આજથી સરકારી કચેરીઓમાં મીની વેકેશન જેવો માહોલ

આજથી સરકારી કચેરીઓમાં મીની વેકેશન જેવો માહોલ
આજથી સરકારી કચેરીઓમાં મીની વેકેશન જેવો માહોલ

ભાવનગર : સરકારી કચેરીઓમાં નાના-મોટા તહેવારોની રજા આવતી હોય છે અને કયારેક સળંગ રજા આવી જતી હોય છે, જયારે કયારેક એકાદ દિવસની રજા મુકતા સળંગ રજા મળી જતી હોય છે તેથી સરકારી કર્મચારીઓને જલ્સા પડી જતા હોય છે, હાલ આવુ જ સરકારી કર્મચારીઓમાં જોવા મળી રહ્યુ છે. આવતીકાલ મંગળવારથી સરકારી કચેરીઓમાં મીની વેકેશન જેવો માહોલ જોવા મળશે. સરકારી કચેરી ચાર દિવસ બંધ છે તેથી આગામી શુક્રવારે રજા મુકનાર કર્મચારીને સળંગ પાંચદિવસની રજા મળશે.  

ભાવનગર સહિત રાજ્યભરમાં આગામી તા. ૧૦ થી ૧૪ એપ્રિલ દરમિયાન મહાપાલિકા, જિલ્લા પંચાયત, આરટીઓ, બહુમાળી ભવન સહિતની સરકારી કચેરીઓમાં રજા જેવો માહોલ જોવા મળશે, જેમાં આવતીકાલે બુધવારે ચેટીચાંદ પર્વની જાહેર રજા છે, આગામી ગુરૂવારે રમઝાન ઈદની જાહેર રજા રહેશે. આગામી શુક્રવારે સરકારી કચેરી શરૂ રહેશે, ત્યારબાદ ચોથા શનિવાર અને રવિવારની રજા રહેશે. પાંચ દિવસમાંથી ચાર દિવસ સરકારી કચેરી બંધ રહેશે. આગામી શુક્રવારે એક દિવસની રજા મુકનાર કર્મચારીઓને સળંગ પાંચ દિવસની રજા મળશે. મોટાભાગના સરકારી કર્મચારીઓ રજાની રાહ જોતા હોય છે અને રજા મળતા જ ફરવા જવાનુ આયોજન બનાવતા હોય છે. ફરવા જવાની કે પોતાના વતનમાં જનાર મોટાભાગના કર્મચારીઓ એકાદ દિવસની રજા મુકી દેતા હોય છે અને મીની વેકેશન માણતા હોય છે. 

આગામી શુક્રવારે સરકારી કચેરી શરૂ છે પરંતુ ઘણા કર્મચારીઓ રજા પર જવાના મુડમાં હોવાથી સરકારી કચેરીઓમાં સન્નાટો જોવા મળશે તેમ જણાય રહ્યુ છે. આગામી સોમવારથી સરકારી કચેરીઓ ફરી ધમધમતી થશે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર મહાપાલિકા દ્વારા રજાના દિવસોમાં પણ મિલ્કત વેરો વસુલવા માટે બારીઓ ખુલ્લી રાખવામાં આવશે તેથી કરદાતાઓ રજામાં પણ મિલ્કત વેરો ભરી રીબેટ યોજનાનો લાભ લઈ શકશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. 

ભાવનગર સહિત ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી તા. ૭ મેના રોજ યોજાવાની છે તેથી હાલ ચૂંટણી કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચૂંટણી દરમિયાન ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને રજા મળતી નથી તેથી ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓની રજાની મજા બગડશે તેમ જણાય રહ્યુ છે.