પંજાબની હારની હેટ્રિક, મુંબઈ ઈન્ડિયન્સની સિઝનમાં ત્રીજી જીત

પંજાબની હારની હેટ્રિક, મુંબઈ ઈન્ડિયન્સની સિઝનમાં ત્રીજી જીત
પંજાબની હારની હેટ્રિક, મુંબઈ ઈન્ડિયન્સની સિઝનમાં ત્રીજી જીત

મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને રોમાંચક મેચમાં 9 રનથી હરાવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સે ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત નોંધાવી છે અને હવે મુંબઈ પોઈન્ટ ટેબલમાં સાતમાં સ્થાને પહોંચ્યું છે. જ્યારે પંજાબ કિંગ્સ પાંચમી મેચ હારી હવે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને આવી ગયું છે. આ પંજાબની સતત ત્રીજી હાર છે.

IPL 2024ની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને 9 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટે 192 રન બનાવ્યા હતા જેના જવાબમાં પંજાબ કિંગ્સ 19.1 ઓવરમાં 183 રન પર જ સિમિત થઈ ગઈ હતી. મુંબઈની જીતનો હીરો જસપ્રીત બુમરાહ રહ્યો હતો, જેણે 4 ઓવરમાં માત્ર 21 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ગેરાલ્ડ કોટજિયાએ પણ 32 રનમાં 3 વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે આ સિઝનમાં 7 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની આ ત્રીજી જીત છે. જ્યારે પંજાબ કિંગ્સે 7માંથી 5 મેચ હારી છે.

પંજાબ કિંગ્સે માત્ર 49 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી અને મુંબઈ મોટી જીત તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ આ પછી શશાંક સિંહ અને આશુતોષ શર્માએ ફરી એકવાર પોતાની શાનદાર બેટિંગ શક્તિ બતાવી. શશાંક સિંહે માત્ર 25 બોલમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 41 રન બનાવ્યા હતા. આઠમાં નંબર પર બેટિંગ કરવા આવેલા આશુતોષે 28 બોલમાં 61 રનની તોફાની ઈનિંગ રમી હતી. આશુતોષે પોતાની ઈનિંગમાં 7 સિક્સર ફટકારી હતી અને તેનો સ્ટ્રાઈક રેટ 217થી વધુ હતો. જોકે, આશુતોષ 18મી ઓવરમાં આઉટ થયો હતો અને અંતે પંજાબની ટીમ 9 રનથી મેચ હારી ગઈ હતી.

મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવે શાનદાર ઈનિંગ રમી હતી. આ જમણા હાથના બેટ્સમેને 53 બોલમાં 78 રન બનાવ્યા હતા. તેણે 3 સિક્સર અને 7 ફોર ફટકારી હતી. રોહિત શર્માએ પણ 25 બોલમાં 36 રનની ઈનિંગ રમી હતી. તિલક વર્માએ પણ 18 બોલમાં 34 રનની ઈનિંગ રમી હતી.