કોમ્પ્યુટર શીખવા આવતી 16 વર્ષની સગીરાને નરાધમ સંચાલકે કહ્યું..!

કોમ્પ્યુટર શીખવા આવતી 16 વર્ષની સગીરાને નરાધમ સંચાલકે કહ્યું..!
કોમ્પ્યુટર શીખવા આવતી 16 વર્ષની સગીરાને નરાધમ સંચાલકે કહ્યું..!

જેતપુર ખાતે ચકચાર મચાવતી ઘટના બની છે. શિવમ કોમ્પ્યુટર એકેડમીમાં કોમ્પ્યુટર શીખવા આવતી 16 વર્ષની સગીરાને નરાધમ સંચાલકે એકલી પોતાની ઑઉસમાં બોલાવી કહ્યું કે, ‘આઈ લાઈક યુ, મારે તને હગ કરવું છે’ અચાનક બિભસ્ત માંગણી થતા સગીરા ગુસ્સે ભરાઈ હતી અને આરોપી કલાસીસ મૂકી ભાગી છૂટ્યો હતો. જેતપુર સિટી પીઆઈ એ.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જેતપુર, કેશોદ સહિત પાંચેક સેન્ટરોમાં કોમ્પ્યુટર ક્લાસ ચલાવતા સંચાલક કુશલ ચુડાસમા સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

બનાવની વિગત મુજબ, જેતપુરમાં આવેલ શિવમ કોમ્પ્યુટર એકેડમીમાં ગઈકાલે સવારે 10 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. સગીરા છેલ્લા એક મહિનાથી અહીં કોમ્પ્યુટર શીખવા માટે આવતી હતી. દરમિયાન સંચાલક કુશલ ચુડાસમાએ સગીરા ઉપર નજર બગાડી હતી. ગઈકાલે સવારે બે ત્રણ વિદ્યાર્થીઓ સાથે બાળકી કોમ્પ્યુટર શીખી રહી હતી.

ત્યારે ત્યાં હાજર કુશલ ચુડાસમાએ સગીરાને પોતાની ઓફિસમાં બોલાવી હતી. નરાધમ સગીરાને કોમ્પ્યુટર શીખવતો હતો એટલે એક રીતે તે સગીરાનો શિક્ષક કહેવાય. જોકે ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને લાં લાંછન લાગે તેમ આ કુશલે ઓફિસમાં સગીરાને બોલાવી કહ્યું હતું કે, હું તને લાઈક કરું છું. મારે તને હગ કરવું છે. અચાનક જ આવી માંગણી થતા સગીરા ડઘાઈ ગઈ હતી. ગભરાઈ ગઈ હતી. જોકે તેણે માંગણીનો વિરોધ કર્યો અને આરોપી પર ગુસ્સે ભરાઈ હતી. સગીરા ત્યાં ઓફિસમાંથી બહાર નીકળી ગઈ હતી અને મોટા અવાજે વિરોધ કર્યો હતો. 

આરોપીને લાગ્યું કે, હવે પોલીસ મામલો થઈ શકે છે એટલે તુરંત ત્યાંથી નીકળી ગયો હતો. આ તરફ સગીરાએ તેના માતા પિતાને વાત કરતા મામલો જેતપુર સિટી પોલીસ મથકે પહોંચ્યો હતો. પીઆઈ એ.ડી. પરમારે આઇપીસી 509, 512 અને પોક્સો એકટ મુજબ ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
અન્ય કોઈ ભોગ બન્યું હોય તો પોલીસનો સંપર્ક કરે

હાલ પોલીસ આરોપીને શોધી રહી છે. જેતપુર, કેશોદ સહિત 5 સેન્ટરમાં કોમ્પ્યુટર એકેડમી હોય, ત્યાં તપાસ કરી હતી. આ પછી પોલીસે જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે, જો અન્ય કોઈ સગીરા કે વિદ્યાર્થી કે એકેડમીનો સ્ટાફ આરોપીની આવી હરક્તનો ભોગ બન્યું હોય તો તત્કાલ પોલીસનો સંપર્ક કરે.