એમ.ડી.ડ્રગ્સની ડીલ થતી હતી ત્યારે પોલીસને જોઈને બે જણા રૂ.1કરોડનું ડ્રગ્સ ફેંકીને ભાગ્યા

એમ.ડી.ડ્રગ્સની ડીલ થતી હતી ત્યારે પોલીસને જોઈને બે જણા રૂ.1કરોડનું ડ્રગ્સ ફેંકીને ભાગ્યા
એમ.ડી.ડ્રગ્સની ડીલ થતી હતી ત્યારે પોલીસને જોઈને બે જણા રૂ.1કરોડનું ડ્રગ્સ ફેંકીને ભાગ્યા

 સુરત શહેર એસઓજી અને પીસીબીએ રામપુરા લાલમીયા મસ્જીદ સામે મદ્રેસા ઇસ્માલીયા સૂફીબાગ પાસેથી ગતરોજ રૂ.1 કરોડનું જે એમ.ડી.ડ્રગ્સ ઝડપી પાડયું હતું તે ઉચ્ચ ક્વોલીટીનું હતું.અખાડા મહોલ્લાના શહેબાઝ ખાન અને ડ્રગ ડીલર કાસીફ શેખ વચ્ચે એમ.ડી.ડ્રગ્સની ડીલ થતી હતી ત્યારે જ પોલીસને જોઈ બંને ડ્રગ્સ ભરેલી બેગ ફેંકી અને પોતાના વાહનો મૂકી ભાગી ગયા હતા.પોલીસે તેમનો પીછો કર્યો હતો પણ સ્થાનિક હોય ભાગવામાં સફળ રહ્યા હતા.પોલીસે ડ્રગ્સ, ત્રણ મોબાઈલ ફોન, બાઈક, મોપેડ અને પ્રેસનું કાર્ડ મળી કુલ રૂ.1.02 કરોડનો મુદ્દામાલ કબજે કરી બંનેને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.

એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એએસઆઈ ઈમ્તીયાઝ ફકરૂમહમદ અને હેડ કોન્સ્ટેબલ જગશીભાઈ શાંતીભાઈને મળેલી બાતમીના આધારે સુરત શહેર પીસીબી અને એસઓજીએ ગત બપોરે રામપુરા લાલમીયા મસ્જીદ સામે મદ્રેસા ઇસ્માલીયા સૂફીબાગ પાસે વોચ ગોઠવી હતી.બાતમી મુજબ અખાડા મહોલ્લા તરફથી બાઈક ( નં.જીજે-05-પીઆર-9370 ) ઉપર આવેલા શહેબાઝ ઈર્શાદ હુસૈન ખાન ( રહે.અખાડા મહોલ્લા, સુફી બાગ મદ્રેસાની સામે, રામપુરા, સુરત ) એ બર્ગમેન મોપેડ ( નં.જીજે-05-એનવી-9015 ) ઉપર ખભે લેપટોપ બેગ લઈ આવેલા મો.કાસીફ ઈકબાલ ઉર્ફે પસીના શેખ ( રહે.રામપુરા, સુરત ) સાથે વાત કરી તેની પાસેની બેગ લીધી તે સમયે જ તેમની નજર ત્યાં વોચમાં રહેલી પોલીસ ઉપર પડી હતી.પોલીસને જોઈ શહેબાઝે લેપટોપ બેગ ફેંકી હતી અને બંને પોતાના વાહનો ત્યાં જ રહેવા દઈ અખાડા મહોલ્લાની ગલીઓમાં ભાગ્યા હતા.આથી પોલીસે તેમનો પીછો કર્યો હતો.પણ બંને સ્થાનિક હોય ભાગવામાં સફળ રહ્યા હતા.

પોલીસે શહેબાઝે ફેંકેલી લેપટોપ બેગ ખોલીને જોતા તેમાંથી એક કિલોગ્રામ ઉચ્ચ ક્વોલીટીનું એમ.ડી,ડ્રગ્સ મળ્યું હતું.પોલીસે કાસીફ્ની બર્ગમેન મોપેડની ડીકીની જડતી લેતા તેમાંથી તેના ત્રણ મોબાઈલ ફોન મળ્યા હતા.પોલીસે શહેબાઝના બાઈકની જડતી લેતા તેના ટુલબોક્ષમાંથી તેના ફોટા સાથેનો નેશનલ એન્ટી ક્રાઈમ એન્ડ હ્યુમન રાઈટસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા ( ફાઇટ પર જસ્ટીસ ) સંસ્થાએ ઈસ્યુ કરેલો પ્રેસનો કાર્ડ મળ્યો હતો.પોલીસે ડ્રગ્સ, ત્રણ મોબાઈલ ફોન, બાઈક, મોપેડ અને પ્રેસનું કાર્ડ મળી કુલ રૂ.1,02,30,000 નો મુદ્દામાલ કબજે કરી આ અંગે લાલગેટ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.હાલ એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચે બંનેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હોવાનું સંયુક્ત પોલીસ કમિશનર ( ક્રાઈમ ) રાઘવેન્દ્ર વત્સે જણાવ્યું હતું. કાસીફ છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો વેપાર કરતો હોવાનું જાણવા મળ્યું છે.તે જે ડ્રગ્સ આપતો હતો તે કોઈક ફાર્માસ્યુટીકલ કંપનીમાં તૈયાર કરી ચોક્કસ નેટવર્ક દ્વારા મોકલાતું હતું.પોલીસને કાસીફના બર્ગમેન મોપેડની ડીકીમાંથી તેના ત્રણ મોબાઈલ ફોન મળ્યા છે તે ઉચ્ચ ક્વોલીટીના એમ.ડી.ડ્રગ્સના સુરતના નેટવર્કના તમામ રહસ્યો ખોલશે.સૂત્રોના જણાવ્યા મુજબ ઉચ્ચ ક્વોલીટીના ડ્રગ્સમાં અન્ય નશાકારક પદાર્થો ઉમેરી તેનું વજન બમણું કરી બાદમાં તેની પડીકીઓ બનાવી પેડલર મારફતે છૂટક વેચી નફો મેળવાય છે.