કંડલા ગ્રીન હાઇડ્રોજનનું હબ બનશે: રીલાયન્સ સહિત 4 કંપની 1 લાખ કરોડ રોકશે

કંડલા ગ્રીન હાઇડ્રોજનનું હબ બનશે: રીલાયન્સ સહિત 4 કંપની 1 લાખ કરોડ રોકશે
કંડલા ગ્રીન હાઇડ્રોજનનું હબ બનશે: રીલાયન્સ સહિત 4 કંપની 1 લાખ કરોડ રોકશે

આર્થિક રીતે ભારતના સૌથી મોટા બંદરમાં સ્થાન પામતા કંડલામાં આવતા સમયગાળામાં એક લાખ કરોડનું જંગી રોકાણ ઠલવવાના નિર્દેશ છે. રીલાયન્સ, લાર્સન એન્ડ ટુબ્રો, ગ્રીનકો ગ્રુપ અને વેલસ્પન ન્યુએનર્જી જેવી કંપનીઓ કંડલામાં ગ્રીન હાઇડ્રોજન તથા ગ્રીન એમોનિયા પ્લાન્ટ સ્થાપવા માટે એક લાખ કરોડનું રોકાણ ઠાલવી શકે છે. આ ક્ષેત્રમાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ હશે.

પોર્ટ ઓથોરીટી સમક્ષ 300-300 એકરની 14 જમીન માટે કંપનીઓએ રસ દાખવ્યો હતો. ગત મહિને ચાર કંપનીઓને જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે. કુલ 4000 એકર જમીનના 14 પ્લોટ પાડીને કંપનીઓને ઓફર કરવામાં આવ્યા હતા. તેમાંથી રીલાયન્સને 6 પ્લોટ, લાર્સનને પાંચ પ્લોટ, ગ્રીનકો ગ્રુપને બે તથા વેલસ્પનને એક પ્લોટ અપાયો છે. ઓકશનમાં આ ચારેય કંપનીઓએ સૌથી વધુ બોલી લગાવી હતી.

લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલી હોવાના કારણોસર આ વિગતો જાહેર કરવામાં આવી નથી. ચૂંટણી ખત્મ થયા બાદ જુન મહિનામાં સત્તાવાર ઘોષણા કરવામાં આવશે. કંડલા પોર્ટ દ્વારા ગ્રીન એમોનિયા તથા ગ્રીન હાઇડ્રોજન પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યો છે. કચ્છના અખાતમાં સ્થિત દિનદયાળ પોર્ટ પશ્ર્ચિમ ભારતના સૌથી મોટો બંદર પૈકીનું એક છે.

રીન્યુએબલ એનર્જી સ્ત્રોતની વિજળીનો ઉપયોગ કરીને પાણીમાં કરંટ સાથે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવામાં આવે છે અને તેમાં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન પણ થતું ન હોવાથી પ્રદૂષણ મોરચે રાહત રહે છે. ઝીરો ગેસ ઉત્સર્જનના ટારગેટ સાથે વિશ્વભરના દેશો સામૂહિક પ્રયત્ન કરી રહ્યા છે અને તેના ભાગરૂપે ગ્રીન હાઇડ્રોજનની પહેલ છે. ગ્રીન હાઇડ્રોજનના મોટાપાયે ઉત્પાદનમાં એમોનિયાની મોટી ભૂમિકા હોય છે.

નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના ભાગરૂપે કેન્દ્ર સરકારના પોર્ટ અને શીપીંગ મંત્રાલય દ્વારા કંડલા સ્થિત દિનદયાળ પોર્ટ, ઓડિશાના પેરાદિપ પોર્ટ તથા તામીલનાડુના ચિંદબરનાર પોર્ટની ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવા માટે પસંદગી-નિયુક્તિ કરવામાં આવી હતી. 2030 સુધીમાં ગ્રીન હાઇડ્રોજનના જનરેશન, સ્ટોરેજ તથા હેન્ડલીંગ સુવિધા ઉભી કરવાનો ટારગેટ છે.

કંડલા પોર્ટ દ્વારા રીન્યુ ઇફયુબલ, સ્ટેટક્રાફટ ઇન્ડિયા, વેલસ્પન ન્યુએનર્જી, સેમ્બકોર્પ ગ્રીન હાઇડ્રોજન, ટોરંટ પાવર, એનટીપીસી ગ્રીન એનર્જી તથા ગ્રીનકો ગ્રુપ સહિતની કંપનીઓ સાથે 13 કરાર કરવામાં આવ્યા હતા.

પોર્ટ અને શીપીંગ મંત્રાલય દ્વારા ગ્રીન શીપીંગ માટે પણ એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે. આ માટે સૌર-પવન જેવી રીન્યુએબલ ઉર્જાના વધુ ઉપયોગ તથા ઇલેકટ્રીક, એલએનજી અને સીએનજીના વપરાશ વધારવા પર ભાર મુકવામાં આવ્યો છે. બંદર ખાતે ભવિષ્યમાં હાઇડ્રોજન તથા એમોનિયાનો ઇંધણ તરીકે ઉપયોગ કરવાનો પણ ટારગેટ છે.

ભારતના ગ્રીન હાઇડ્રોજન મિશનમાં દેશને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનું વૈશ્વિક હબ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે તેના આધારે ઇંધણ-ઉર્જાની આયાત ઘટાડીને અર્થતંત્રને લાભ કરાવવાનો ટારગેટ છે. 2030 સુધીમાં  પાંચ મીલીયન ટન હાઇડ્રોજન ઉત્પાદનનો ટારગેટ નક્કી કરવામાં આવ્યો છે, સાથોસાથ રીન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતામાં 8 લાખ કરોડના ખર્ચે 125 ગીગાવોટનો વધારો કરવાનું લક્ષ્ય છે.