દિલ્હી અને અન્ય રાજ્યોમાં વ્હાઈટ કોલર ક્રાઈમની તપાસ થાય તો ગુજરાતમાં કેમ નહીં?

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

સૌરાષ્ટ્રમાં મલ્ટીલેવલ માર્કેટિંગનાં નામે કરોડો ગુમાવનાર રોકાણકારોને ન્યાય ક્યારે?: બહારનાં રાજ્યોમાંથી આવેલી અનેક પેઢીઓ ધોળે દિવસે લૂંટ કરીને પલાયન થઇ!

રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં હજારો ગરીબ અને મધ્યમ વર્ગી પરિવારોએ જીવનની મૂડી ગુમાવી દીધા હોવાના ઉદાહરણ ગલ્લીએ-ગલ્લીએ મોજુદ: સિફત પૂર્વક ચાલાકીથી સભ્યપદનાં પીરામિડ બનાવી લોકોનાં ખિસ્સા ખંખેરવાની બહુ મોટી ઠગાઈ પ્રક્રિયા થકી લાખો લોકોને કરોડોમાં નવડાવી નાખ્યા, તંત્ર કેમ મૌન?

છેતરનારા કંપનીઓનાં એજન્ટોને વીણી-વીણીને પકડવા જરૂરી, પોલીસ ધારે તો સામેથી ફરિયાદ નોંધીને ઠગ કંપનીઓનાં લોકલ મળતિયા થકી કંપનીનાં બોસ સુધી પહોંચી શકે છે

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા લગભગ એકાદ દાયકાનાં સમયગાળામાં મલ્ટીલેવલ માર્કેટિંગનાં રૂપાળા નામના ઓઠા હેઠળ હજારો લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરી હોવા છતાં છટકી ગયેલી અનેક એમએલએમ કંપનીઓ અને તેના સંચાલકો સામે આજદિન સુધીમાં સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં કોઈપણ પ્રકારની તપાસ પોલીસ તંત્ર કે સરકારનાં નાણા વિભાગ દ્વારા કરાવવામાં આવી નથી.

તાજેતરમાં કેન્દ્ર સરકારે નવા કાયદા અંતર્ગત દિલ્હી અને એમપી જેવા રાજ્યોમાં આવી ઠગભગત કંપનીઓ સામે પગલા લેવાની તાકીદ કરી છે. ત્યારે આવી કંપનીઓ દ્વારા સૌથી વધુ છેતરપીંડીનાં કારનામાં જ્યાં કરવામાં આવ્યા છે. એવા ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ અને સૌથી વધુ આવી તપાસની જરૂરિયાત અનુભવાઈ રહી છે. ગુજરાતમાં એક તબક્કે ભોળા રોકાણકારોનાં મગજ પર આવી બનાવટી અને ફ્રોડ કંપનીઓએ એવી ભૂરકી છાંટી હતી કે, અનેક લોકો મલ્ટીલેવલ માર્કેટિંગનાં રોકાણનાં ચકરમાં બરાબરનાં ફસાઈ ગયા હતા. કેટલાક પરિવારોએ તો જીવન મૂડી ગુમાવી દીધી હતી અને ઘણા એ તો ઘર પણ વેચી નાખ્યા હોવાના કિસ્સા જે તે સમયે બન્યા હતા.

કેન્દ્ર સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય લઈને દેશમાં સભ્યોનો પીરામીડ બનાવી નાણા ઉઘરાવતી કંપનીઓ પર બ્રેક લગાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના કારણે ગુજરાતમાં પણ અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આવી ગોટાળાબાજ કંપનીઓનાં ઝપટમાં આવી કિંમતી મૂડી ગુમાવી દેનારા લાખો રોકાણકારોનાં મનમાં ન્યાય મળવાની આશા જાગી ઉઠી છે. સૌરાષ્ટ્રમાં લગભગ 1 દાયકો એટલે કે 1990 થી 2000 સુધીમાં એક પછી એક કંપનીઓએ અન્ય રાજ્યોમાંથી અહીં આવીને એમએલએમ ની આંટીમાં ભોળા રોકાણકારોને ફસાવી દીધા હતા.

આ કંપનીઓ પૈકીની કેટલીક મુંબઈમાં તો કેટલીક ચેન્નાઈ, બેંગ્લોર, નાગપુર વગેરે મહાનગરોમાં હેડ ઓફીસ રાખીને બેઠી હતી. કંપનીઓ દ્વારા ખૂબ જ ખૂબી પૂર્વક અલગ-અલગ શહેરોમાં ઝાળ પાથરવામાં આવતી હતી. એમને સ્થાનિક ધોરણે મળતિયા પણ મળી જતા હતા.

કંપનીનાં આ કહેવાતા સ્થાનિક એજન્ટો ચમકતી દમકતી કાર લઈને અને સ્માર્ટ મોબાઈલ રાખી એવો દેખાવ ઉભો કરતા હતા કે એમને ટૂંકાગાળામાં મળેલી વ્યવસાયિક સફળતા એમએલએમ કંપનીમાં થયેલા રોકાણને આભારી છે. જો કે આવા એજન્ટોની વાત પણ લોકોને ભ્રમમાં નાખવા પુરતી જ રહેતી હતી. કેમકે ચોક્કસ કંપનીઓ દ્વારા નાણાંકીય પ્રલોભનો આપીને અને કાર વગેરે પ્રોવાઈડ કરીને આવા પગારદાર એજન્ટોનું નેટવર્ક ઉભું કરવામાં આવતું હતું. બાદમાં આ એજન્ટો એમની બનાવતી સમૃધ્ધિનો રોપ છાંટીને એક અલગ ગ્રુપ બનાવતા હતા.

એ ગ્રુપ એજન્ટની મોહ-જાળમાં ફસાઈને શિકાર શોધવાની પ્રક્રિયા શરૂ કરી દેતું હતું અને રોકાણકારોને ઓછા રોકાણમાં ઝડપી વધુ વળતરની લાલચો આપીને નાણા રોકવા માટે તૈયાર કરવામાં આવતા હતા. કેટલાક કિસ્સાઓમાં અમૂક રોકાણકારોને કંપનીનાં ષડ્યંત્ર મુજબ દર મહીને કે ત્રણ મહીને વળતર પણ અપાતું હતું. આ રીતે છાપ ઉભી કરીને એક શહેરમાંથી ચોક્કસ રકમ જમા થઇ ગયાનો ટાર્ગેટ પૂરો થઇ જતા રોકાણકારોને નવડાવી નાખવામાં આવતા હતા અને કંપનીએ શહેરમાંથી માયા સંકેલી લઈને અલોપ થઇ જતી હતી અને સાથે-સાથે કંપનીનાં સ્થાનિક મળતિયા એવા કહેવાતા ધનિક એજન્ટો પણ ભૂગર્ભ વાસી થઇ જતા હતા સૌરાષ્ટ્રમાં આવી કંપનીઓ દ્વારા રાજકોટ જેવા શહેરોમાં આધુનિક વિશાળકાય હોલમાં કાર્યક્રમ યોજવામાં આવતા હતા.

Read Local News / Articles : Saurashtra , Gujarat

જેમાં મુખ્ય એન્કર તરીકે કંપની તરફથી શબ્દોનાં બાણ છોડતો જોરદાર વક્તા રાખવામાં આવતો હતો. જે તેના પ્રવચનમાં કંપનીમાં રોકાણથી થતા ફાયદાનાં ભ્રમિત અને ખોટા આંકડા રજુ કરીને હોલમાં ઉપસ્થિત લોકોને અભિભૂત કરી દેતો હતો. આંકડા અને ફાયદાની રીતસર માયાજાળ રચવામાં આવતી હતી. દરિયામાંથી માછલી પકડવા જે રીતેજાળ ફેંકવામાં આવે છે એ રીતે પ્રલોભનો અને કહેવાતા ફાયદાની જાળ ફેંકીને હજારો રોકાણકારોને ફસાવી લેવામાં આવતા હતા. કંપનીમાં નાણા રોકવામાં આવ્યા બાદ તેની કોઈ રસીદ કે પહોંચ રોકાણકારને મળતા ન હતા. નાણાંકીય છેતરપીંડી માટે આ કંપનીઓએ એવી આબાદ તરકીબ કરી હતી કે, કંપનીએ આપેલા બેંકનાં ખાતામાં જઈને રોકાણકાર સામેથી દર મહીને પૈસા ભરી આવતો હતો.

આ નાણાની ત્રણ ગણી રકમ ત્રણ મહીને પાછી મળી જશે એવી મધલાળ આપવામાં આવતી હતી. નાટક બરાબર ભજવાતું રહે એ માટે હજારો રોકાણકારોમાંથી કેટલાક મુઠીભર લોકોને નાણા બોનસ સાથે પાછા મળી જતા હતા એટલે કે ત્રણ ગણી રકમ મળી જતી હતી. આવા લોકો વાસ્તવમાં કંપનીનાં મળતિયા એજન્ટો જ હતા. જે પોતાને મળી રહેલા વળતરનો જોરશોરથી પ્રચાર કરીને નવા શિકારની તલાસમાં રહેતા હતા.

આવી કંપનીઓની મોડેસ ઓપરેન્ડી મુજબ દરેક રોકાણકારને પહેલા ત્રણ સભ્યો બનાવવા અને તેની નીચે બીજા ત્રણ સભ્યો બનાવી આખું પીરામીડ તૈયાર કરવાની અને જંગી વળતર મળશે એવી લાલચ આપવામાં આવતી હતી. આ પધ્ધતિનાં કારણે તમામ ફાયદો કંપનીને જ થતો હતો અને ફરિયાદ તથા સજામાંથી બચવાની છટકબારી પણ કંપનીનાં ભાગે જ રહેતી હતી. કેમકે રોકાણકાર વ્યક્તિ કે વ્યક્તિઓનું જૂથ અથવા તો જે પીરામીડ તૈયાર થયું હોય તેના તમામ સભ્યો કંપનીનાં ખાતામાં જાતે નાણા ભરી આવતા હતા. એટલે કે નવડાવી નાખનાર કંપની સામે ફરિયાદ કઈ રીતે કરવી તેવો મોટો પ્રશ્ન અને સમસ્યા ઉભા થતા હતા.

કંપનીઓ આ રીતે વ્હાઈટ કોલર ક્રાઈમ કરીને સૌરાષ્ટ્રમાંથી કરોડો રૂપિયા ગુપ્ચાવીને માયાજાળ સંકેલી પલાયન થઇ ગઈ છે. ધોળે દિવસે સરાજાહેર હજારો લાખો લોકો લુંટાયા છે. પરંતુ કંપનીની ભેજાબાજ ઠગાઈ તરકીબને કારણે કોઈ ફરિયાદ થઇ નથી. દેશભરમાં આવા કૌભાંડો થયા હોવાથી છેવટે કેન્દ્ર સરકારનું ધ્યાન ખેંચાયું છે અને આવી મલ્ટીલેવલ માર્કેટિંગ કરતી કંપનીઓ પર કાનૂની ગાળીઓ કસવામાં આવી રહ્યો છે.

Read About Weather here

અત્યારે તો કેન્દ્ર સરકારે આવી કંપનીઓને પીરામીડ રચવાની મનાઈ ફરમાવી છે. આવી કંપનીઓનાં ગોરખધંધા અને નાણાંકીય ઉચ્ચાપત દ્વારા લોકોને નવડાવી નાખવાની તરકીબોઅંગે તપાસ પણ કરવામાં આવી રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં આવા હજારો રોકાણકારોનાં મનમાં આશા જાગી છે. અનેક લોકોએ એમએલએમ કંપનીઓમાં પંજામાં ફસાઈને મરણ મૂડી સુધ્ધા ગુમાવી દીધી હોવાના દાખલા સૌરાષ્ટ્રનાં તમામ શહેરોમાં મોજુદ છે.

જો કાયદો અને વ્યવસ્થા તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને ભોગ બનેલા લોકોને હિંમત અને વિશ્વાસ પુરા પાડવામાં આવે તો સૌરાષ્ટ્રમાં આવીને ઠગાઈ કરી ગયેલી આવી ડઝનબંધ કંપનીઓનાં કાળા કારનામાંનું પર્દાફાશ થઇ શકે છે અને બિચારા રોકાણકારોનાં ડૂબી ગયેલા નાણા પરત આવી શકે છે. આવી કંપનીઓએ રાજકોટ સહિતનાં શહેરોમાં જે સ્થાનિક મળતિયાઓ એટલે કે એજન્ટો બનાવ્યા હતા એ તમામ સામે તપાસ કરવામાં આવે તો ગંજાવર રકમનાં કૌભાંડો બહાર આવી શકે છે. આવા સ્થાનિક કંપની દલાલોને વીણી-વીણીને પકડી એમની કડક પૂછપરછ કરી ઠગ કંપનીઓનાં કૌભાંડોની વિગતો ઓકાવી શકાય છે.

સૌરાષ્ટ્રમાં આવી કંપનીઓનાં ભયાનક કારનામાંઓને કારણે પોતાના ઘર પણ વેચી નાખ્યા હોવાના કિસ્સા બન્યા છે અનેક પરિવારો બરબાદ થઇ ગયા છે. એટલે એમએલએમ નાં નાટકો કરી ગયેલી કંપનીઓ અને એમના સ્થાનિક એજન્ટો સામે પોલીસ અને સરકારનાં આર્થિક અપરાધ વિભાગોએ ઊંડી અને સઘન તપાસ કરવી જરૂરી બની છે. તો જ જીવનમૂડી ગુમાવી નાખી આર્થિક રીતે બરબાદ થઇ ગયેલા સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં લાખો લોકોને ન્યાય અપાવી શકાશે. (2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here