સાયબર ક્રાઇમ દ્વારા ધોરાજીમાં રહેતા માસ્ટર માઇન્ડ સહિત ૧૩ની ધરપકડ

સાયબર ક્રાઇમ દ્વારા ધોરાજીમાં રહેતા માસ્ટર માઇન્ડ સહિત ૧૩ની ધરપકડ
સાયબર ક્રાઇમ દ્વારા ધોરાજીમાં રહેતા માસ્ટર માઇન્ડ સહિત ૧૩ની ધરપકડ

વિદેશ મોકલવામાં આવેલા કુરિયરમાં ડ્રગ્સ અને બનાવટી પાસપોર્ટનો જથ્થો હોવાની સાથે આતંકી ફંડ સાથે કનેકશન હોવાની ધમકી આપીને માઇકાના પ્રેસિડેન્ટ સાથે  રૂપિયા ૧.૧૫ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ધોરાજીમાં રહેતા માસ્ટર માઇન્ડ સહિત કુલ ૧૩ યુવકોને ઝડપી લીધા છે.  પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી કેટલાંક આરોપીઓના બેંક એકાઉન્ટમાંથી ગેરકાયદેસર રીતે લાખો રૂપિયાના વ્યવહાર થયા હતા. જો કે સમગ્ર કૌભાંડનું કનેકશન ચીન અને દુબઇ સુધી બહાર આવતા તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. બોડકદેવમાં આવેલા ૪૨૬ એપાર્ટમેન્ટમાં રહેતા અને માઇકામાં પ્રેસીડેન્ટ તરીકે  ફરજ બજાવતા શૈલેન્દ્ર મહેતાને પાર્સલમાં ડ્રગ્સ અને પાસપોર્ટ હોવાનો કોલ કર્યા બાદ તેમના બેંક એકાઉન્ટમાં આતંકી ફંડ હોવાથી કાયદેસરની કાર્યવાહીની ધમકી આપીને રૂપિયા ૧.૧૫ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. જે કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ધોરાજી, રાજકોટ, પોરંબંદર અને અમદાવાદમાંથી કુલ ૧૩ લોકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં સમગ્ર કૌભાંડનું કનેકશન ચીન અને દુબઇ સાથે જોડાયેલું હોવાની ચોંકાવનારી હકીકતો બહાર આવી છે.  ધોરાજીના બે યુવકો દ્વારા સમગ્ર કૌભાંડને  ચલાવવામાં આવતું હતું. જેમાં જરૂરિયાત વાળા યુવકોને વિશ્વાસમાં લઇને કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. જેમાં છેતરપિંડીના નાણાં ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ અંગે  માહિતી આપતા સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડિયાએ કહ્યું કે  ફેડેક્સ કુરિયરમાં ડ્રગ્સ અને પાસપોર્ટ સહિતની શંકાસ્પદ ચીજ વસ્તુઓની સાથે આતંકી ફંડનું કારણ જણાવીને સીબીઆઇ કે ઇડી દ્વારા ગુનો નોંધવાની ધમકી આપીને લોકો પાસેથી નાણાં પડાવવામાં આવતા હતા. માઇકાના પ્રેસીડેન્ટ સાથેની છેતરપિંડીના કેસમાં ટેકનીકલ સર્વલન્સ  અને બેંક એકાઉન્ટની ચકાસણીને આધારે કામગીરી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં સમગ્ર કૌભાંડનું કનેશન ધોરાજીમાં હોવાનુ જાણવા મળ્યું હતું. જેના આધારે મિહીર ટોપીયા (રહે.હીરપરા વાડી, ધોરાજી), પ્રફુલ વાલાણી (રહે.હીરપરા વાડી, ધોરાજી), મોઇન ઇંગારિયા (રહે. દિનાર એપાર્ટમેન્ટ, ધોરાજી) અને રોહિત વાઘેલા  (રહે. રામપરા, ધોરાજી)ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે રાજકોટમાંથી  રોનક સોજીત્રા (રહે.દેવભૂમિ એપાર્ટમેન્ટ, નાના મવા મેઇન રોડ, રાજકોટ), યોગીરાજસિંહ જાડેજા (રહે.રત્નમ પ્રાઇડ સોસાયટી, ધંટેશ્વર, રાજકોટ), સાગર ડાભી (રહે. વૃંદાવન સોસાયટી, અવધ રોડ , રાજકોટ)  અને રવિ સવસેટા (રહે.કૃષ્ણજી સોસાયટી,સહકાર મેઇન રોડ, રાજકોટ)ને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમજ અમદાવાદમાંથી  અંકિત દેસાઇ અને કિરણ દેસાઇ (બંને રહે. હરિકૃષ્ણ સોસાયટી, ઇસનપુર)ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પોરંબદરના સારણનેશમાંથી  કિશાન ભારાઇ અને મેરૂભાઇ કરમાટાને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં મિહીર ટોપિયા અને  અંકિત દેસાઇ અલગ અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટ કમિશનના આધારે ખોલતા હતા અને  છેતરપિંડીના નાણાં  તે બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરીને  ચોક્કસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા. ત્યારબાદ આ નાણા અન્ય એક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થયા બાદ ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવતા હતા. ઝડપાયેલા ૧૩ લોકો પૈકી છ આરોપી એકાઉન્ટ હોલ્ડર છે.    તાજેતરમાં મિહીર ટોપિયાએ ૫૦ લાખ અને અંકિત દેસાઇએ ૩૦ લાખ રૂપિયા  ટ્રાન્સફર કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ સમગ્ર કૌભાંડ ચીનના હોંગકોંગમાં અને દુબઇ સુધી ફેલાયેલું છે. પોલીસ આરોપીઓ પાસેથી જપ્ત કરેલા ૧૪ મોબાઇલ ફોન તપાસ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત, તપાસમાં વધુ નામ બહાર આવવાની શક્યતા છે. ગુજરાતથી ચીન સુધી લંબાયેલા આ કૌભાંડના મુળ સુધી પહોંચવા માટે પોલીસે વિશેષ ટીમ તૈયાર કરીને કાર્યવાહી શરૂ કરી છે.

 શુ મોડ્સ ઓપરન્ડી હતી?

આતંકી ફંડની ધમકી આપીને નાણાં પડાવવા માટેનું સમગ્ર કૌભાંડ હોંગકોંગ  અને દુબઇથી ચાલતુ હતું. જેમાં પહેલા ટારગેટને સ્કૂપ કોલ કરીને પાર્સલમાં ડ્રગ્સ હોવાનું જણાવવામાં આવતું હતું. ત્યારબાદ કહેવામાં આવતું હતું કે તમારા તેમજ તમારા પરિવારના ફોન કોલ્સ પર સર્વલન્સ છે. જેથી સ્કાય પે પર વિડીયો કોલ કરીને તેમને થાણે સાયબર ક્રાઇમની ઓફિસ દેખાતી હોય તેવા રૂમમાંથી  વિડીયો કોલ કરવાની સાથે વોરંટ મોકલવામાં આવતું હતું. જેથી કોઇ વ્યક્તિ ડરી જાય તે પછી તેની પાસેથી કેસની પતાવટ માટે લાખો રૂપિયા ભારતની વિવિધ બેંકોમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. જે નાણાં અલગ અલગ લીંકથી  ક્રિપ્ટો કરન્સી દ્વારા ચીનમાંથી ઉઠાવી લેવામાં આવતા હતા.