દર વર્ષ કરતા આ વખતે ત્રણ ગણો સ્ટાફ કામે લગાડાયો છે.

દર વર્ષ કરતા આ વખતે ત્રણ ગણો સ્ટાફ કામે લગાડાયો છે.
દર વર્ષ કરતા આ વખતે ત્રણ ગણો સ્ટાફ કામે લગાડાયો છે.

બોર્ડ પરીક્ષાના પરિણામ એપ્રિલના બીજા સપ્તાહથી આવવા લાગશે.

પ્રથમ વખત ત્રણેય પરિણામો એકાદ મહિનો વ્હેલા જાહેર થશે: ધો.12 વિજ્ઞાનપ્રવાહનું એપ્રિલના બીજા સપ્તાહમાં તથા ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહનુ એપ્રિલના અંત સુધીમાં જાહેર થઈ જશે: ધો.10ના 60 ટકા પેપર ચકાસાઈ ગયા; 12ની ઉતરવહીની ડેટાએન્ટ્રી થવા લાગી

ગુજરાત શિક્ષણ બોર્ડ વર્ષોની પરંપરા તોડીને ધો.10 અને 12ની બોર્ડ પરિક્ષાના પરિણામો એક મહિનો વ્હેલા જાહેર કરે તેવી સંભાવના છે. એપ્રિલ મહિનાના અંતમાં જ પરિણામો જાહેર થવા સાથે લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી શકે છે. વ્હેલા પરિણામથી વિદ્યાર્થીઓને આગળનો અભ્યાસ નકકી કરવામાં વધુ સમય મળશે. ઉપરાંત વિવિધ એન્ટરન્સ પરીક્ષા માટે યોગ્ય તૈયારી કરી શકશે.

શિક્ષણ બોર્ડના સૂત્રોએ કહ્યું કે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એપ્રિલના બીજા સપ્તાહમાં જાહેર કરી દેવાની તૈયારી છે જયારે ધો.10 તથા ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ એપ્રિલ મહિનાના અંતમાં આવી શકે છે. પરિક્ષા શરૂ થયાના 45 દિવસમાં જ પરિણામ આવી જવાનું ગુજરાતના શિક્ષણ બોર્ડના ઈતિહાસમાં પ્રથમવાર બનશે.

સૂત્રોના કહેવા પ્રમાણે રાજયભરમાં અંદાજીત 65000 શિક્ષકોને ઉતરવહી ચકાસણીની કામગીરી સોંપવામાં આવી છે. પરીક્ષા લેવાથી માંડીને ચકાસણીમાં દર વર્ષની સરખામણીએ ત્રણ ગણો સ્ટાફ લગાડવામાં આવ્યો છે.

ધો.12 સાયન્સ તથા ગુજકેટના પરિણામોના આધારે જ ઈજનેરી તથા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવતો હોવાના કારણોસર તે પ્રક્રિયા પણ વ્હેલી શકય બનશે.

2023માં ગત વર્ષે ધો.12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ બીજી મે ના રોજ જાહેર થયુ હતું અને તે 65.58 ટકા આવ્યું હતું. ધો.12નું 25 મે ના રોજ જાહેર થયુ હતું અને તે 64.62 ટકા આવ્યુ હતું. ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 31 મે ના રોજ જાહેર થયુ હતું અને તે 73.27 ટકા રહ્યું હતું.

સૂત્રોએ કહ્યું કે, બોર્ડ પરિક્ષાના પરિણામો વ્હેલા જાહેર કરવાની આગોતરી તૈયારી રાખવામાં આવી હતી. સેન્ટ્રલાઈઝડ એસેસમેન્ટ સેન્ટરોની સંખ્યા ગત વર્ષના 374થી વધારીને આ વર્ષ 459 કરવામાં આવી હતી.

ધો.10ની 60 ટકા ઉતરવહી ચકાસણી પૂરી પણ થઈ ગઈ છે. જયારે ધો.12ની ઉતરવહીઓનું મુલ્યાંકન તથા ડેટા એન્ટ્રીનું કામ શરૂ કરી દેવાયુ છે જેથી પરિણામ વ્હેલુ તૈયાર થઈ શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષા તા.11થી26 માર્ચ દરમ્યાન લેવામાં આવી હતી. ધો.10માં 9.17 લાખ, ધો.12 સામાન્ય પ્રવાહમાં 9.92 લાખ તથા ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં 1.32 લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી.