રાજ્યભરમાં 10 લાખ રેશનકાર્ડ શંકાસ્પદ! તંત્રએ અલગ તારવ્યા

રાજ્યભરમાં 10 લાખ રેશનકાર્ડ શંકાસ્પદ! તંત્રએ અલગ તારવ્યા
રાજ્યભરમાં 10 લાખ રેશનકાર્ડ શંકાસ્પદ! તંત્રએ અલગ તારવ્યા

રાજકોટ સહિત રાજ્યભરમાં પુરવઠા તંત્રમાં ભૂતીયા રેશનકાર્ડનું ભૂત અગાઉ વારંવાર ધુણતું હતું. જો કે ત્યારબાદ છેલ્લા કેટલાક સમયથી પુરવઠા વિભાગે રેશનકાર્ડ સહિતની મોટાભાગની કામગીરી ઓનલાઇન કરી દીધી છે. આ ઉપરાંત હવે લાભાર્થીઓને પણ ફીંગર પ્રિન્ટ લઇને જ માલનું વિતરણ કરવામાં આવે છે. આમ છતાં હજુ રેશનકાર્ડની બાબતમાં પારદર્શિતા રહી નથી. તેનો તાજો દાખલો છે હાલમાં રાજકોટ સહિત રાજ્યભરમાં ઉપસ્થિત થયેલા શંકાસ્પદ રેશનકાર્ડ.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં આજની તારીખે પણ ખુબ જ મોટી સંખ્યામાં શંકાસ્પદ રેશન કાર્ડ ઉપલબ્ધ છે અને આ રેશન કાર્ડ બાબતે ખુદ પુરવઠાના સત્તાધિશો પણ માહિતગાર છે. પુરવઠા વિભાગની વિશ્વસનીય વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ રાજ્યભરમાં આજની સ્થિતિએ દસ લાખ જેટલા શંકાસ્પદ રેશનકાર્ડ ઉપલબ્ધ છે.

આ શંકાસ્પદ રેશનકાર્ડમાં ખાસ કરીને કોઇ એક પરિવારમાં પાંચ સભ્યો હોય તો તેની જગ્યાએ સ્થાનિક પુરવઠાનો અમુક સ્ટાફ અને વેપારીઓએ મીલીભગત કરી પાંચ પરિવારના સભ્યોની જગ્યાએ અન્ય ચાર ખોટા નામો ઉમેરી દેવાનું કારસ્તાન કરવામાં આવે છે. 

વધુમાં પુરવઠા વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ શંકાસ્પદ રેશનકાર્ડમાં પરિવારના સભ્યોના મુળ નામ ઉપરાંત અન્ય ખોટા નામો પણ પુરવઠા સ્ટાફની સાથે વેપારીઓએ મીલીભગત કરી ઉમેરી દીધા છે અને આવા ખોટા નામોના આધારે વધુ માત્રામાં રેશનીંગનો જથ્થો ઉપાડવામાં આવી કાળાબજારના ધંધા ગોરખધંધા ચાલી રહ્યા છે. તેવું ખુદ પુરવઠાના ઉચ્ચ સત્તાધિશો પણ માની રહ્યા છે. 

પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આવા દસ લાખ જેટલા શંકાસ્પદ રેશનકાર્ડને પુરવઠા નિગમના ઉચ્ચ સત્તાધિશોએ અલગ તારવી લીધા છે અને આવા આઇડેન્ટીફાઇ કરેલા શંકાસ્પદ રેશનકાર્ડ અને આવા કાર્ડ જ્યાં જ્યાં છે તેવા વેપારીઓનું લીસ્ટ પણ તંત્રએ બનાવી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.

એવું પણ કહેવાય છે કે લોકસભાની ચૂંટણીઓ બાદ તૂરંત જ આવા શંકાસ્પદ કાર્ડ ધરાવતા વેપારીઓ ઉપર પુરવઠા તંત્રની તવાઇ ઉતરશે. અને આકરા પગલા લેવામાં આવશે.