ઉંચા વળતરની લાલચ આપીને 38 લોકો સાથે 7.44 કરોડની ઠગાઈ: અમરેલીનો શખ્સ ઝબ્બે

ઉંચા વળતરની લાલચ આપીને 38 લોકો સાથે 7.44 કરોડની ઠગાઈ: અમરેલીનો શખ્સ ઝબ્બે
ઉંચા વળતરની લાલચ આપીને 38 લોકો સાથે 7.44 કરોડની ઠગાઈ: અમરેલીનો શખ્સ ઝબ્બે

આકર્ષક વળતરની લાલચ આપીને 38 જેટલા લોકો સાથે સાત કરોડનું કૌભાંડ આચરનાર અમરેલીના રવિરાજસિંહ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે અને 15મી એપ્રિલ સુધી રીમાંડ પર સોંપવામાં આવ્યો છે.

રાજયના સીઆઈડી ક્રાઈમની આર્થિક અપરાધ નિવારણ શાખાએ તેની અમરેલીની ધરપકડ કરી હતી. રવિરાજસિંહ વાઘેલાએ બ્રિટનમાં કંપની રજીસ્ટર્ડ હોવાનું જણાવીને તેમાં રોકાણ કરવા તથા તેના બદલામાં આકર્ષક વળતર આપવાનુ કહીને લોકોને લલચાવ્યા હતા. બ્રિટનમાં રાઈટ ગ્રુપ ફાઈનાન્સીયલ લીમીટેડ નામે ફોરેકસનો વ્યવહાર કરતી કંપની હોવાનું અને માસિક 5થી7 ટકા રીટર્ન મળવાનું દર્શાવ્યું હતું.

અમદાવાદ, ભાવનગર, પંજાબ તથા દુબઈમાં ઓફિસ હોવાનું પણ કહ્યું હતું. લોકોનો ભરોસો જીતવા માટે ઈન્વેસ્ટરોને આઈડી પાસવર્ડ આપ્યા હતા અને તેના મારફત નાણા જમા કરાવવા કહ્યુ હતું અનેક પેઢીઓના નામે ખાતા હતા. આંગડીયા પેઢી મારફત નાણાં મુંબઈ ટ્રાન્સફર કરાતા હતા. ઈન્વેસ્ટરોનો વિશ્ર્વાસ જીતવા માટે થોડો વખત ‘રીટર્ન’ પેટે નાણાં આપ્યા હતા પછી પૈસા આપવાનું બંધ કરી દીધુ હતું.

નાણાં ગુમાવનારા ઈન્વેસ્ટરો પૈકી એક વ્યક્તિ દ્વારા ઓગસ્ટ 2023માં અમરેલી સાઈબરક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પંકજ વઘાસીયા, શક્તિસિંહ વાઘેલા, અક્ષરાજસિંહ વાઘેલા, ગૌરવ સોજીત્રા તથા વિજયસિંહ ગોહિલના નામ અપાતા તેઓની આઈપીસીની કલમ 34,403,409 તથા 420 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

છેતરપીંડીનો ભોગ બનેલા 38 લોકોએ આર્થિક અપરાધ નિવારણ શાખાનો સંપર્ક કર્યો હતો. આ લોકોએ 7.44 કરોડ ગુમાવ્યા છે. તેન વટાળીયા તથા ઉમેશ નામના બે શખ્સો હજુ ફરાર છે.