ઋતુરાજ ગાયકવાડે 5 વર્ષની લાંબી રાહનો અંત આણ્યો, તોડ્યો મોટો રેકોર્ડ

ઋતુરાજ ગાયકવાડે 5 વર્ષની લાંબી રાહનો અંત આણ્યો, તોડ્યો મોટો રેકોર્ડ
ઋતુરાજ ગાયકવાડે 5 વર્ષની લાંબી રાહનો અંત આણ્યો, તોડ્યો મોટો રેકોર્ડ

IPLના ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સ એવી ટીમ બની ગઈ છે જેના કેપ્ટને સૌથી લાંબા અંતર (5 વર્ષ) પછી ટીમ માટે ફિફ્ટી ફટકારી હોય. ટીમના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે કોલકાતા સામે ફિફ્ટી ફટકારીને પાંચ વર્ષની આ લાંબી રાહનો અંત કર્યો છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન તરીકે 2019માં ફિફ્ટી ફટકારી હતી.

તમામ ચાહકો ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચની રાહ જોઈ રહ્યા હતા. કારણ કે એક તરફ ગૌતમ ગંભીરનું કોલકાતા હતું, જે તેના શાનદાર પ્રદર્શનને કારણે અત્યાર સુધી અજેય હતું. બીજી તરફ મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સારી શરૂઆત બાદ પોતાની ખોવાયેલી લય શોધી રહી હતી. કેપ્ટન ગાયકવાડ પણ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો. જોકે આ મેચમાં ઋતુરાજે અણનમ 67 રન બનાવ્યા અને ચેન્નાઈને આસાન વિજય અપાવ્યો. આ ફિફ્ટી સાથે તેણે ચેન્નાઈનો ખરાબ રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.

વાસ્તવમાં, પાંચ વર્ષની લાંબી રાહ બાદ CSKના કેપ્ટને ટીમ માટે અડધી સદી ફટકારી છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોની અને રવીન્દ્ર જાડેજાએ કેપ્ટનશીપ કરતાં ફિફ્ટી ફટકારી હતી. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં બંનેમાંથી કોઈ પણ ફિફ્ટી ફટકારી શક્યું નથી. છેલ્લી વખત ધોનીએ 2019ની IPL સિઝનમાં કેપ્ટન તરીકે ફિફ્ટી ફટકારી હતી. જો કે ધોનીએ 2022માં પણ ફિફ્ટી બનાવી હતી, પરંતુ તે સમયે જાડેજા ટીમનો કેપ્ટન હતો. ગાયકવાડે પોતાની ફિફ્ટી સાથે ટીમની આ લાંબી રાહનો અંત કર્યો છે.

IPLના ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સ એવી ટીમ બની ગઈ છે જેના કેપ્ટને સૌથી લાંબા અંતર (5 વર્ષ) પછી ટીમ માટે ફિફ્ટી ફટકારી હોય. અગાઉ આ રેકોર્ડ બે ટીમો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) પાસે હતો. IPL સિઝન 2008 થી 2012 (4 વર્ષ) સુધી RCBનો કોઈ કેપ્ટન ફિફ્ટી ફટકારી શક્યો નથી. આ પછી, IPL સિઝન 2016 થી 2020 (4 વર્ષ) સુધી પંજાબનો કોઈ કેપ્ટન આમ કરી શક્યો નથી.

ગાયકવાડે ચેન્નાઈને આ સિઝનની ત્રીજી જીત અપાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે KKR સામેની તેની ઈનિંગને ભાવનાત્મક ક્ષણ ગણાવી હતી. ચેન્નાઈ માટે પ્રથમ ફિફ્ટી યાદ કરતાં તેણે કહ્યું કે મેં આ ટીમ માટે પહેલીવાર અડધી સદી ફટકારી ત્યારે પણ માહી ભાઈ બીજા છેડે ઊભા હતા.