પાંચ વર્ષમાં સેન્‍સેક્‍સ ૧,૫૦,૦૦૦ થશે? માર્કેટ એક્‍સપર્ટ્‍સનું શું કહેવું છે…?

પાંચ વર્ષમાં સેન્‍સેક્‍સ ૧,૫૦,૦૦૦ થશે? માર્કેટ એક્‍સપર્ટ્‍સનું શું કહેવું છે...?
પાંચ વર્ષમાં સેન્‍સેક્‍સ ૧,૫૦,૦૦૦ થશે? માર્કેટ એક્‍સપર્ટ્‍સનું શું કહેવું છે...?

મોતીલાલ ઓસ્‍વાલ ફાઇનેન્‍શ્‍યલ સર્વિસિસના રામદેવ અગ્રવાલે બજાર વિશે વાત કરતાં કહ્યું કે ૨૦૨૯ની સાલ આવતા સુધીમાં બોમ્‍બે સ્‍ટોક એક્‍સચેન્‍જનો સેન્‍સેક્‍સ ૧,૫૦,૦૦૦ના જાદુઈ આંકડાને આંબી જશે. ૧૯૭૯ની સાલમાં સૂચક આંક તરીકે સેન્‍સેક્‍સ ૧૦૦ની વેલ્‍યુ સાથે લોન્‍ચ થયો હતો. એ વાતને ૪૫ વર્ષ થયાં અને ૧૦૦વાળો સેન્‍સેક્‍સ આજે ૭૫,૦૦૦ના લેવલને પાર કરી ચૂક્‍યો છે. ૧૫.૮૫ ટકા વાર્ષિક રિટર્ન સાથે BSEના સૂચક આંકે પોતાની ચાલ જાળવી રાખી છે. ત્‍યારે ૨૦૨૯ની સાલ સુધીમાં શું ખરેખર સેન્‍સેક્‍સ દોઢ લાખના આંકડાનેય પાર કરી શકે ખરો? ‘આના વિશે માર્કેટ એક્‍સપર્ટ્‍સનું શું કહેવું છે.

દેવેન ચોકસી (ડી. આર. ચોકસી ફિન્‍સર્વ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્‍ટર)

ભારતનું અર્થતંત્ર હમણાં સરેરાશ ૭થી ૭.૫૦ ટકાના ગ્રોસ ડોમેસ્‍ટિક પ્રોડક્‍ટ (GDP) ગ્રોથ સાથે આગળ વધી રહ્યું છે. હવે જો સાથે ચારથી પાંચ ટકાના ઇન્‍ફલેશનલ ગ્રોથ સાથે ગણતરી કરીએ તો ભારત ૧૨થી ૧૩ ટકાના દરે હાલ ગ્રોથ કરી રહ્યું છે. હવે કંપનીઓ જે પ્રમાણે કામ કરી રહી છે અને એમનાં રિઝલ્‍ટ્‍સ આવી રહ્યાં છે એ પ્રમાણે આપણે અંદાજ લગાવી શકીએ કે ૧૨થી ૧૩ના ઇકોનોમિક ગ્રોથમાં ભારતની કંપનીઓએ ૧૬થી ૧૮ ટકાના દરે ગ્રોથ કરવો જોઈએ. જો તમારી આ ધારણા સાચી પડે અને કંપનીઓ ૧૬-૧૮ ટકાના દરે ગ્રોથ કરે છે તો ભારતનું અર્થતંત્ર દર સાડાચાર વર્ષે બમણું થઈ જશે. હમણાં આપણું અર્થતંત્ર કેટલું, ૩.૬-૩.૭ ટ્રિલ્‍યન ડોલરનું છે? તો શું આપણને નથી લાગતું કે એ ૨૦૨૫-‘૨૬ સુધીમાં પાંચ ટ્રિલ્‍યન ડોલરની ઇકોનોમી બની શકે? હવે આ દર પ્રમાણે જ વાત કરીએ તો ૨૦૨૯ સુધીમાં તમારી ઇકોનોમીની સાઇઝ થઈ જશે લગભગ ૮ ટ્રિલ્‍યન ડોલર. અર્થાત, આજના અર્થતંત્ર કરતાં બમણું. તો મને કહો, જો તમારું અર્થતંત્ર અહીંથી બમણું થઈ શકતું હોય તો માર્કેટ કેમ નહીં થાય? માર્કેટ તો પહેલાં થશે, કારણ કે આપણે બજારના માણસો ભવિષ્‍યને વર્તમાનમાં જોનારા વ્‍યક્‍તિ છીએ.

તો હવે આપણને થશે કે આ તર્ક પાછળનું કારણ શું છે? તો છેલ્લાં ૧૦ વર્ષ દરમ્‍યાન આ સરકારે જે પોલિસીઓ ઘડી છે અને એનાં પર કામ થયાં છે એ મહત્ત્વનાં છે. ભારતમાં સોશ્‍યલ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરનું નિર્માણ થયું. ભારતના એક-એક ખૂણા સુધી હાઉસિંગ, સેનિટાઇઝેશનથી લઈને વોટર-સપ્‍લાય, રોડવેઝ વગેરે દરેક સુવિધા પહોંચાડવાનો પ્રયત્‍ન થઈ રહ્યો છે. ‘વોટર ઇન એવરી ટેપ, ઇલેક્‍ટ્રિસિટી ઇન એવરી હાઉસ’જેવા સોશ્‍યલ પ્રોગ્રામ્‍સ જબરદસ્‍ત પરિણામો આપી રહ્યાં છે. હવે આ બેઝિક ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ફેસિલિટી પર ફોકસ કર્યા બાદ બીજું મહત્ત્વનું પગલું ભરાયું ઇકોનોમિક ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ક્ષેત્રે અર્થાત ભારતના પોર્ટ્‍સ અને કંપનીઓથી લઈને શહેરો સુધી કનેક્‍ટિવિટી ઊભી કરવાનું કામ થયું છે.

ત્‍યાર બાદ બીજા તબક્કામાં ઇન્‍ડસ્‍ટ્રી ક્ષેત્રે ખૂબ મહત્ત્વનાં પગલાં સરકારે લેવા શરૂ કર્યાં, જેમ કે તમારે કરન્‍ટ અકાઉન્‍ટ ડેફિસિટ ઘટાડવી હોય તો શું કરવું પડે? ઇમ્‍પોર્ટ ઓછું કરી એક્‍સપોર્ટ વધારવું પડે. તો સરકારે એ માટે પ્રોડક્‍શન લિન્‍ક્‍ડ ઇન્‍સેન્‍ટિવ સ્‍કીમ શરૂ કરી. આ સ્‍કીમ અર્થતંત્રમાં ઓક્‍ટોપસ જેવું કામ કરે છે. તે અનેક આયામો પર નવી તકો ઊભી કરે છે. ઉદાહરણ તરીકે આજ પહેલાં ભારતમાં એપલના ફોન વપરાતા હતા, પરંતુ ઉત્‍પાદિત નહોતા થતા. હવે એપલના ફોન્‍સ ભારતમાં જ પ્રોડ્‍યુસ થવા માંડ્‍યા છે. એટલું જ નહીં, એ અહીંથી જ એક્‍સપોર્ટ પણ થાય છે. ઇલેક્‍ટ્રિક વેહિકલ્‍સ, ભારતમાં માત્ર એનું ઉત્‍પાદન જ નથી થઈ રહ્યું, એક્‍સપોર્ટ પણ થાય છે. એ જ રીતે સેમીકન્‍ડક્‍ટર જોઈ લો. આ બધી બાબતો એ પરિણામ દર્શાવે છે કે ભારત હવે માત્ર વર્લ્‍ડ્‍સ લાર્જેસ્‍ટ કન્‍ઝ્‍યુમર નથી બની રહ્યું, એ સાથે વર્લ્‍ડ્‍સ લાર્જેસ્‍ટ પ્રોડ્‍યુસર અને એક્‍સપોર્ટર પણ બનવા જઈ રહ્યું છે. હવે આને કારણે અર્થતંત્રમાં બેવડી અસરકારકતા સર્જાવી શરૂ થાય, કારણ કે એક તરફ તમારું ઇમ્‍પોર્ટ ઘટી રહ્યું છે અને બીજી તરફ એક્‍સપોર્ટમાં તમે વધારો કરી રહ્યા છો.

અને હવે આપણે ત્રીજા તબક્કામાં પ્રવેશી ચૂક્‍યા છીએ, જે મારી દૃષ્ટિએ ‘હાર્ટ ઓફ ઇકોનોમી’તરીકે ગણાવી શકાય અને એ છે ઓલ્‍ટરનેટિવ એનર્જી ક્ષેત્ર. આપણે હવે ગ્રીન એનર્જી ઉત્‍પાદન કરતા થયા છીએ. મને લાગે છે કે ભારત આ ક્ષેત્રે આખાય વિશ્વમાં એક મોટો બદલાવ લાવનારું રાષ્ટ્ર સાબિત થશે. આપણા દેશમાં ઉપલબ્‍ધ પાણીનો ઉપયોગ હવે આપણે ગ્રીન એનર્જી ઉત્‍પાદન માટે કરતા થયા છીએ. ઓક્‍સિજન અને હાઇડ્રોજન છૂટા પાડી બન્ને ક્ષેત્રે નવી ક્રાન્‍તિઓ થઈ રહેલી આપણે જોઈ શકીએ છીએ અને અમારું માનવું છે કે આ ક્ષેત્રે થઈ રહેલું કામ ભારતની શકલ બદલી નાખવા માટે સક્ષમ હશે, કારણ કે દેશમાં ઘરેલુ વપરાશ અને ઇન્‍ડસ્‍ટ્રિયલ વપરાશ બન્ને માટે ઇલેક્‍ટ્રિસિટીની જે માગ રહે છે એ અનુસાર ઇલેક્‍ટ્રિલાઇઝરની ઉત્‍પાદન કોસ્‍ટ અંદાજે ૧૩થી ૧૪ ડોલર કિલોગ્રામ આવે છે, જે ઘટીને ૪થી ૭ ડોલર થઈ ચૂકી છે. એટલું જ નહીં, અંદાજો કહી રહ્યા છે આ કિંમતમાં હજી ઘટાડો થશે અને ઇલેક્‍ટ્રિલાઇઝર ઉત્‍પાદનની કોસ્‍ટ લગભગ ૧-૨ ડોલર કિલોગ્રામ જેટલી થઈ જશે. હવે તમે અંદાજ લગાવી શકો કે વીજળીનું ઉત્‍પાદન જયારે સસ્‍તું બને તો ઘર કે ઇન્‍ડસ્‍ટ્રીમાં વપરાશનો ખર્ચ કેટલો ઘટી જશે અને અમને લાગે છે કે આ વસ્‍તુ ભારત માટે એક ગેમચેન્‍જર સાબિત થશે, કારણ કે તમારી પ્રોડક્‍શન કોસ્‍ટ ઘટી રહી છે. બીજી તરફ સોલર અને હાઇડ્રોજન વગેરે દ્વારા તમે સરપ્‍લસ ગ્રીન એનર્જી ઉત્‍પાદિત કરવા તરફ જઈ રહ્યા છો, જેને કારણે એના વધુ વપરાશના માર્ગો ખૂલશે. હવે વપરાશ વધશે તો બીજા ક્ષેત્રે ઉત્‍પાદન વધશે. ટૂંકમાં આ આખીય એક સાઇકલ છે જેને જબરદસ્‍ત ગતિ મળશે.

 તો હવે આ બધા જ ડેવલપમેન્‍ટ્‍સની બજાર પર શું અસર આવી શકે? આ માટે આપણે એક સરળ ઉદાહરણ દ્વારા સમજવું પડે. ધારો કે સ્‍ટીલ પ્રોડ્‍યુસર કંપની તાતા સ્‍ટીલના ઉત્‍પાદનખર્ચમાં બાવન ટકા જેટલી રકમ એનર્જી કોસ્‍ટમાં જાય છે.

હવે ધારો કે એ ગ્રીન એનર્જી એના કેપ્‍ટિવ યુઝ માટે લેવા માંડે અને એનર્જી કોસ્‍ટ ઘટાડીને ૧ુ૩ સુધી લઈ આવે તો સ્‍વાભાવિક છે કે બચેલી ૨/૩ રકમનો કંપની બીજી અનેક રીતે ઉપયોગ કરશે, જેમ કે વધુ સ્‍ટીલ-પ્રોડક્‍શન માટે વાપરી શકે, સ્‍ટીલના ભાવો સસ્‍તા કરી શકે, બીજા ક્ષેત્રે રોકાણ કરી શકે અથવા કેશ રિચ કંપની બની શકે અને આ વાત માત્ર એક સ્‍ટીલ ઇન્‍ડસ્‍ટ્રી માટે જ નથી, દરેક ક્ષેત્રની કંપનીઓમાં આ બદલાવ જોવા મળશે. હવે આ બધા જ વિકલ્‍પોનું એક સૌથી મોટું પરિણામ એ આવશે કે લોકોનો અર્થતંત્રમાં વિશ્વાસ વધશે અને આ પરિણામો કંપનીનાં રિઝલ્‍ટ્‍સમાં જોવા મળશે. હવે સ્‍વાભાવિક છે કે બજારમાં એનું પરિવર્તન ભાવોમાં જોવા મળે. તો સેન્‍સેક્‍સ દોઢ લાખના આંકડે કેમ નહીં પહોંચી શકે? પહોંચી જ શકે, કારણ કે આખરે તમારું માર્કેટ દેશના અર્થતંત્રની જ છબી તો છે. જો દેશનું અર્થતંત્ર વિકાસ કરી રહ્યું છે, વિસ્‍તરી રહ્યું છે તો બજાર એની અસર આંકડાઓમાં દેખાડશે જ.

દીના મેહતા (અસિત સી. મેહતા ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ઇન્‍ટરમીડિએટ્‍સ લિમિટેડનાં મેનેજિંગ ડિરેક્‍ટર, BSEનાં ભૂતપૂર્વ પ્રેસિડન્‍ટ)

બજાર મારી દૃષ્ટિએ હમણાં એક હેલ્‍ધી ઝોનમાં ચાલી રહ્યું છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતના રોકાણકારોની સાથે-સાથે વિદેશી રોકાણકારોને ભારતની સરકાર અને એની પોલિસી પર વિશ્વાસ-સંપાદન થયું છે, જેને કારણે નવું રોકાણ હજીયે સતત આવતું રહેશે. હા, વધ-ઘટની ચાલ એ બજારનો સ્‍વભાવ છે, પરંતુ મને લાગે છે કે સેન્‍સેક્‍સ દોઢ લાખ નહીં તો પણ ૨૦૨૯ સુધીમાં ૧ લાખના આંકડાને તો પાર કરી જ જશે. હમણાં દેશમાં ચૂંટણીનો માહોલ છે અને બજારે ખૂબ સારું મોમેન્‍ટમ છેલ્લાં દોઢ-બે વર્ષથી પકડ્‍યું છે. આથી શક્‍ય છે કે ચૂંટણીનાં પરિણામો પછી એ થોડું થાક ખાય અને હાલનો સતત આગળ તરફની ચાલનો ટ્રેન્‍ડ થોડા સમય માટે અટકે, કારણ કે મને લાગે છે કે ચૂંટણીનાં પરિણામો વિશે બજારના એક્‍સપર્ટ્‍સથી લઈને સામાન્‍ય જનતાએ પણ ધારણાઓ પહેલેથી જ બાંધી લીધી છે. હવે આપણે જાણીએ છીએ કે શેરબજાર હંમેશાં ભવિષ્‍યને વર્તમાનમાં ડિસ્‍કાઉન્‍ટ કરતું હોય છે. આથી જો ધારણા અનુસારનાં જ ચૂંટણીપરિણામો આવ્‍યાં તો બજાર થોડી વાર થોભવાનું પસંદ કરશે, પરંતુ જો દક્ષિણ ભારતનાં અને પશ્ચિમ બંગાળ જેવાં રાજયોમાં ધારણા કરતાં કંઈક વધુ સારું પરિણામ જોવા મળ્‍યું તો બજાર હજી વધુ ઝડપથી વધી જાય એવું બને. પણ આ શોર્ટ ટર્મની વાત થઈ. આપણે વાત કરવી છે આવતાં પાંચ વર્ષની તો એક વાર ચૂંટણીપરિણામો આવી ગયા બાદ નવી સરકાર પોતાના પહેલા ૧૦૦ દિવસની યોજનાઓની જાહેરાત કરશે, જેને કારણે નવી સરકાર એની આગામી ટર્મમાં કયા સેક્‍ટરમાં અને કઈ રીતે ફોકસ કરવા જઈ રહી છે એ ખબર પડશે. જુઓ, આપણે એક વાત સમજવાની જરૂર છે કે આગલાં ૧૦ વર્ષોમાં કારના ઇગ્નિશનમાં એટલે કે અર્થતંત્રમાં ચાવી ભરાવી દેવામાં આવી છે, કાર સ્‍ટાર્ટ પણ થઈ ચૂકી છે અને એણે ગતિ પણ પકડવા માંડી છે. હવે જરૂરી છે કે આવનારાં પાંચ વર્ષોમાં અર્થતંત્રની એ કાર ટોપ ગિઅરમાં પૂરપાટ વેગે દોડે અને દોડવા માટે એને સુલભ માર્ગ મળી રહે.