કામ ચાલુ હૈ ! : રાજપાલ યાદવ નોટ ઓન્લી ઇન કોમેડી!

કામ ચાલુ હૈ ! : રાજપાલ યાદવ નોટ ઓન્લી ઇન કોમેડી!
કામ ચાલુ હૈ ! : રાજપાલ યાદવ નોટ ઓન્લી ઇન કોમેડી!કામ ચાલુ હૈ ! : રાજપાલ યાદવ નોટ ઓન્લી ઇન કોમેડી!

સામાન્ય રીતે આપણે મનોરંજન માટે ફિલ્મો જોઈએ છીએ. પરંતુ કેટલીક ફિલ્મો એવી હોય છે કે જે મનોરંજનની સાથે એવો સંદેશ પણ આપે છે કે જે આપણને હંમેશ માટે યાદ રહી જાય છે. એક સત્ય ઘટનાથી પ્રેરિત ફિલ્મ ‘કામ ચાલૂ હૈ’ મહારાષ્ટ્રના એક વ્યક્તિની વાર્તા છે કે જે તેની પત્ની અને પુત્રી સાથે સુખી જીવન જીવે છે. તેમની એકમાત્ર પુત્રી અભ્યાસમાં હોશિયાર હોવાની સાથે સાથે તે જિલ્લા કક્ષાની ક્રિકેટ ટીમની ખેલાડી પણ છે.

ક્રિકેટની ગ્લેમરસ દુનિયામાં પોતાની દીકરીના સારા ભવિષ્યના સપના જોઈ રહેલા મનોજ પાટીલ (રાજપાલ યાદવ)ને ખ્યાલ ન હતો કે ભવિષ્યમાં કંઈક બીજું લખાઈ જશે. એક દિવસ એવી ઘટના બને છે કે સમગ્ર પરિવારની વાર્તા બદલાઈ જાય છે. એક દિવસ મનોજ પોતાની દીકરી સાથે સ્કૂટર પર જઈ રહ્યો હોય છે ત્યારે તેનું એક્સિડેન્ટ થાય છે. તેણે હેલ્મેટ પહેર્યું હોવાથી તે બચી ગયો, પરંતુ તેની પુત્રી ખાડામાં પડીને મૃત્યુ પામે છે.

દીકરીની આ દુનિયામાંથી અચાનક વિદાયથી હતાશ થયેલા મનોજ પહેલા સિસ્ટમથી બદલો લેવા માંગે છે. પરંતુ એક દિવસ અચાનક કંઈક એવું બને છે કે સિસ્ટમ બદલવાને બદલે તે શહેરના રસ્તાઓ પર ખાડાઓ ભરવાનું શરૂ કરે છે અને પછી આગળ શું થાય છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મના દિગ્દર્શક પલાશ મુછલે આ ફિલ્મ ખૂબ જ મહત્વના વિષય પર બનાવી છે, પરંતુ કમનસીબે, નબળી સ્ક્રિપ્ટને કારણે તે એક મહાન ફિલ્મ બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. માત્ર દોઢ કલાકની આ ફિલ્મની શરૂઆત સારી થાય છે, પરંતુ ઈન્ટરવલ પછી ફિલ્મ નબળી પડી જાય છે. ખાસ કરીને જ્યારે ફિલ્મનો સૌથી મહત્વનો પ્લોટ આવે છે ત્યારે દિગ્દર્શક તેને યોગ્ય રીતે દર્શકો સમક્ષ રજૂ ન કરી શક્યા હોય એવું લાગે છે.

આ સિવાય ફિલ્મને વાસ્તવિક મુદ્દા સુધી પહોંચવામાં પણ ઘણો સમય લાગે છે. જો કે, રાજપાલ યાદવે પોતાના ઉત્તમ અભિનયથી ફિલ્મને જોવાલાયક બનાવી છે. રાજપાલ યાદવે ફરી વખત સાબિત કરી દીધું છે કે તેની પાસે માત્ર દર્શકોને હસાવવાની ક્ષમતા નથી, પરંતુ તે ગંભીર અભિનયમાં પણ બેજોડ છે. ફિલ્મના બાકીના કલાકારોએ પણ સારું કામ કર્યું છે. ફિલ્મનું સંગીત એવરેજ છે. જો તમે આ વીકએન્ડમાં ઘરે બેસીને કોઈ મહત્વપૂર્ણ વિષય પર આધારિત ફિલ્મ જોવા માંગતા હોવ તો તમે આ ફિલ્મ જોઈ શકો છો.
bhattparakh@yahoo.com

કેમ જોવી?: સામાજિક સંદેશો આપતી ફિલ્મો જોવી પસંદ હોય તો!
કેમ ન જોવી?:  મિડલ ક્લાસ પરિવારની રોજીંદી જિંદગી જોઈને કંટાળી ગયા હોવ તો!

THIS WEEK ON OTT
1)    નેટફ્લિક્સ : ડેડ બોય ડિટેક્ટિવસ
2)    એમેઝોન પ્રાઇમ વિડીયો – દિલ દોસ્તી ડેલીમા
3)    ડિઝની+ હોટસ્ટાર : ભીમા
4)    જીઓ સિનેમા – રણનીતિ : બાલાકોટ  બેયોન્ડ