એક ગુજરાતી પટાવાળાએ બનાવી એવી વસ્તુ કે જેના વગર ફર્નિચર બનાવવું છે અશક્ય, આજે કંપનીની માર્કેટવેલ્યુ છે 1.48 લાખ કરોડ

એક ગુજરાતી પટાવાળાએ બનાવી એવી વસ્તુ કે જેના વગર ફર્નિચર બનાવવું છે અશક્ય, આજે કંપનીની માર્કેટવેલ્યુ છે 1.48 લાખ કરોડ
એક ગુજરાતી પટાવાળાએ બનાવી એવી વસ્તુ કે જેના વગર ફર્નિચર બનાવવું છે અશક્ય, આજે કંપનીની માર્કેટવેલ્યુ છે 1.48 લાખ કરોડ

એક પટાવાળાથી અબજો રૂપિયાની કંપની ઉભી કરનાર બળવંત પારેખનો જન્મ 1925માં ગુજરાતના મહુવામાં થયો હતો. બળવંત પારેખ અન્ય ગુજરાતીઓની જેમ બિઝનેસમેન બનવા માંગતા હતા. પરંતુ પરિવારની ઈચ્છા હતી કે તેઓ વકીલ બને, પરંતુ આખરે એજ થયું જે પારેખ ઈચ્છતા હતા. તેમણે એક એવી વસ્તુ બનાવી જેના વગર આજે ફર્નિચર બનાવવું અશક્ય છે.

સફળતા માટે કોઈ શોર્ટકટ હોતો નથી. સફળતા ફક્ત તમારી મહેનત અને સાહસ પર આધાર રાખે છે. બળવંત પારેખ તેનો સીધો પુરાવો છે. બળવંત પારેખનું નામ ભારતના એવા મોટા ઉદ્યોગસાહસિકોમાં આવે છે, જેમણે પોતાની મહેનતથી સફળતાનો ઈતિહાસ રચ્યો છે. આજના આ લેખમાં અમે તમને બળવંત પારેખે કેવી રીતે એક પટાવાળાથી પોતાની કંપની શરૂ કરી અને એવી તો કઈ વસ્તુ બનાવી કે આજે તેના વગર ફર્નિચર બનાવું અશક્ય છે, તેના વિશે જણાવીશું.

બળવંત કલ્યાણજી પારેખનો જન્મ 1925માં ગુજરાતના મહુવામાં જૈન પરિવારમાં થયો હતો, જે ભાવનગર જિલ્લામાં આવે છે. તેમનું પ્રાથમિક શિક્ષણ પણ ત્યાંથી જ થયું હતું. તેમના પરિવારની ઈચ્છા હતી કે તેઓ વકીલ બને, તેથી બળવંત કાયદાનો અભ્યાસ કરવા મુંબઈ આવ્યા અને ગવર્નમેન્ટ લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી. બળવંત જ્યારે કાયદાનો અભ્યાસ કરતા હતા ત્યારે જ તેમના લગ્ન થઈ ગયા હતા.

આ તે સમયગાળો હતો જ્યારે ભારતની આઝાદી માટે દેશભરમાં અનેક આંદોલનો થઈ રહ્યા હતા અને દેશનો દરેક વર્ગ મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત હતો. તેમના દ્વારા શરૂ કરાયેલ ભારત છોડો ચળવળમાં દેશના યુવાનો પોતાના ભવિષ્યની પરવા કર્યા વિના બ્રિટિશ શાસન સામેની ચળવળોમાં સક્રિયપણે ભાગ લેતા હતા. બળવંત પારેખ પણ એવા યુવાનોમાંના એક હતા, તેમણે પણ અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને આ ચળવળનો હિસ્સો બન્યા હતા. પોતાના વતનમાં રહેતાં બળવંતે અનેક ચળવળોમાં ભાગ લીધો હતો.

ભારત છોડો ચળવળનો હિસ્સો બન્યા બાદ બળવંત પારેખે પોતાનો અભ્યાસ છોડવો પડ્યો હતો. તેથી, એક વર્ષ પછી તેમણે ફરીથી અભ્યાસ કરવાનું શરૂ કર્યું, પરંતુ કાયદાની પ્રેક્ટિસ ના કરી. સત્ય અને અહિંસાના માર્ગે નીકળેલા બળવંત પારેખને મુંબઈમાં રહેવા માટે નોકરી મેળવવી પડી. પોતાનું ગુજરાન ચલાવવા માટે તેણે પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરવાનું શરૂ કર્યું. જો કે, તેઓ આ નોકરી પણ મજબૂરીમાં કરી રહ્યા હતા, કારણ કે તેઓ પોતાનો વ્યવસાય કરવા માંગતા હતા. એક દિવસ એવો આવ્યો જ્યારે તેમણે આ નોકરી પણ છોડી દીધી. આ પછી, તેમણે લાકડાના વેપારીને ત્યાં પટાવાળા તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

પટાવાળાની નોકરી પછી તેમણે ઘણી નોકરીઓ બદલી અને તેની સાથે સાથે તેમણે પોતાના કોન્ટેક પણ વધાર્યા. આ દરમિયાન તેમણે મોહન નામના રોકાણકારને મળ્યા. જેમની સાથે ભાગીદારીમાં બિઝનેસ શરૂ કર્યો જે અંતર્ગત પશ્ચિમી દેશોની કંપનીઓમાંથી ભારતમાં સાયકલ, કાગળના રંગ અને સોપારીની આયાત કરવાનો ધંધો શરૂ કર્યો. આ દરમિયાન બળવંતરાયને જર્મની જવાની તક પણ મળી. તેમના વિદેશ પ્રવાસ દરમિયાન તેમણે બિઝનેસ સાથે જોડાયેલી ખાસ અને નવી વસ્તુઓ શીખી જેનો તેમને ભવિષ્યમાં ઘણો ફાયદો થયો.

આઝાદી પછી ભારત બે ભાગમાં વહેંચાઈ ગયું. ભારત નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું હતું અને તેની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની તૈયારી કરી રહ્યું હતું, પરંતુ તે સમયે પણ ભારતની વિદેશી વસ્તુઓ પર નિર્ભરતા વધુ હતી. આથી દેશના વેપારીઓએ વિદેશથી આયાત થતો માલ દેશમાં જ બનાવવાનું કામ શરૂ કર્યું. આ દરમિયાન બળવંતરાયને પણ પોતાનું ભાગ્ય બદલવાનો મોકો મળ્યો.

બળવંતરાય ભલે આગળ વધી રહ્યા હતા પરંતુ તેઓ પોતાના જૂના દિવસોને ભૂલ્યો નહોતા. લાકડાના વેપારી પાસે જ્યારે પટાવાળા તરીકે કામ કરતા હતા ત્યારે તેમણે જોયું હતું કે, લાકડાના બે ટુકડા જોડવામાં મુશ્કેલી પડતી હતી. આ તે સમયગાળો હતો જ્યારે પ્રાણીઓની ચરબીમાંથી બનાવેલ ગુંદરનો ઉપયોગ લાકડાને એકસાથે જોડવા માટે કરવામાં આવતો હતો. આ ગુંદર બનાવવાની પ્રક્રિયા ઘણી મુશ્કેલ હતી. ચરબીને લાંબા સમય સુધી ગરમ કરવામાં આવતી હતી. ગરમ કરતી વખતે તેમાંથી એટલી દુર્ગંધ આવતી હતી કે કારીગરોને શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો.

તેથી બળવંતરાયને આઈડિયા આવ્યો કે એક એવી વસ્તુ બનાવીએ કે જેમાંથી દુર્ગંધ ન આવે. ઘણી શોધખોળ કર્યા બાદ તેમને સિન્થેટિક કેમિકલનો ઉપયોગ કરીને ગુંદર બનાવવાની રીત મળી અને અહીંથી ફેવિકોલ બનાવવાનો પાયો નખાયો. બળવંતની સફળતાના માર્ગમાં જર્મનીનું વિશેષ સ્થાન હતું. તેમણે જર્મન ભાષામાંથી ફેવિકોલ નામ પણ લીધું. ફેવિકોલ નામ જર્મન શબ્દ ‘કોલ’ પરથી પ્રેરિત છે, જેનો અર્થ બે વસ્તુઓને જોડવી થાય છે.

ફેવિકોલને 1959માં લોન્ચ કરવામાં આવ્યું હતું. થોડા દિવસો પછી તે જ વર્ષે બળવંતરાયે તેમની કંપનીનું નામ બદલીને પીડિલાઇટ કરી દીધું. આ તે સમયગાળો હતો જ્યારે ગુંદર કોઈપણ બ્રાન્ડ વિના વેચાતો હતો. અત્યાર સુધી પિડિલાઇટ માત્ર ઔદ્યોગિક કેમિકલ કંપની તરીકે જાણીતી હતી. 1970ના દાયકામાં કંપનીએ પોતાને પ્રમોટ કરવાનું નક્કી કર્યું.

જેની જવાબદારી પ્રખ્યાત એડ એજન્સી ઓગિલવી અને માથેરને આપવામાં આવી હતી. આ એડ એજન્સીના નેતૃત્વમાં ફેવિકોલનું હાથી પ્રતીક બનાવવામાં આવ્યું હતું. 1963માં કંપનીએ મુંબઈના કોંડિવિતા ગામમાં તેનો પ્રથમ આધુનિક ઉત્પાદન પ્લાન્ટ સ્થાપ્યો. આ પહેલા પિડિલાઇટ પાસે માત્ર એક જ ફેક્ટરી હતી અને માત્ર એક જ પ્રોડક્ટ ફેવિકોલ હતી. આજે આ બિલ્ડિંગમાં કંપનીની કોર્પોરેટ હેડ ઓફિસ આવેલી છે.

પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ 1990માં ઈનકોર્પોરેટ થઈ. Pidilite 1993માં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થઈ હતી. આ કંપનીએ ઝડપી વૃદ્ધિ નોંધાવી અને વિદેશમાં પણ તેની છાપ છોડી. 1997માં કંપનીને FE બ્રાન્ડવેગન યર બુક દ્વારા ટોચની 15 ભારતીય બ્રાન્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું. વર્ષ 2000માં કંપનીએ MCL ખરીદ્યું અને એક નવું વિભાગ સ્થાપવામાં આવ્યું.

ડૉ. ફિક્સિટ વોટરપ્રૂફિંગ એક્સપર્ટ 2001માં શરૂ કરવામાં આવ્યું હતું. ફેવિકોલને 2002માં કાન્સ લાયન્સ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઑફ ક્રિએટિવિટીમાં સિલ્વર લાયન એવોર્ડ મળ્યો હતો. તેની ‘બસ એડ’ ઘણી લોકપ્રિય બની હતી. વર્ષ 2004માં પિડિલાઇટ રૂ. 1000 કરોડના ટર્નઓવર સુધી પહોંચી અને તે જ વર્ષે ફેવિકોલ મરીન લોન્ચ કરવામાં આવી. પીડિલાઇટની 2013 સુધીમાં 14 પેટાકંપનીઓ હતી.

પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકા, બ્રાઝિલ, થાઇલેન્ડ, ઇજિપ્ત, બાંગ્લાદેશ, દુબઇ વગેરેમાં પણ વેચાણ કરે છે. હાલમાં પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝનું કંપનીનું માર્કેટ કેપ લગભગ રૂ. 1,47,700 કરોડ છે. આ લેખ લખાયો ત્યારે BSE પર પિડિલાઇટના શેરની કિંમત રૂ.2,904 છે. નાણાકીય વર્ષ 2022-23માં પિડિલાઇટની રેવન્યુ રૂ. 10,660 કરોડ હતી. ફેવિકોલ ઉપરાંત, પિડિલાઇટના ઉત્પાદનોમાં ફેવીક્વિક, ડૉ. ફિક્સિટ, મસિલ, ફેવિકોલ મરીન, ફેવિકોલ એસએચ, ફેવિકોલ સ્પીડ એક્સ, ફેવિકોલ સ્પ્રે, ફેવિકોલ ફ્લોરિક્સ, ફેવિકોલ ફોમિક્સ વગેરેનો સમાવેશ થાય છે.

સામાજિક કાર્યોમાં પણ સક્રિય હતા બળવંત પારેખ

બિઝનેસ ઉપરાંત બળવંત પારેખ સામાજિક કાર્યોમાં પણ ખૂબ સક્રિય હતા. તેમણે ભાવનગરમાં બે શાળાઓ, એક કોલેજ અને એક હોસ્પિટલ બનાવી હતી. આ સાથે તેમણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો અભ્યાસ કરતી એનજીઓ ‘દર્શન ફાઉન્ડેશન’ પણ શરૂ કરી હતી. બળવંત રાયને વર્ષ 2011માં જે. ટેલ્બોટ વિન્ચેલ એવોર્ડ મળ્યો હતો. 2012માં બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે તેની રિચ લિસ્ટમાં તેમને 45મું સ્થાન આપ્યું હતું. 25 જાન્યુઆરી 2013ના રોજ બળવંત પારેખનું 88 વર્ષની વયે નિધન થયું હતું.