સોનામાં આગ ઝરતી તેજી વચ્ચે સોનેરી તક! સોવરિન ગોલ્ડ બોન્ડ વેચી નફો બુક કરો

સોનામાં આગ ઝરતી તેજી વચ્ચે સોનેરી તક! સોવરિન ગોલ્ડ બોન્ડ વેચી નફો બુક કરો
સોનામાં આગ ઝરતી તેજી વચ્ચે સોનેરી તક! સોવરિન ગોલ્ડ બોન્ડ વેચી નફો બુક કરો

સોનાની કિંમતો રોજ નવી ઉંચાઈ હાંસલ કરી રહી છે. ગઈકાલે મોટાભાગના શહેરોમાં સોનાની કિંમત રૂ. 75000થી વધી છે. એપ્રિલમાં અત્યારસુધીમાં સોનાનો ભાવ રૂ. 5500 સુધી વધ્યો છે. સોવરિન ગોલ્ડ બોન્ડમાં હાલ 33 ટકાથી વધુ રિટર્ન જોવા મળ્યું છે. સોનાની આ આગ ઝરતી તેજીનો લાભ લેતાં રોકાણકાર સોવરિન ગોલ્ડ બોન્ડ વેચી નફો બુક કરી શકે છે. શું તે શક્ય છે? આવો જાણીએ…

નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે 15 એપ્રિલે 22.43 કરોડના સોવરિન ગોલ્ડ બોન્ડમાં વોલ્યૂમ નોંધાયા હતા. સોવરિન ગોલ્ડ બોન્ડ એ ડિમટિરિયલાઈઝ્ડ રૂપમાં ભૌતિક સોના જેટલું જ શુદ્ધ અને તેના કરતાં વધુ સુરક્ષિત છે. ઉલ્લેખનીય છે, કે, સોવરિન ગોલ્ડ બોન્ડનો મેચ્યોરિટી પિરિયડ 8 વર્ષનો છે, આઠ વર્ષ બાદ જ સોવરિન ગોલ્ડ બોન્ડ વેચી શકો છો. જો કે, ગોલ્ડ બોન્ડની ઈશ્યૂ તારીખના પાંચ વર્ષ બાદ આરબીઆઈ મારફત પણ તેમાંથી રોકાણ પાછું ખેંચી શકો છો.

સોવરિન ગોલ્ડ બોન્ડ આઠ વર્ષનો મેચ્યોરિટી પિરિયડ પૂર્ણ થયા બાદ જ રિડિમ કરી શકાય છે. પરંતુ તમે પાંચ વર્ષ બાદ પણ આરબીઆઈની મદદથી રોકાણ પાછું ખેંચી શકો છો. આ સિવાય પાંચ વર્ષ પહેલાં પણ સ્ટોક માર્કેટ પર સોવરિન ગોલ્ડ બોન્ડનું વેચાણ શક્ય છે. જેના માટે તેના યુનિટ ડિમટિરિયલાઈઝ્ડ ફોર્મમા હોવા જરૂરી છે.

સોવરિન ગોલ્ડ બોન્ડના વેચાણ પર ટેક્સ

સોવરિન ગોલ્ડ બોન્ડના મેચ્યોરિટી બાદ વેચાણ પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ લાગૂ થતો નથી. પરંતુ મેચ્યોરિટી પહેલા રિડિમ કરો તો તેના વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડે છે. આરબીઆઈ દ્વારા નાણાની ચૂકવણી સામે કોઈ ટેક્સ વસૂલવામાં આવતો નથી.

વ્યાજ પર ટેક્સ

દર બીજા મહિને સોવરિન ગોલ્ડ બોન્ડ પર વ્યાજ મળે છે. જે તમારી આવકમાં વધારો કરે છે. આથી નાણાકીય વર્ષના અંતે ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સની ચૂકવણી કરવાની રહે છે.

મેચ્યોરિટી પહેલા વેચાણ

સોવરિન ગોલ્ડ બોન્ડ સિરિઝ-1 2017-18ના 100 યુનિટની ખરીદીના આઠ વર્ષ પહેલાં જ વેચાણ કરો છો, તો તેના વેચાણ પર મળતા રિટર્ન અર્થાત કમાણી પર કેપિટલ ગેઈન ટેક્સ લાગૂ પડે છે. મેચ્યોરિટી પહેલા ગોલ્ડ બોન્ડનું વેચાણ ટેક્સેબલ છે. 3 વર્ષ બાદ બોન્ડના વેચાણ પર 10 ટકા ટેક્સ લાગૂ છે. પરંતુ જો રોકાણકાર ઉંચા ટેક્સ સ્લેબમાં આવતો હોય તો તેણે 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.