દેશભરમાં સમાન તપાસ પધ્ધતિ ‘ગેમચેન્જર’ સાબીત થવાનો નિષ્ણાંતોનો દાવો

By Saurashtra kranti

દેશભરમાં સમાન તપાસ પધ્ધતિ ‘ગેમચેન્જર’ સાબીત થવાનો નિષ્ણાંતોનો દાવો
દેશભરમાં સમાન તપાસ પધ્ધતિ ‘ગેમચેન્જર’ સાબીત થવાનો નિષ્ણાંતોનો દાવો

GST કરદાતાઓની હેરાનગતિ અટકશે: અધિકારીઓને તપાસ માટે માર્ગદર્શિકા

પોતાના ઝોન સિવાય તપાસ કરવાની મનાઇ; ઓડિટ-સ્ક્રૂટીનીના કેસ, સમન્સ માટે નિશ્ર્ચિત દિશાનિર્દેશો: કોઇપણ કેસની તપાસ એક વર્ષમાં પૂર્ણ કરીને વિના વિલંબે નોટીસ કાર્યવાહી કરવી પડશે

સાંજ સમાચાર

♦ સર્ચ અને પૂછપરછના કિસ્સામાં કરદાતાના નિવેદન તથા તપાસ પરિણામ 4 દિવસમાં સિસ્ટમમાં અપલોડ કરવાનું ફરજીયાત: કંપની-સરકારી વિભાગોમાં તપાસ માટે પણ ચોક્કસ નિયમનો

નવી દિલ્હી, તા.29
કરવેરા વિભાગ દ્વારા બીનજરૂરી નોટીસો કે ખુલાસો પૂછવા સહિતના મામલે થતી હેરાનગતિના વ્યાપક ઉહાપોહ વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (આડકતરા કરવેરા બોર્ડ) દ્વારા અધિકારીઓ માટે નિયમો સ્પષ્ટ કરતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કરદાતાઓની હેરાનગતિ રોકવા આ કદમ ઉઠાવવામાં આવ્યા છે.

ડીરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલીજન્સના અધિકારીઓ માટેની આ માર્ગદર્શિકામાં તપાસ-સમન્સ-સર્ચ પ્રક્રિયામાં કરદાતાઓની હેરાનગતિ ન થાય અને ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ’ને પ્રોત્સાહન મળે તેવા દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે.

છ પાનાની આ માર્ગદર્શિકામાં અધિકારીઓ માટે પોતાના ઝોનલ યુનિટના જીએસટી કેસોમાં જ ધ્યાન કેન્દ્રીત કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. ઓડિટ અને સ્ક્રુટીનીમાં આવતા કેસોને તપાસમાં સામેલ ન કરવા, સમન્સ ઇસ્યુ કરતી વખતે તપાસની સ્પષ્ટ વિગતો તથા નિશ્ર્ચિત સમયગાળો આપવા અને બીનજરૂરી માહિતી ન માંગવા કહેવાયું છે.

સર્ચ તથા પુછપરછના કેસોમાં કરદાતાના નિવેદનો તથા તપાસના પરિણામો ચાર દિવસમાં જ સિસ્ટમમાં અપલોડ કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત એક વર્ષમાં કોઇપણ કેસની તપાસ પૂર્ણ કરવી પડશે અને તપાસ પૂર્ણ થયા બાદ નોટીસ આપવામાં ઢીલ ન થાય તેમ પણ કહેવાયું છે.

જીએસટી જેવા વિભાગોમાં તંત્ર દ્વારા કરદાતાઓને શ્રેણીબધ્ધ નોટીસો મોકલવા સાથે બીનજરૂરી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો થતાં રહયા છે. વારંવાર સમન્સ કરાતા હોવા વિશે પણ ઉહાપોહ થતો રહ્યો છે. આ સંજોગોમાં આડકતરા બોર્ડે જારી કરેલા દિશાનિર્દેશો સૂચક છે.

માર્ગદર્શિકામાં એમ કહેવામાં આવતું છે કે છ પાનાના પરિપત્રમાં સૂચવાયેલા દિશાનિર્દેશોનું પ્રાથમિક તબકકેથી જ પાલન કરવામાં આવે અને કાર્યવાહીની માહિતી લેખિતમાં આપવામાં આવે.

એમ પણ કહેવામાં આવ્યું છે કે જીએસટી ઇન્ટેલીજન્સ દ્વારા કેસ શરૂ કરવામાં આવ્યો હોય અને જ્યારે સીજીએસટી કે એસજીએસટીની પણ કરદાતા પર વોચ હોવાનું માલુમ પડે તો તપાસ અધિકારીઓએ એક બીજા સાથે વાતચીત-સંકલન કરવાનું રહેશે અને કરદાતાઓના તમામ પાસાઓને આવરી શકાય તે યુનિટે તપાસ કરવાની રહેશે. 

લીસ્ટેડ કંપની કે જાહેરક્ષેત્રની કંપની અથવા કોર્પોરેશન કે સરકારી વિભાગનો તપાસ કેસ હોય તો જીએસટી ઇન્ટેલીજન્સ દ્વારા ફરજીયાતપણે સંબંધિત કંપનીના અધિકૃત અધિકારીને લેખિત પત્ર પાઠવીને તપાસ માટેના કારણો તથા કાનૂની જોગવાઇઓ દર્શાવી પડશે જેથી વળતા પ્રતિભાવમાં ઢીલ ન થાય.

કરવેરા નિષ્ણાંતોના કહેવા પ્રમાણે કરવેરા વિભાગના અધિકારીઓ માટેના આ દિશાનિર્દેશો ‘ગેમ ચેન્જર’ સાબીત થઇ શકે  છે અને દેશભરમાં એક સમાન તપાસ પ્રક્રિયા લાગૂ થશે.