આરોપીને માસુમબાળા સાથેના દુષ્કર્મ માટે 20 વર્ષની કેદ

આરોપીને માસુમબાળા સાથેના દુષ્કર્મ માટે 20 વર્ષની કેદ
આરોપીને માસુમબાળા સાથેના દુષ્કર્મ માટે 20 વર્ષની કેદ

 ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પડવા ગામે રહેતા ફરિયાદીની 10 વર્ષથી નાની ઉંમરની સગીર ભત્રીજી સહિતના બાળકોને બટુક ભોજન લેવાના બહાને આરોપી અજયસિંહ ગંભીરસિંહ ગોહિલ (રહે.પડવા, તા.ઘોઘા) ગામમાં આવેલ સ્વામિનારાયણ મંદિરે લઈ ગયેલ. જ્યાં ભોગ બનનાર બાળાને મંદિરના ઉપરના ઓરડામાં લઈ જઈ સાફ-સફાઈ કરાવી લોલીપોપ આપેલ અને ત્યારબાદ આરોપીએ માસુમ બાળા સાથે વિકૃત રીતે દુષ્કર્મ આચરેલ. આ અંગે ઘોઘા પોલિસ મથકે ઈ.પી.કો. કલમ-376(એ)(બી) તથા પોકસો એકટની કલમ-4, 6 અને 12 મુજબના ગુન્હાની ફરિયાદ નોંધવામાં આવેલ. જેની તપાસ પૂર્ણ થતાં અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવેલ અને તેના આધારે ટ્રાયલ ચલાવવામાં આવી હતી. સદરહુ ટ્રાયલ દરમિયાન દસ સાહેદોની જુબાની લેવાયેલ અને બત્રીસ દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખવામાં આવેલ.આજરોજ સરકારી વકીલ વિજય જી. માંડલીયા અને ધ્રુવ મહેતા તથા ફરિયાદીના વકીલ અરૂણા ડી. ચૌહાણની ધારદાર દલીલોને માન્ય રાખી ચોથા એડિ. સેશન્સ જજ એમ.પી. મહેતા સાહેબની અદાલતે આખરી ચૂકાદો ફરમાવેલ અને તે મુજબ અદાલતે આરોપીને પોકસો એકટની કલમ-4, 6 અને 12 અન્વયે તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. 50 હજાર ના દંડની સજા ફરમાવેલ છે. આ સાથે વિકટીમ કોમ્પેન્સેશન અન્વયે ભોગ બનનાર બાળાને રૂા.4.50 લાખનું વળતર ચૂકવવા અદાલતે હુકમ ફરમાવેલ.