ઉંચા ભાવનો ફટકો: માત્ર 150 કિલો સોનુ વેચાયુ

ઉંચા ભાવનો ફટકો: માત્ર 150 કિલો સોનુ વેચાયુ
ઉંચા ભાવનો ફટકો: માત્ર 150 કિલો સોનુ વેચાયુ

સોનાના ભાવમાં ગઈકાલે અક્ષયતૃતિયાના દિને જ દસ ગ્રામે 1000 રૂપિયાનો અસામાન્ય ભાવવધારો થયો હતો. પરિણામે ડીમાંડને મોટો ફટકો પડયો હતો. ગત વર્ષે અક્ષયતૃતીયાની સરખામણીએ આ વખતે માંડ ત્રીજા ભાગની ખરીદી થઈ હતી.

ઈન્ડીયન બુલીયન એન્ડ જવેલર્સ એસોસીએશને એવો અંદાજ દર્શાવ્યો છે કે ગત વર્ષે અક્ષયતૃતીયા પર 450 કિલો સોનુ વેચાયુ હતું. આ વખતે માંડ 150 કિલોનું વેચાણ થયુ હતું. ગઈકાલના પવિત્ર દિવસે જ ભાવમાં અસામાન્ય ઉછાળો આવતા ડીમાંડને મોટો ફટકો પડયો હતો.

વિશ્વબજારમાં સોનુ 2375 ડોલરે પહોંચવા સાથે ઘરઆંગણે ભાવ ઘટીને 75500 થયો હતો. અમેરિકા વ્યાજદર ઘટાડશે તેવા આશાવાદથી સોનુ ઉંચકાયુ હતું. ભૌગોલિક ટેન્શનની સ્થિતિમાં સોનુ સુરક્ષિત રોકાણ હોવાથી ખરીદી વધી હતી. ભારત સહિત વિશ્ર્વભરની સેન્ટ્રલ બેંકો ખરીદી કરતી હોવાનું પણ એક કારણ હતું.

સંગઠનના ડાયરેકટર હરેશ આચાર્યએ જણાવ્યું હતું કે સોનાના કુલ વેચાણમાં 60 ટકા વેચાણ બિસ્કીટ તથા સિકકાનું હતું. ઉંચા ભાવને કારણે પવિત્ર દિવસે શુકનવંતી ખરીદી કરવા બજારમાં આવેલા ગ્રાહકોએ હળવા વજનની ખરીદી કરીને મુર્હુત સાચવ્યાની છાપ હતી.

આમેય કેટલાક વખતથી લોકો હળવા વજનના દાગીના ખરીદવાનું વલણ ધરાવતા થઈ જ ગયા છે. 22 કેરેટને બદલે 16 કે 18 કેરેટના દાગીનાનું ચલણ વધ્યુ છે. ઈન્વેસ્ટમેન્ટ હેતુસરની ખરીદી બિસ્કીટ તથા સિકકામાં થઈ હતી.

ઝવેરીઓના કહેવા પ્રમાણે સોનાના ભાવ વધ્યા ન હોત કે સ્થિર રહ્યા હોત તો ઘરાકી સારી રહેવાની શકયતા હતી. સોના કરતા ચાંદીમાં પ્રમાણમાં વધુ ડીમાંડ જોવા મળી હતી.

છેલ્લા સાત વર્ષમાં સોનાના ભાવ ‘ડબલ’ કરતા પણ વધી ગયા

વર્ષ…ભાવ

2018…32000

2019…32300

2020…46527

2021…49500

2022…50800

2023…62000

2024…75500