નિવૃત્ત શિક્ષકને ભાગીદાર બનાવી રૂા. 11.95 લાખની છેતરપિંડી

નિવૃત્ત શિક્ષકને ભાગીદાર બનાવી રૂા. 11.95 લાખની છેતરપિંડી
નિવૃત્ત શિક્ષકને ભાગીદાર બનાવી રૂા. 11.95 લાખની છેતરપિંડી

મહેમદાવાદ તાલુકાના કુણાના નિવૃત્ત શિક્ષકને ખાત્રજ સીમમાં જમીન ખરીદી પ્લોટ પાડવા ભાગીદારી પેઢી બનાવી ભાગીદાર બનાવવાનો શિક્ષક મિત્ર દ્વારા વિશ્વાસ અપાયો હતો. આ શિક્ષક પાસેથી રૂ.૧૧.૯૫ લાખ લઈ ભાગીદાર બનાવી બાદમાં ભાગે આવતી જમીનના પ્લોટ કે પૈસા પરત ન આપી ભાગીદારોએ વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર નિવૃત્ત શિક્ષકે પોલીસમાં ફરિયાદ કરી હતી, છતાં કોઈ કાર્યવાહી ન થતા મહેમદાવાદ કોર્ટમાં ન્યાય મેળવવા ફરિયાદ દાખલ કરી હતી. જેને ધ્યાનમાં લઇ મહેમદાવાદ પોલીસે ભાગીદારો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મહેમદાવાદ તાલુકાના નવા કૂણાના નિવૃત્ત શિક્ષક અરજણભાઈ વાઘેલા સાથે નોકરી કરતા શિક્ષક મહોબતસિંહ બુધાભાઈ ચૌહાણ (રહે. નવરંગપુરા, મોદજ) તથા નવદીપ ઉદેસિંહ ચૌહાણ તલાટી (રહે. જય અંબે સોસાયટી, મહેમદાબાદ)એ અરજણભાઈ વાઘેલાને ઘરે જઈ ખાત્રજ ખાતે આવેલ બ્લોક સર્વે નંબર ૧૦૬૧ પૈકીની બિન ખેતીની રહેણાંક હેતુવાળી જમીન યુગ ડેવલોપર્સની જમીન વેચાણ રાખી તેમાં પ્લોટ પાડી વેચાણ કરવા અથવા મકાન બનાવવા વગેરે હેતુ માટે સ્કીમ પાડવાની યોજના માટે ભાગીદારી પેઢી બનાવી તેમાં ભાગીદાર બનાવવા રોકાણ કરવા જણાવ્યું હતું. તેમજ રોકાણ મુજબ જે હિસ્સો નક્કી થશે તે મુજબ જમીનમાં પ્લોટ પાડી તેમના નામે વેચાણ દસ્તાવેજ કરાવી આપવા વિશ્વાસ અપાયો હતો. જેથી અરજણભાઈ વાઘેલાએ ભાગીદાર બનવા તૈયારી બતાવી હતી. જેથી ભાગીદાર તરીકે દાખલ થવા તેમના હિસ્સાની જમીન વેચાણ રાખવા મૂળ માલિકને રકમ ચૂકવવા જમીનના માલિક યુગ ડેવલોપર્સને બેંક ઓફ બરોડા મોદજ શાખાના તા.૧૭/૧૨/૧૩ના ચેકથી રૂ.૪૫,૦૦૦ તથા રૂ.૭,૫૦,૦૦૦ ચૂકવી આપેલ તેમજ રૂ.૪ લાખ રોકડા મળી કુલ રૂ.૧૧,૯૫,૦૦૦ મહોબ્બતસિંહ ચૌહાણને ચૂકવી આપ્યા હતા. ત્યારબાદ જમીન વેચાણ રાખવા ભાગીદારી પેઢી બનાવવા કામગીરી કરવા તથા પેઢીનો વહીવટ કરવા શિક્ષક મિત્ર અને તલાટીએ કેયુરસિંહ ઉદયસિંહ ચૌહાણ (રહે. જય અંબે સોસાયટી, મહેમદાવાદ) તથા અશોકભાઈ પન્નાલાલ અગ્રવાલ (રહે . મોદજ, તા.મહેમદાબાદ)ને સત્તા આપી હતી. 

આ બંને ભાગીદારોએ પોતાની સત્તાની રૂએ શ્રીજી ચરણ કન્સ્ટ્રક્શન એલએલપી ભાગીદારી પેઢી બનાવી હતી. આ ભાગીદારી પેઢીમાં અરજણભાઈ વાઘેલાને તા.૨૩/૮/૨૦૧૪થી નોટરી કરાર કરી ભાગીદાર બનાવી ભાગીદાર પેઢીમાં ૨.૪૮ ટકા હિસ્સો આપેલો. ત્યારબાદ જમીનમાં પ્લોટ પાડતા નિવૃત્ત શિક્ષકે પોતાને ભાગે આવતા પ્લોટ ફાળવી આપવા જણાવતા મોટા પ્લોટ પાડી છ મહિનામાં પ્લોટ આપવાનો વિશ્વાસ અપાયો હતો. છ માસ બાદ ફરી ત્રણ ચાર માસ બાદ પ્લોટ આપવાનો વાયદો કરાયો હતો. 

આમ ભાગીદારી પેઢીના ભાગીદારને તેમના હિસ્સાના પ્લોટ ન આપી ત્રાહિત લોકોને પ્લોટ આપી આથક નુકસાન પહોંચાડી વિશ્વાસઘાત કર્યો હતો. આ બાબતે તા.૨૯/૧/૨૪ના રોજ પીઆઇ મહેમદાવાદ તથા એસપી નડિયાદ તેમજ ગૃહ વિભાગમાં લેખિત ફરિયાદ આપી હતી. છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા આ બાબતે મહેમદાવાદ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. 

આ અંગે અરજણભાઈ વાઘેલાની ફરિયાદના આધારે મહેમદાબાદ પોલીસે કેયુરસિંહ ઉદેસિંહ ચૌહાણ, અશોક પન્નાલાલ અગ્રવાલ, નવદીપ ઉદેસિંહ ચૌહાણ, મોહબ્બતસિંહ બુધાભાઈ ચૌહાણ તથા શ્રીજી ચરણ કન્સ્ટ્રક્શનના અધિકૃત વ્યક્તિ કેયુરસિંહ ચૌહાણ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.