રીક્ષામાં બેસેલા મુસાફરોના મોબાઇલ તફડંચી કરતી ગેંગ ઝડપાઇ

રીક્ષામાં બેસેલા મુસાફરોના મોબાઇલ તફડંચી કરતી ગેંગ ઝડપાઇ
રીક્ષામાં બેસેલા મુસાફરોના મોબાઇલ તફડંચી કરતી ગેંગ ઝડપાઇ

છેલ્લા બે દિવસથી બી ડીવીઝન પોલીસ વિસ્તારમાંથી રીક્ષામાં બેસેલા મુસાફરોના મોબાઇલ તફડંચી થયાના બનાવો સામે આવતા હરકતમાં આવેલી પોલીસે રીક્ષા ગેંગના બે શખ્સોને દબોચી લઇ પુછતાછ હાથ ધરી હતી. 

બનાવ અંગે માલીયાસણ ગામે રહેતા ખોડાભાઇ વિજયભાઇ ભરવાડ (ઉ.વ.39)એ નોંધાવેલ ફરિયાદ માં જણાવ્યું હતું કે તેઓ દૂધનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. 5ના તેઓ માલીયાસણ ગામથી રાજકોટ આવેલ  ત્યારે ગ્રીનલેન્ડ ચોકડીએ રીક્ષાની રાહ જોઇ ઉભેલ હતા ત્યારે આવેલ રીક્ષાના ચાલકને પેડક રોડ તરફ જવાનું પુછતા   તેઓએ હા પાડી હતી. તેમજ રીક્ષામાં અગાઉ એક પુરૂષ બેસેલ હતો. ત્યારબાદ તેઓ પણ રીક્ષામાં બેસી ગયેલ અને તેમાં બેસેલો અજાણ્યો શખ્સ બેસવા બાબતે ધકકામુકકી કરેલ અને સેટેલાઇટ ચોક પાસે રીક્ષા પહોંચતા રીક્ષા ચાલકે કહેલ કે તમે અહીં ઉતરી જાવ હવે મારે બાલક હનુમાન તરફ જવું નથી જેથી તેઓ ત્યાં ઉતરી ગયેલ.ત્યારબાદ તેના ખિસ્સામાં તપાસ કરતા મોબાઇલ ફોન જોવા મળેલ નહીં. જેથી રીક્ષાના ચાલકે અને તેની સાથે રહેલ શખ્સે મોબાઇલની  તફડંચી કરી નાસી છુટયા હતા. બનાવ અંગે બી ડીવીઝન મથકમાં ગુનો નોંધાયો હતો. 

બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ કે.ડી.મારૂ સહિતનો સ્ટાફ તપાસમાં હતો ત્યારે ચોકકસ બાતમીના આધારે રીક્ષા ગેંગના બે શખ્સોને દબોચી પુછતાછ હાથ ધરી હતી.