પરષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સમાજ વિશે કરેલ નિવેદનનો મામલો કોર્ટમાં પહોંચ્યો : બદનક્ષીની ફરિયાદ

લાઠી સ્ટેટના રાજા – મહારાજાના ભાયાત આદિત્યસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલે રાજકોટની કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા જુબાની નોંધાઇ: અદાલતે આઇપીસી 499, 500 મુજબની ઈન્કવાયરી રજીસ્ટરે લઈને વધુ સાક્ષી પુરાવા રજુ કરવા માટે કેસ મુલત્વી રાખ્યો

રાજકોટના રહીશ અને મૂળ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ખીજડીયા ગામના વતની આદિત્યસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલે રાજકોટની કોર્ટમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સામે ફરિયાદ દાખલ કરી છે.

આદિત્યસિંહના એડવોકેટે જણાવ્યું કે, આદિત્યસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ લાઠી સ્ટેટના રાજા – મહારાજાના ભાયાત (વંશજો) છે. તાજેતરમાં તા.24/3/2024 ના રોજ સોશ્યલ મીડિયામાં એક વીડીયો વાયરલ થયેલ જે વીડીયોમાં પરસોત્તમભાઈ ખોડાભાઈ રૂપાલા (રહે.ઈશ્ર્વરીયા મહાદેવ તા.જી.અમરેલી)એ ક્ષત્રિય સમાજની વિરૂધ્ધમાં વાણી વિલાસ કરીને જાહેર સભામાં મત મેળવવાની લાલચે અને ક્ષત્રિય સમાજને નીચા બતાવેલ તે પ્રકારનો વીડિયો વાયરલ થતા અને આ બાબતે ફરીયાદી આદિત્યસિંહ ગોહિલના માન સન્માન અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચેલ હોય.

તેથી તેઓએ રાજકોટ જયુ.મેજી.ફર્સ્ટ કલાસ સમક્ષ પરસોતમભાઈ રૂપાલાની સામે આઈ.પી.સી ની કલમ 499, 500 મુજબ ફરીયાદ ગુજારેલ હોય જે ફરીયાદમાં કોર્ટેએ ફરીયાદી આદિત્યસિંહ ગોહિલની જુબાની નોંધેલ અને ઈન્કવાયરી રજીસ્ટરે લઈને વધુ સાક્ષી પુરાવા રજુ કરવા માટે કેસ મુલતવી રાખેલ છે. આ ફરિયાદમાં મુળ ફરીયાદપક્ષે એડવોકેટ સંજય એચ. પંડયા તથા જયદેવસિંહ ચોહાણ રોકાયેલ છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પરુષોત્તમ રૂપાલાનું નામ જાહેર કર્યું છે. ત્યારે પરસોત્તમભાઈએ રાજકોટ પંથકમાં મોટા પાયે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધી છે. થોડા દિવસ અગાઉ રાજકોટમાં આયોજિત એક સમાજના કાર્યક્રમમાં પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું.

જેના કારણે રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સમગ્ર ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ક્ષત્રિય આગેવાનોએ પત્રકાર પરિષદો કરી રાજકોટ લોક સભા બેઠક પરથી પરસોત્તમભાઈને ભાજપના ઉમેદવાર તરીકે હટાવવા માંગ કરી છે.

ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારોએ એકત્ર થઈ આગામી સમયમાં વધુ મજબૂત વિરોધ કરવા પણ નક્કી કર્યું છે. ત્યારે હવે આ મામલો કોર્ટમાં પહોંચતા કાનૂની લડાઈ પણ શરૂ થઈ છે.

by Saurashtra kranti