એશિયન દેશો માટે સૌથી વધુ વિનાશક: 79 કુદરતી આફત સર્જાઈ

એશિયન દેશો માટે સૌથી વધુ વિનાશક: 79 કુદરતી આફત સર્જાઈ
એશિયન દેશો માટે સૌથી વધુ વિનાશક: 79 કુદરતી આફત સર્જાઈ

આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગના ગંભીર પરિણામો ભોગવી જ રહી છે તેમાં એશિયન દેશો સૌથી વધુ પ્રભાવિત બન્યા છે. 2023માં એશિયન દેશોમાં કુદરતી આફતોની 79 ઘટના બની હતી અને તેમાં 90 લાખ લોકો પ્રભાવિત થયા હતા.

વર્લ્ડ મીટરોલોજીકલ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ પ્રમાણે વિશ્વની ગરમ થવાની સરેરાશ રફતાર કરતા એશિયન દેશો ગરમ થવાની ગતિ વધુ રહી છે. 1961 થી 1990ના સમયગાળાની સરખામણીએ તાપમાન વૃદ્ધિનો દર પણ ડબલ થઈ ગયો છે. જેને પગલે એશિયામાં 2023નુ વર્ષ અત્યારસુધીનુ બીજા નંબરનું સૌથી ગરમ વર્ષ બની ગયુ હતું.

એશિયામાં સૌથી વધુ કુદરતી આફતો નોંધાઈ હતી. બીજા ક્રમે અમેરિકા હતું ત્યારબાદ યુરોપ, આફ્રિકા તથા ઓસીયાનિયાના નંબર આવે છે. હવામાનના વૈશ્વિક સંગઠને કુદરતી આફતોની ગણતરીમાં માત્ર વાતાવરણ તથા દરિયાઈ આપતિઓને જ લક્ષ્યમાં લીધી હતી.

આ રિપોર્ટમાં કુદરતી આફતોથી જાનમાલને નુકશાની કે મૃત્યુઆંક દર્શાવવામાં આવ્યો નથી પરંતુ ભારતીય હવામાન વિભાગે ગત જાન્યુઆરીમાં જારી કરેલા રિપોર્ટમાં અસામાન્ય હવામાન ઘટનાક્રમોથી ભારતમાં 2376 લોકોએ જીવ ગુમાવ્યાનું જાહેર કર્યુ હતું. તેમાં વિજળી પડવાથી અને થંડરસ્ટોર્સમાં 1276 લોકોનો ભોગ લેવાયો હતો. ભારે વરસાદ તથા પુરથી 862 અને હીટવેવથી 166 લોકોના મોત થયા હતા.

વૈશ્વિક હવામાન સંગઠનના એશિયન કલાયમેટ 2023ના આ રિપોર્ટમાં એમ કહેવાયુ છે કે, એશિયામાં પુર અને વાવાઝોડાથી જાનમાલને સૌથી મોટુ નુકશાન થયુ હતું જયારે હીટવેવને કારણે લોકોનુ આરોગ્ય ગંભીર રીતે પ્રભાવિત થયુ છે. 2023માં સપાટીનું તાપમાન ઈતિહાસમાં બીજા નંબરનું સૌથી વધુ હતું. 1961-1990ની સરેરાશ કરતા 1.87 ડીગ્રી તથા 1991-2020ની સરેરાશ કરતા 0.91 ડીગ્રી વધુ રહ્યું હતું.

રિપોર્ટમાં એમ કહેવાયુ છે કે, એશિયાના અનેક દેશોમાં 2023નુ તાપમાન અત્યાર સુધીના ઈતિહાસનું સૌથી ઉંચુ રહ્યું હતું અને તેને કારણે પુર, વાવાઝોડા, હીટવેવ તથા દુષ્કાળ જેવા શ્રેણીબદ્ધ ઘટનાક્રમો સર્જાયા હતા.