લલિત મોદીએ આઇપીએલ નું મોટું ટેન્શન દૂર કર્યું હતું

લલિત મોદીએ આઇપીએલ નું મોટું ટેન્શન દૂર કર્યું હતું
લલિત મોદીએ આઇપીએલ નું મોટું ટેન્શન દૂર કર્યું હતું

ક્રિકેટના ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર માટે આજનો દિવસ ખાસ છે. સચિન આજે 51 વર્ષના થઈ ગયાં છે. તેઓ 100 સદી ફટકાર અને 200 ટેસ્ટ મેચ રમનાર વિશ્વના એકમાત્ર ખેલાડી છે. સચિન ક્રીજ પર આવે એટલે બોલર્સમાં ડરનો માહોલ છવાઈ જતો હતો.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની બાદશાહત કાયમ કર્યાં બાદ સચિને IPLમાં પણ ધૂમ મચાવી. IPLની પહેલી સિઝન 2008માં રમાઈ હતી. જેના જનક લલિત મોદીને માનવામાં આવે છે.

2008માં પ્રથમ સિઝનથી અત્યાર સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એ ધૂમ મચાવી દીધી છે. IPLના ફોર્મેટ મુજબ દરેક ખેલાડીની હરાજી થાય છે. પણ પહેલી સિઝનમાં IPL શરૂ થાય તે પહેલા લલિત મોદી અને BCCIને ડર બેસી ગયો હતો કે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન અને અન્ય દિગ્ગજોની બોલી કેવી રીતે લગાવશે? સૌનું ટેન્શન વધી ગયું હતું ત્યારે લલિત મોદીએ ઉપાય શોધી કાઢ્યો અને સૂચન કર્યું કે સચિન સહિત અમુક ખેલાડીઓની હરાજી ન કરવામાં આવી. આ વાત BCCIને પસંદ આવી અને આ રીતે IPLનું સૌથી મોટું ટેન્શન દૂર થયું. 5 ખેલાડીઓને માર્કી પ્લેયર બનાવાયા. એટલે કે તેમને પહેલાથી જ અમુક ફ્રેન્ચાઈઝીએ પોતાની સાથે જોડી લીધા. જેમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર સહેવાગ, રાહુલ દ્રવિડ અને યુવરાજ સિંહ સામેલ હતા. 

સચિનને મુંબઈ ઈન્ડિયન્સ, ગાંગુલીને કોલકાતા નાઈટ રાઈડર્સ, સહેવાગને દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ), દ્રવિડને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને યુવરાજને કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) એ સાઈન કર્યાં. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની સહિત અન્ય ખેલાડીઓએ હરાજીમાં જવાનો નિર્ણય કર્યો હતો. 

સચિનને મુંબઈએ પહેલી જ સિઝનમાં સાઈન કર્યાં. આ માટે ફ્રેન્ચાઈઝીએ માસ્ટર બ્લાસ્ટરને એક સિઝન માટે 4 કરોડ 48 લાખ 50 હજાર રૂપિયા ફી આપી. 2010 સિઝન સુધી સચિનની ફી આ રહી. જે બાદ તેમની ફી વધારીને 8 કરોડ 28 લાખ રૂપિયા કરી દેવામાં આવી. સચિને 2013 સિઝન બાદ IPLથી સંન્યાસ લઈ લીધો હતો. સચિન IPL માં માત્ર મુંબઈ માટે રમ્યાં. 

જ્યારે હરાજીમાં ધોનીને ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો. આ માટે ફ્રેન્ચાઈઝીને 1.5 મિલિયન ડોલરની બોલી લગાવવી પડી હતી. જે તે સમયે રૂપિયાના હિસાબે 6 કરોડ રૂપિયા હતાં. પહેલી સિઝનમાં દરેક ફ્રેન્ચાઈઝીને ઓક્શનમાં પોતાના તમામ ખેલાડીઓને ખરીદવા માટે કુલ 20 કરોડ રૂપિયા મળ્યાં હતાં. 

664 ઈન્ટરનેશનલ મેચમાં 34,357 રન બનાવ્યાં

સચિન તેંડુલકરે 664 ઈન્ટરનેશનલ મેચમાં રેકોર્ડ 34 હજાર 357 રન બનાવ્યાં. આ દરમિયાન સચિનના બેટથી 100 સદી અને 164 અડધી સદી નીકળી. સચિન તેંડુલકરે બોલિંગમાં પણ કમાલ બતાવતા 201 વિકેટ પોતાના નામે કરી દીધી. વર્ષ 2013માં વેસ્ટઈન્ડિઝ સામે વાનખેડેમાં ટેસ્ટ મેચ બાદ તેમણે પોતાના શાનદાર કરિયર પર વિરામ લગાવવાની જાહેરાત કરી હતી.