રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીમાં આંશિક રાહત : બે ડિગ્રીનો ઘટાડો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીમાં આંશિક રાહત : બે ડિગ્રીનો ઘટાડો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીમાં આંશિક રાહત : બે ડિગ્રીનો ઘટાડો

ચાર-પાંચ દિવસ લગાતાર પારો 40 ડિગ્રીને પાર ગયા બાદ નીચે ઉતર્યો : જોકે હજુ બપોરે આકરો તાપ યથાવત : એ.સી., એરકુલર, પંખા શરૂ થતા વીજ પુરવઠાની માંગમાં વધારો : દ્વારકા, જામનગર જિલ્લામાં ગરમીમાં ઘટાડાથી ફરી મિશ્ર ઋતુનો અનુભવ

ચાલુ સપ્તાહના પ્રારંભથી જ સૂર્યદેવ આકરા બનતા સમગ્ર સૌરાષ્ટ્રભરમાં કાળઝાળ ગરમીથી જનજીવન ત્રસ્ત થયું  છે. સપ્તાહના અંતિમ દિવસોમાં પારો બે ડિગ્રી નીચે ઉતરતા આંશિક રાહત જોવા મળી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પારો 40 ડિગ્રી નજીક અને ઉપર જતા આકરા તાપથી લોકો આકુળ-વ્યાકુળ બન્યા છે. 

ઉનાળાની ઋતુના આગમન સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મહતમ તાપમાનમાં વધારો ઘટાડો અનુભવાઇ રહ્યો છે. લઘુતમ તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન 40 ડિગ્રી અને 40 ડિગ્રીને પાર જતા આકરા તાપ બાદ ફરી પારો બે ડિગ્રી નીચે ઉતરતા આંશિક રાહત થઇ છે. જોકે હજુ લઘુતમ  તાપમાનનો પારો 38 ડિગ્રીથી 40 ડિગ્રી વચ્ચે રહેતા ગરમીનો પ્રભાવ હજુ યથાવત રહ્યો છે. 

હવામાન વિભાગના સતાવાર આંકડા મુજબ આજે અમરેલી 39.4, રાજકોટ 38.7, સુરેન્દ્રનગર 38.8, વેરાવળ 33.3, દ્વારકા ર8.4, જામનગર 30.7, પોરબંદર 34.6, ભાવનગર 37.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

બપોરે આકરા તાપથી બચવા એ.સી., એરકુલર શરૂ થતા વીજ પુરવઠાની માંગમાં વધારો થયો છે. હવામાં ભેજનું પ્રમાણ હજુ યથાવત છે. બપોરે સૂર્યદેવ આકરા થતા ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. 

સૌરાષ્ટ્રનાં જિલ્લા ઉપરાંત રાજયના જિલ્લાઓમાં અમદાવાદ 39, બરોડા 39.4, ડાંગ 36.ર, ગાંધીનગર 40.ર,  નર્મદા 36.6, ઓખા 3ર.1, સુરત 37.ર, વલસાડ 34.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.  ગુજરાત-સૌરાષ્ટ્રભરમાં તાપમાનમાં ચાર-પાંચ દિવસ બાદ આંશિક ઘટાડો નોંધાયો છે.