમય પછી ભાવમાં ઘટાડો આવશે. ત્યારે કેરીનું હબ કહેવાતા ભાવનગરના તળાજા તાલુકામાં મોટા પાયે કેરીનો પાક થાય છે. પરંતુ આ વખતે વિષમ તાપમાનને કારણે કેરીનું ઉત્પાદન મોટા પાયે નિષ્ફળ જવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.

આ વખતે મહોર આવવાની શરૂઆત તો થઈ હતી, ત્યારબાદ આંબા પર નાની મોટી ખાખટી પણ આવી હતી પરંતુ શિયાળામાં ઓછી ઠંડી અને ઉનાળો વધુ પડતો તપી જતાં આંબા પરથી મહોર ખરી જવાનું પ્રમાણ વધી ગયું એટલું જ નહીં એપ્રિલમાં કેરી તૈયાર થઈ જાય છે પરંતુ હાલ આંબા પર અચાનક કપળો ફૂટીને નવા પાન આવવા લાગ્યા છે. જે ચોમાસામાં ફૂટતા હોય છે. ગ્લોબલ વોર્મિગની આ ખરાબ અસરથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

તળાજા તાલુકાના આ વખતે કેરીનું ઉત્પાદન ૬૦થી ૭૦ ટકા એટલે કે સામાન્યથી પણ ઓછું જોવા મળી રહ્યું છે. ઓછા ઉત્પાદનને કારણે કેસર કેરીનો સ્વાદ આ વખતે ખુબ જ મોંઘો પડે તો નવાઈ નહીં. ગરીબ પરિવારો માટે તો કેરી એક સપનું પણ બની શકે છે. તળાજા પંથકની કેરીની માગ ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને વિદેશમાં પણ હોય છે. દર વર્ષે લગભગ ૫ હજાર ટન કેરીનું ઉત્પાદન થાય છે. પરંતુ આ વખતે ૧૫૦૦થી ૨ હજાર ટન ઉત્પાદન થાય તેમ લાગી રહ્યું છે.

કેરીનો ભાવ હાલ બજારમાં આભને આંબી રહ્યો છે. સૌને આશા છે કે નવી કેરી બજારમાં આવશે ત્યારબાદ કદાચ ભાવમાં ઘટાડો આવશે. પરંતુ કેરીના ઓછા ઉત્પાદનના જે સમાચારો આવી રહ્યા છે તેના કારણે આ વખતે કેરીનું બજાર ગરમ રહેવાની પુરેપુરી સંભાવના છે.  ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીની ઉપજ સારી થઈ શકી નથી, જે કેરીના પેટીનો ભાવ એપ્રિલમાં ૮૦૦થી એક હજાર જેટલો હોય છે. તે એપ્રિલમાં આ વખતે ભાવ ૨ હજારથી ૨૪૦૦ જેટલો બોલાઈ રહ્યો છે. વધુ કેરીના આગમાનથી ભાવમાં આ વખતે સામાન્ય ઘટાડો થઈ શકે છે. પરંતુ ગત સિઝનમાં જે ભાવ હતા તેનાથી આ વખતે ભાવ ઊંચા જ રહેવાની પુરેપુરી શક્યાતાઓ છે.