ઓલ્ડ ઈઝ ગોલ્ડ! જુની સોસાયટીના રીડેવલપમેન્ટનો વધતો ટ્રેન્ડ

ઓલ્ડ ઈઝ ગોલ્ડ! જુની સોસાયટીના રીડેવલપમેન્ટનો વધતો ટ્રેન્ડ
ઓલ્ડ ઈઝ ગોલ્ડ! જુની સોસાયટીના રીડેવલપમેન્ટનો વધતો ટ્રેન્ડ

માત્ર અમદાવાદમાં જ 50 પ્રોજેકટો ફાઈનલ; 400 જુની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની વાટાઘાટો અંતિમ તબકકામાં

ગુજરાતમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ધમધમાટ અને વર્ષોવર્ષ જમીન-મકાનના વધતા ભાવો વચ્ચે જુની સોસાયટીઓના રીડેવલપમેન્ટનો ટે્રન્ડ પુરજોશમાં છે. માત્ર અમદાવાદમાં જ છેલ્લા આઠ માસમાં 50 સોસાયટીનું રીડેવલપમેન્ટ ફાઈનલ થયુ છે અને 400 સોસાયટીઓમાં વાટાઘાટો ચાલુ છે.

રીયલ એસ્ટેટ ક્ષેત્રનાં નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે અમદાવાદને લાગેવળગે છે ત્યાં સુધી નવરંગપુરા, નારણપુરા, પાલડી, મેમનગર જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં જુની સોસાયટીઓ છે અને રીડેવલપમેન્ટની મોટી તક છે. વધુને વધુ સોસાયટીઓ રીડેવલપમેન્ટના માર્ગે આગળ ધપી રહી છે. પરીણામે આ વિસ્તારોનાં જુના આવાસ-ફલેટની કિંમતોમાં પણ મોટો વધારો થઈ રહ્યો છે.

આ વિસ્તારોમાં આવાસ ખરીદવાના પ્લાન કરનારા ગ્રાહકો તપણ મહાનગરના આવા મધ્યમાં-પોશ વિસ્તારનાં જુના મકાન-ફલેટ લેવાનો ટ્રેન્ડ આપનારના થઈ ગયા છે.  અર્બન રીડેવલપમેન્ટ હાઉસીંગ સોસાયટી વેલ્ફેર એસોસીએશનનાં પ્રમુખ જીતેન્દ્ર શાહે કહ્યું કે રાજયમાં જંત્રીદરમાં વધારો થતાં થોડો વખત રીડેવલપમેન્ટ પ્રોજેકટોનાં વ્યવહારો અટકી ગયા હતા.

કારણ કે બિલ્ડરોને નવી-વધારાની એફએસઆઈ મોંઘી પડવા લાગી હતી. જોકે હવે ફરી સ્થિતિ નોર્મલ થઈ ગઈ છે. છેલ્લા આઠ મહિનામાં અમદાવાદની 50 સોસાયટીઓના રીડેવલપમેન્ટ ફાઈનલ થઈ ગયા છે અને 400 સોસાયટીઓમાં વાટાઘાટો આખરી તબકકામાં છે.

હાઈકોર્ટનાં તાજેતરનાં ચુકાદાથી પ્રોજેકટો ઝડપથી આગળ ધપવા લાગ્યા છે. 75 ટકા ફલેટ માલીકો મંજુરી આપે તો રીડેવલપમેન્ટમાં અન્ય કોઈ અડચણ ન નાખી શકે તેવો વડી અદાલતનો ચુકાદો છે. આવતા વર્ષોમાં નવા ઘણા રીડેવલપમેન્ટ પ્રોજેકટ આકાર પામે તેવી શકયતા છે.

 અનેક રીડેવલપમેન્ટ પ્રોજેકટ સાથે સંકળાયેલા ડેવલપર જીગર ભરવાડે કહ્યું કે નવરંગપુરા, પાલડી, નારણપુરા,જેવા વિસ્તારો પોશ ગણાય છે અને સારી કનેકટીવીટી-ઈન્ફ્રાસ્ટ્રકચર ધરાવે છે. લોકો પણ આ હકીકતથી વાકેફ હોવાથી રીડેવલપમેન્ટ માટે તૈયાર થઈ જાય છે.

અમદાવાદનાં જાણીતા ડેવલપર કાર્તિક સોનીએ કહ્યું કે છેલ્લા મહિનાઓમાં રીડેવલપમેન્ટ ડીલ્સમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. મેં ખુદ સાત ડીલ કરી છે અને તેમાંથી 3 માં કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે.પાર્કીંગ અને અન્ય એમ્નેટીઝને કારણે અત્યાર સુધી લોકો નવા પ્રોજેકટ પસંદ કરતા હતા. પરંતુ જુની 40 સોસાયટી જ નવી બને તો લોકોને કોઈ વાંધો નથી.

 પ્રોપર્ટી માર્કેટમાં તેજી તથા જંત્રીદરમાં વધારાને પગલે ગુજરાતમાં સ્ટેમ્પ ડયુટી કલેકશનમાં 60 ટકા જેવો ધરખમ વધારો થયો છે. ગુજરાત સરકારને પ્રોપર્ટીની રજીસ્ટ્રેશન ફી તથા સ્ટેમ્પ ડયુટી પેટે 13731.63 કરોડની આવક થઈ છે. 2023-24 ના નાણાવર્ષમાં રજીસ્ટર્ડ દસ્તાવેજોની સંખ્યા પણ 35 ટકા વધીને 18.26 લાખની થઈ છે.

રાજય સરકારના સતાવાર રીપોર્ટ પ્રમાણે 2022-23 માં સરકારને સ્ટેમ્પ ડયુટી રજીસ્ટ્રેશન ફી પેટે 8559.65 કરોડની આવક થઈ હતી. 2023-24 માં તેમાં 5171.97 કરોડનો વધારો થયો હતો. જે પૈકી સ્ટેમ્પ ડયુટીની વસુલાત 4447.87 કરોડ તથા રજીસ્ટ્રેશન ફીની વસુલાત 742.10 કરોડ વધી હતી.

દસ્તાવેજોની સંખ્યાને લાગે વળગે છે.ત્યાં સુધી રાજયમાં 2023-24 માં 1826306 પ્રોપર્ટી-દસ્તાવેજો નોંધાયા હતા જે સંખ્યા ગત વર્ષમાં 13,43,143 હતી. અર્થાત વર્ષ દરમ્યાન 4,82,163 વધુ દસ્તાવેજો નોંધાયા હતા.

સ્ટેમ્પ ડયુટી સુપ્રિન્ટેન્ડન્ટ તથા પ્રોપર્ટી વ્યવહારો-દસ્તાવેજોમાં વૃધ્ધિને કારણે સરકારની સ્ટેમ્પ ડયુટીની આવકમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2023 થી સરકારે જંત્રીદરમાં સરેરાશ 100 ટકાનો વધારો કર્યો હતો.