જુનાગઢ મનપાના આરોગ્ય શાખાની નાણાંકીય ગેરરીતિમાં 4 કર્મીઓને પાણીચું; અધિકારીઓને બચાવવાનો પ્રયાસ?

જુનાગઢ મનપાના આરોગ્ય શાખાની નાણાંકીય ગેરરીતિમાં 4 કર્મીઓને પાણીચું; અધિકારીઓને બચાવવાનો પ્રયાસ?
જુનાગઢ મનપાના આરોગ્ય શાખાની નાણાંકીય ગેરરીતિમાં 4 કર્મીઓને પાણીચું; અધિકારીઓને બચાવવાનો પ્રયાસ?

જુનાગઢ મનપાના આરોગ્ય શાખામાં લાંબા સમયથી અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હતી જેની ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા તપાસ ચાલતી હતી તે તપાસમાં અનેક નાણાકીય ક્ષતીઓ અને કર્મચારીઓની બેદરકારી સામે આવી છે. જેમાં મનપાના અનેક કર્મીઓને ફરજ પરથી છુટા કરી દેવાનો આદેશ કરાયો છે. આ અંગે મનપાના મુખ્ય આરોગ્ય અધિકારીએ મૌન ધારણ કરી લેવાનું યોગ્ય માની લીધુ છે.

 જુનાગઢ મનપા સામે અનેકવાર ગેરરીતિઓ ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આરોપ લાગે છે છેલ્લા ઘણા દિવસોથી ફાયર શાખાના બોગસ પ્રિ ફાયર એનઓસી આપવાના મુદ્દેનું ભૂત ધૂણી રહ્યું છે જેમાં બે કર્મીઓ જેલમાં ધકેલી દેવાયા છે. જવાબદાર અધિકારીઓ પોતાના બચાવ માટે મથામણ કરી રહ્યા છે. તેવા સમયે જ ઘણા સમયથી મનપાની આરોગ્ય શાખાની ચાલતી તપાસમાં મોટા ગોટાળા થયાનું ખુલવા પામ્યું છે તેમાં ત્રણ મુખ્ય જવાબદારોને બચાવવા પ્રયાસો ચાલી રહ્યા છે. હાલ ચારથી પાંચ હંગામી કર્મચારીઓને તાબડતોબ છુટા કરી દેવાના નિર્ણય કરી સમગ્ર કૌભાંડ પર પડદો નાખી ઢાંકપીછોડો કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 મનપામાં મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવી ચુકેલ તત્કાલીન અધિકારી પોતે બીએસએસ હોવા છતા તેમને મુખ્ય આરોગ્ય અધિકારી તરીકેની જવાબદારી સોંપી દેવામાં આવી હતી, તેઓ કોન્ટ્રાકટર બેઈઝ કરાર આધારિત કર્મચારી હોવાથી તેમને નાણાકીય સતા આપી શકાય નહીં તેવો સ્પષ્ટ આદેશ હોવા છતા નાણાકીય જવાબદારી સોંપી દીધી હતી. આ ઉપરાંત તેમનું ડેપ્યુટેશન રદ કરી મુળ જગ્યા પર હાજર થયવા અનેકવાર આદેશ કરવા છતા તેની અમલવારી કરવામાં આવી ન હતી. તેમના કાર્યકાળ દરમ્યાન અનેક પ્રકારની નાણાકીય ગેરરિતિઓ થવાના આક્ષેપો ચગ્યા હતા.

આ અંગે ગાંધીનગર આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા રૂબરૂ જુનાગઢ દોડી આવી અમુક રેકર્ડ કબ્જે લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાદ તત્કાલીન અધિકારીનો કરાર પૂર્ણ થતા તેમને છુટા થવું પડયું હતું. તપાસનો અહેવાલ મનપાને સોંપવામાં આપ્યો છે. જેમાં અનેક પ્રકારની નાણાકીય ગેરરીતિઓ અને બેદરકારીઓ સામે આવી છે. 

જેમાં ચારથી પાંચ કર્મીઓ (હંગામી)ને છુટા કરવામાં આવ્યા છે. આ અંગે મનપાના મુખ્ય આરોગ્ય અધિકારીઓ મૌન ધારણ કરી લીધું છે. આ પ્રકરણમાં પોલીસ ફરીયાદ થવાની શકયતાઓ જોવા મળી રહી છે. મનપાના મુખ્ય અધિકારીને બચાવવા પ્રયાસો થઈ રહ્યા છે. માત્ર હંગામી કર્મીઓને છુટ્ટા કરી દેવામાં આવ્યા છે. નાણાકીય ગેરરીતિ જેવી ગંભીર બાબતમાં માત્ર હંગામી કર્મીઓને છુટા કરી દઈ સંતોષ માની લેતા તેની નીતીરીતિ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

by Saurashtra kranti